એક વર્ષમાં પામતેલમાં સૌથી વધુ રૂ.485નો વધારો
ઈંધણના પહેલેથી જ ઉંચા ભાવમાં હજુ તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં જેની માંગ કરતા બે વર્ષથી મબલખ વધુ ઉત્પાદન થાય છે તેવા સિંગતેલ અને કપાસિયા તેલમાં કૃત્રિમ વધારાનો સિલસિલો શરૂ થયો છે. આજે રાજકોટ સિંગતેલમાં રૂ.50, ગઈકાલે રૂ.60 સહિત બે દિવસમાં જ 15 કિલો ટીનમાં રૂ.110નો ઐતહાસિક વધારો થયો છે. તો પામતેલમાં પણ રૂ.110નો અને કપાસિયા તેલમાં રૂ.90નો વધારો થયો છે.
ગુજરાતમાં ગત વર્ષે 39 લાખ ટન મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું, પરંતુ, પામતેલ સહિતના સાઈડ તેલો ઈન્ડોનેશિયા-મલેશિયા દેશોની નીતિરીતિ અને આંતરરાષ્ટ્રીય સટ્ટાખોરોના ઉંચા અંદાજોના પગલે વધતા તેની સાથે સૌરાષ્ટ્ર સિંગતેલ અને કપાસિયા તેલ ઉંચકાયું હતું જેમાં યુક્રેન યુદ્ધના પગલે સૂર્યમુખી તેલમાં 450નો વધારો થયો છે. મહિનામાં પામતેલમાં સૌથી વધુ રૂ.485નો વધારો થયો છે. જ્યારે સિંગતેલ-કપાસિયામાં રૂ.340 વધ્યા છે.શુદ્ધ ઘીને બદલે વનસ્પતિ ઘીનો વિકલ્પ ગરીબો અપનાવે તો તેના ભાવ પણ 2500ને પાર થયા છે.
- Advertisement -
ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ,ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલ ઉપરાંત મરચા,જીરૂ,ધાણા સહિત મસાલાના ભાવ ગત વર્ષની સાપેક્ષે ત્રીસ ટકા જેવા વધ્યા છે. ઘંઉ મોંઘા થયા છે, રાંધણ ગેસ કે પી.એન.જી.માં તાજેતરમાં જ તોતિંગ વધારો થયો છે જેના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
એક માસથી ઓછા સમયમાં ખાદ્યતેલોના ભાવોમાં ભડકો
- ખાદ્યતેલ તા.11-2-22નો ભાવ તા.10-3-22ના ભાવ વધારો
- સિંગતેલ 2260 – 2310 2600 – 2650 340
- કપાસિયા 2205 – 2255 2540 – 2590 335
- પામતેલ 2045 – 2050 2430 – 2535 485
- સૂર્યમુખી 2040 – 2070 2500 – 2520 450
- વનસ્પતિ ઘી 2160 – 2200 2480 – 2550 350