મહિલા સશક્તિકરણથી લઈ શિક્ષણ અને આરોગ્ય સુધીના મુદ્દાઓ પર વિશેષ ભાર
અનુભવી અને યુવા નેતાઓ પ્રજાના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવા તૈયાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં.10માં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ મજબૂત ઉમેદવારોની ટીમ ઉતારી છે. વિકાસ, સેવા અને પ્રજાજનો સાથેના સીધા સંપર્કને કેન્દ્રમાં રાખી ભાજપના ઉમેદવારો વિવિધ ક્ષેત્રોમાં પોતાની કામગીરી અને અનુભવના આધારે મતદારોમાં વિશ્ર્વાસ જગાવી રહ્યા છે.
વોર્ડ નં.10ના ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઈ મેરામભાઈ હેરભા શિક્ષણપ્રેમી અને સમાજસેવી યુવા આગેવાન તરીકે આગળ આવ્યા છે. છેલ્લા 27 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા ઘનશ્ર્યામભાઈએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી છે. પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અનેક વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં સહાય કરી છે, તેમજ કે.ડી. પરવાડિયા હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે આરોગ્ય સેવાઓમાં યોગદાન આપ્યું છે. કોરોના કાળ દરમિયાન રાહતકાર્ય, રાશન કિટ વિતરણ અને મેડિકલ સહાય જેવા કાર્યોમાં તેઓ આગળ રહ્યા છે. તેઓ વોર્ડમાં આધુનિક સુવિધાઓ, ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે મેદાનમાં છે.
અશ્ર્વિનભાઈ પરશોતમભાઈ ભોરણીયા (કડવા પટેલ) પણ ભાજપના મજબૂત ઉમેદવાર તરીકે જાણીતા છે. બિલ્ડર તરીકે વ્યવસાય કરતા અશ્ર્વિનભાઈ છેલ્લા 25 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા રહી વિવિધ હોદાઓ પર સેવા આપી રહ્યા છે. 2015થી 2020 દરમિયાન કોર્પોરેટર રહી ચૂકેલા અશ્ર્વિનભાઈએ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. વોર્ડની નાની-મોટી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે જાણીતા અશ્ર્વિનભાઈ સરળ સ્વભાવ અને કાર્યક્ષમતાના કારણે નગરજનોમાં વિશ્ર્વાસ ઉભો કર્યો છે. પક્ષ સંગઠનથી લઈને ચૂંટણી વ્યવસ્થાપન સુધીના તેમના અનુભવને ભાજપ માટે મજબૂત આધાર માનવામાં આવે છે.
વોર્ડ નં.10ના મહિલા ઉમેદવાર નીતાબેન કમલેશ લાલ (રઘુવંશી) મધ્યમવર્ગીય પરિવારથી આવતી ગૃહીણી હોવા છતાં વર્ષોથી સમાજસેવામાં સક્રિય રહી છે. બે સંતાનોની માતા નીતાબેન સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ લોકોની સમસ્યાઓને નજીકથી સમજી શકે તેવી સંવેદનશીલ નેતા તરીકે ઉભરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર નીતાબેન મહિલા સશક્તિકરણ, યુવાનોના વિકાસ, સ્વચ્છતા અને ઉત્તમ નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી રહી છે. તેમના પતિ કમલેશ લાલ પણ વોર્ડમાં વર્ષોથી સક્રિય કાર્યકર તરીકે જાણીતા છે, જેના કારણે પરિવારનો પ્રજાજનો સાથે સારો સંપર્ક છે.
બીજી તરફ, જયોત્સનાબેન પ્રફુલભાઈ ટીલાળા (લેઉવા પટેલ) અનુભવી મહિલા નેતા તરીકે વોર્ડમાં વિશેષ ઓળખ ધરાવે છે. તેઓ અગાઉ 2015થી 2020 દરમિયાન કોર્પોરેટર રહી ચૂક્યા છે અને પાણી જેવી મૂળભૂત સમસ્યાઓના ઉકેલમાં નોંધપાત્ર કામગીરી કરી છે. સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, ફાયર વિભાગના ચેરમેન તથા ડ્રેનેજ સમિતિના ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદાઓ સંભાળીને તેમણે પ્રશાસનિક અનુભવ મેળવ્યો છે. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ માટે યોજાયેલા સેમિનારો દ્વારા તેઓએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. વોર્ડના પ્રજાજનો સાથે સીધા સંપર્ક અને સમસ્યાઓના કાયમી ઉકેલની દૃષ્ટિએ તેઓ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આ રીતે વોર્ડ નં.10માં ભાજપે અનુભવી, સેવાભાવી અને યુવા નેતાઓનું સંતુલિત પેનલ ઉતારી વિકાસના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને ચૂંટણીમાં મજબૂત દાવ કર્યો છે.



