ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
બનાવની હકીકત એવી છે કે તા. 16-7-2017ના રોજ ગુજરનાર દિનેશભાઈ જેરામભાઈ ધ્રાંગડ (ઉ.વ.48) ગુજરનાર પોતાના હવાલાવાળુ એક્ટિવા મોટર સાયકલ નં. જીજે03જે.ડી. 4573 લઈને વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયાવાળા રસ્તે આવતા હતા, તે સમયે આ કામના સામાવાળા ટ્રક નં. જીજે03ટી 3790ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક પૂરઝડપે તથા બેદરકારીપૂર્વક ચલાવીને ગુજરનાર દિનેશભાઈ ધ્રાંગડને ડ્રાઈવર સાઈડના પાછલા વ્હીલમાં હડફેટે લઈ ટ્રકનું ટાયર ગુજરનારના માથે ફેરવી દેતા હાલનો બનાવ બનવા પામેલો હતો. આ અકસ્માતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે અકસ્માતના સ્થળે જ અવસાન પામેલા જેથી આ બનાવ સંબંધે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા 304(અ) અને મોટર સાયકલ એક્ટની કલમ 134, 177, 184 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ગુજરનાર દિનેશભાઈ જેરામભાઈ ધ્રાંગડના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગે તા. 2-8-2017ના રોજ ક્લેઈમ કેસ નં. 960-2017થી દાખલ કરવામાં આવેલ હતો.
- Advertisement -
જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલા હતા. ઉપરોક્ત અકસ્માત અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી અને ગુજરનારની આવક તથા ભવિષ્યની આવકના મુદ્દાઓ પર દલીલો કરવામાં આવેલી અને પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને ગુજરનારના વારસદારો તેમના પર આધારિત હોય, ગુજરનાર તેમના બ્રેડવીનર હોય તેમજ આ કામમાં યુનાઈટેડ ઈન્ડીયા જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી અરજદારના વાહનની પણ બેદરકારી અંગે દલીલો કરવામાં આવેલી હતી, પરંતુ અરજદારના એડવોકેટ અજય કે. જોષીની દલીલોને માન્ય રાખી આ અકસ્માત માત્ર ને માત્ર ટ્રકના ચાલકની બેદરકારીને કારણે બનવા પામેલ છે તેવું નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલું હતું જે તમામ મુદ્દાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલ અને તે નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી અને વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલા તે ધ્યાને લઈને આ અકસ્માતમાં માત્ર અને માત્ર ટ્રક નં. જીજે03ટી 3790ના ચાલકની બેદરકારી ઠરાવેલી અને ગુજરનાર દિનેશભાઈ ધ્રાંગડના વારસદારોને રૂા. 84,00,000 ચૂકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્યુનલ (ઓકઝી.) રાજકોટ દ્વારા હુકમ કરેલો છે અને ઉપરોક્ત હુકમમાં સંપૂર્ણ બેદરકારી માત્ર ને માત્ર ટ્રકના ચાલકની ગણીને યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યો. કંપની સામે ઉપરોક્ત કેઈસના વળતરરૂપે કુલ રૂા. 84,00,000 ચૂકવવા હુકમ કરવામાં આવેલો છે. આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રિયાંક જે. ભટ્ટ, પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.