પોલીસ ચોપડે 4 હજારથી વધુ દુષ્કર્મના કેસ, પોલીસ સુધી પહોંચ્યા ન હોય તેવા કેસ તો અસંખ્ય હશે!
- વિધાનસભા ગૃહમાં પ્રેશ્ર્નોત્તરી દરમિયાન જવાબ આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવી
દેશમાં સુરક્ષિત ગુજરાતની વાતો હવે માત્ર ગુલબાંગો અને કાગળ પર જ રહી છે. મહિલા અત્યાચારો માટે બદનામ દિલ્હી જ નથી, ગુજરાતમાં પણ દુષ્કર્મ સહિત મહિલા અત્યાચારોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ખુદ ભાજપ સરકારે જ વિધાનસભામાં આ અંગેના રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં જ દુષ્કર્મના પોણા ચાર હજારથી વધુ કેસ નોંધાયા. તેમાં પણ અમદાવાદ દુષ્કર્મની રાજધાની બની રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બળાત્કારના કેસના જે આંકડા આપવામાં આવ્યા છે તે મહિલાઓ માટે ગુજરાત સુરક્ષિત હોવા દાવાને પોકળ સાબિત કરે છે. માત્ર રેપ કેસ જ નહીં પરંતુ ઘરેલુ હિંસાના પણ નિયમિત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાઈ રહ્યા છે. રજૂ કરાયેલી આંકડાકીય માહિતી મુજબ રાજ્યમાં 2020 અને 2021માં બળાત્કારના દૈનિક સરેરાશ પાંચ કેસ નોંધાયા. 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા બે વર્ષમાં ગુજરાતમાં બળાત્કારના કુલ 3,796 રેપ કેસ અને ગેંગ રેપના 61 ગુના નોંધાયા. તેમાં અમદાવાદ શહેરમાં 614 રેપ કેસ અને 15 ગેંગ રેપ કેસ નોંધાયા હતા.અમદાવાદ જિલ્લામાં રેપના 115, ગેંગ રેપનો એક કેસ નોંધાયો હતો.
- Advertisement -
વિધાનસભા ગૃહમાં પ્રેશ્ર્નોત્તરી દરમિયાન જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ મળીને રેપના 729 કેસ જ્યારે ગેંગ રેપના 16 કેસ સામે આવ્યા હતા. સુરતમાં 508 રેપ અને પાંચ ગેંગ રેપ થયા હતા, વડોદરામાં 183 રેપ અને 4 ગેંગ રેપ કેસ થયા હતા. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રેપ કેસના 203 આરોપીઓ ધરપકડથી હજી દૂર છે. સંબંધિત સવાલના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે 2020 મહિલાઓ સાથેના અત્યાચારના 8,028 કેસ નોંધાયા હતા.
કોંગ્રેસ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ સાથે થયેલા ગુનાઓના 8 હજાર કેસની સામે મહારાષ્ટ્રમાં આવા 31,954 કેસ જ્યારે રાજસ્થાનમાં 34,535 કેસ નોંધાયા હતા, જ્યાં કોંગ્રેસની સરકાર છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વર્ષ 2020માં બળાત્કારના 261 કેસમાંથી 130 કેસમાં મહિલાને લગ્નનું વચન આપી દુષ્કર્મ કરાયું હતું.