જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તી કરાઈ છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી જેને સરકારે સ્વીકારી લીધી હતી અને આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરાઈ છે.

27 ઓગસ્ટે લેશે ચીફ જસ્ટિસ તરીકે શપથ

હાલના ચીફ જસ્ટિસ એનવી રમના 26 ઓગસ્ટે નિવૃત થશે. સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર જજ એવા જસ્ટિસ યુયુ લલિતને બારમાંથી સીધા જ સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અયોધ્યા કેસની સુનાવણીમાંથી ખસી ગયા હતા
10 જાન્યુઆરી, 2019ના રોજ જસ્ટિસ યુયુ લલિતે અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી પાંચ જજોની બેન્ચમાંથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે દલીલ કરી હતી કે લગભગ 20 વર્ષ પહેલા તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા એક ક્રિમિનલ કેસમાં યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના વકીલ રહી ચૂક્યા છે.

વકીલથી સીધા જ જસ્ટિસના પદ પર પહોંચ્યાં
પોતાના સૌમ્ય સ્વભાવ માટે જાણીતા લલિત બીજા એવા ચીફ જસ્ટિસ હશે જે સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા કોઇ પણ હાઇકોર્ટમાં જજ ન હતા. તે વકીલથી સીધો જ આ પદ પર પહોંચ્યો હતો. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસ.એમ.સીકરીએ આ સિદ્ધિ મેળવી હતી.

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.

વર્ષ 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી
એપ્રિલ 2004થી વરિષ્ઠ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી
2G કૌભાંડ કેસમાં SCની બેન્ચે CBIના ખાસ વકીલ નિમ્યા હતા
કાળીયાર કેસમાં સલમાન ખાનના વકીલ હતા
ભ્રષ્ટાચારના કેસમાં કેપ્ટન અમરિંદર સિંહના વકીલ રહ્યા હતા
પૂર્વ સેના પ્રમુખ જનરલ વી.કે.સિંહની જન્મ તારીખના વિવાદનો કેસ લડ્યા
ઉદય ઉમેશ લલિત સુપ્રીમ કોર્ટમાં 13 ઓગસ્ટ 2014થી ન્યાયાધીશ છે
વકીલમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર છઠ્ઠા વકીલ
2017માં ત્રણ તલાક મુદ્દે ચુકાદો આપનાર SCની બેન્ચમાં સામેલ હતા
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી CCTV કેમેરામાં રેકોર્ડ કરવાની મંજૂરી આપી