ખાસ-ખબર સંવાદદાતા
આગામી શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે ત્યારે ઉજ્જૈન થી સોમનાથ ત્રણ કાવડયાત્રીકો 800 કિમી નું અંતર કાપી 36 દિવસ બાદ આજે વેરાવળ નજીક પહોંચ્યા છે ક્ષિપ્રા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી અને માર્ગમાં હર હર નાદ કરતા આ કાવડિયાઓ સોમનાથ નજીક પહોંચતા જ ભાવવિભોર બન્યા છે. અને ભગવાન સોમનાથ સદાય તેમને પદયાત્રાની શક્તિ આપે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય જીવ માત્ર સુખી બને તેવી ઉત્તમ મનોકામના સાથે ઉજ્જૈન ના શિવ ભક્ત નિરંજન બાપુ તેમજ સહયાત્રી લોકેન્દ્ર ક્ષોત્રિય સહિત ત્રણ યાત્રિકો છેક ઉજ્જૈનથી સોમનાથ પહોંચી ગયા છે. તો સાથે રાજકોટ સુરેન્દ્રનગર થી અન્ય ત્રણ ભાવિકો પણ તેમની યાત્રામાં જોડાયા છે જે સોમવારે પવિત્ર ક્ષીપ્રા નદીના જળથી ભગવાન સોમનાથને જલાભિષેક કરશે.
કાવડિયાઓ એ જણાવ્યું કે અમે છેક ઉજ્જૈન થી નીકળ્યા પરંતુ ગુજરાતની સીમામાં પ્રવેશ કરતા ગુજરાતના પ્રજાજનોએ અમને અતિથિની જેમ સાચવ્યા છે. અમે મહાપ્રસાદ લેનારા ઓછા હતા અને અમોને ખવડાવનારા અનેક હતા. અનેક સંતો મહંતોના આશ્રમો તેમજ અનેક ભાવિકોએ અમારું હૃદયથી સ્વાગત કર્યું છે. અને લોકોએ અમારી સેવા પણ ખૂબ કરી છે. જેથી સમગ્ર ગુજરાતવાસીઓના અમે આભારી છીએ. અમે દાદા સોમનાથને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે સનાતન ધર્મનો ધ્વજ સતત આકાશમાં ફરકતો રહે. અને લોકો ગૌ માતાની સેવાઓ કરતા રહે જેથી સમગ્ર ભારત વર્ષ સુખી અને સંપન્ન બનતું રહે. તેવી અમારી દાદા ને પ્રાર્થના છે.