પ્રકરણ – 8
આજે સવારે સૂરજ ઉગે તે પહેલા જ તર્પણની આંખ ખુલી ગઈ હતી. ગઈ રાત્રે એ મોડો સૂતો હતો. છેલ્લા બે દિવસમાં ઘણાં નાના-મોટા બનાવો બની ગયા હતાં. જો કે, ચતુર્વેદીસાહેબને ત્યાં એ ગયો હતો એ વાતને ત્રણ દિવસ થઈ ગયા હતાં. પરંતુ એ પછીનો સમય પણ હેપનિંગ રહ્યો હતો. આજે મતગણતરી શરૂ થવાની હતી. તર્પણ, તેના મિત્ર, વિરોધ પક્ષ અને રાજકારણના રસિયા દેશવાસીઓ આજે ટેલિવિઝન સ્ક્રીન સામે જાણે ચોંટી જવાના હતાં.
તર્પણ અને તેના સાથીદારો સહિત અનેક લોકોની શાખ દાવ પર હતી. પીપલ્સ પાર્ટીના રાશિદ ખાન સહિતના નેતાઓએ ગઈકાલે જ એક મીડિયા કોન્ફરન્સ બોલાવી હતી અને તેમાં દાવો કર્યો હતો કે, તર્પણની જાહેરસભા પર થયેલા હૂમલામાં તેમનો કોઈ જ હાથ નથી. ટીપીકલ રાજકારણીની અદામાં તેમણે પડકાર ફેંકયો હતો કે, જો એ એટેકમાં તેમની ભૂમિકા હોવાનું સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. આ દેશમાં દરેક કૌભાંડ પછી નેતાઓ હાકલા-પડકારા કરી તેઓ દાવો કરતા હોય છે કે, જો જે-તે કૌભાંડમાં તેમનો રોલ પુરવાર થશે તો તેઓ પોલિટીકસ છોડી દેશે. ટીવી પર આ પ્રેસ કોન્ફરન્સ જોઈ ત્યારે તર્પણને પણ પહેલો સવાલ એ જ થયો હતો, ‘જો કાવતરામાં તમારો હાથ છે તે સાબિત થાય તો તમારા રાજકારણ છોડ્યાથી એ વાતનો અંત આવી જતો નથી.
- Advertisement -
પીપલ્સ પાર્ટીના રાશિદ ખાન સહિતના નેતાઓએ ગઈકાલે જ એક મીડિયા કોન્ફરન્સ બોલાવી હતી અને તેમાં દાવો કર્યો હતો કે, તર્પણની જાહેરસભા પર થયેલા હૂમલામાં તેમનો કોઈ જ હાથ નથી… ટિપિકલ રાજકારણીની અદામાં તેમણે પડકાર ફેંકયો હતો કે, જો એ એટેકમાં તેમની ભૂમિકા હોવાનું સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે
પોલિટિકસમાં રહીને આમ પણ આ દેશનું કોઈએ શું ભલુ કરી નાખ્યું. આવી બલાઓ જો રાજકારણમાંથી ઓછી થશે તો લોકોની નજરમાં પણ પોલિટિશિયનની છાપ થોડી સુધરશે. સમ ખાવા પૂરતું પણ કોઈ નેતા એવું નથી કહેતો કે, જો ફલાણા સ્કેમમાં મારી ભૂમિકા હોવાનું સાબિત થશે તો હું જેલમાં જઈશ!’
રાશિદ ખાનની પ્રેસ કોન્ફરન્સ પછી તર્પણ પર પહેલો જ ફોન કોલ કાજલનો આવ્યો હતો. સૌથી પહેલું વાક્ય એ એ જ બોલી, એકદમ બકવાસ કોન્ફરન્સ!
તર્પણ સાથે ફોન પર તેણે વીસેક મિનિટ વાત કરી. પીપલ્સ પાર્ટીની મીડિયા કોન્ફરન્સના પ્રજામાં એકદમ નેગેટિવ રિપોર્ટ હતાં. દેશનો સામાન્ય જન માનતો હતો કે, તર્પણની રેલી પર હૂમલામાં પીપલ્સ પાર્ટી અને તેના નેતાઓ સ્પષ્ટપણે ખરડાયેલા છે. રાશિદ ખાનએ મીડિયાને સંબોધ્યું એ પછી રાબેતા મુજબ જ વિવિધ પાર્ટીના અનેક નેતાઓ ટીવી ચેનલ પર પિષ્ટપિંજણના વિવિધ કાર્યક્રમોમાં પોતાના મંતવ્યો ભરડી ગયા હતાં. કોઈએ કહ્યું કે, લોકશક્તિ મંચ જો સત્તા પર આવશે તો દેશના સેક્યુલરિઝમ પર એ ઘટના આઘાત સમાન હશે. કોઈ વળી એવું પણ બોલી ગયા કે, તર્પણ એન્ડ કંપની લઘુમતિઓની દુશ્મન છે. હિન્દુવાદી સંગઠનોનો દાવો હતો કે, લોકશક્તિ મંચનું સ્ટેન્ડ સાવ બોદુ છે. પણ પીપલ્સ પાર્ટી તો રાષ્ટ્રદ્રોહી છે.
તટસ્થ હોય અને થોડી વિચારશક્તિ હોય એવા સરેરાશ આદમી માટે દેશનો રાજકીય માહોલ નર્ક જેવો હતો. સેકયુલરિઝમના નામે એવું તૂત ચાલતું હતું કે, કોઈને પોતાની જાતને હિન્દુ કહેતા પણ શરમ આવે. એ દિવસો દૂર નહોતા જયારે કોઈ પોતાની જાતને હિન્દુ કહે અને રાજદ્રોહના આરોપસર તેને કારાવાસમાં ધકેલી દેવામાં આવે. દેશના વાતાવરણમાં ઓક્સિજનનો જેટલો ફૂલ જથ્થો હશે તેના કરતાં બમણો પ્રદુષિત વાયુ આવી કુવિચારધારાથી ફેલાયેલો હતો. આજના પરિણામો ઘણી બધી બાબતો નકકી કરવાના હતાં. જેને દેશની ફિકર છે તેવા સમજદાર વર્ગમાંથી કોઈને પણ બેઉમાંથી કોઈ જ પક્ષ પર ઝાઝો ભરોસો નહોતો. આવા લોકો કહેતા કે, ‘રાશિદ ખાન જેવા પાકિસ્તાન તરફી નેતાઓ પણ આ દેશે અનેક જોઈ કાઢ્યા છે તો તર્પણ અને વિવેક જેવા દૂધ-દહીંમાં પગ રાખનારા તળીયા વગરના અકબરી લોટાઓ પણ દેશે ઓછા જોયા નથી.’ તર્પણ એન્ડ કંપનીની વિચારધારા આધુનિક હતી, તેઓ પ્રામાણિક હતાં પણ તેઓ એકદમ આક્રમક ન હતાં. તેમના ઘણાં વિચારો એવા લોકોને ગળે નહોતા ઉતરતા જેઓ દેશને દિલ ફાડીને ચાહે છે.
પરોઢીયે ઉઠતાવેંત પહેલું કામ તર્પણએ સ્નાનાદિ પતાવવાનું કર્યુ હતું. તાજા-માજા થઈ તેણે પોતાના પૂજારૂમમાં પ્રવેશ કર્યો. દિવો પ્રગટાવ્યો, પોતાને ગમતી ઓરોવિલેની અગરબત્તી પ્રગટાવી. પૂજાના ખંડમાં તેણે ખાસ તમિળનાડુના ગામમાં બનાવડાવેલી માતા ત્રિપુર સુંદરીની ભવ્ય-દિવ્ય મૂર્તિ રાખેલી હતી. બહુ યુવાવયે તેણે મા ત્રિપુર સુંદરીમાં આસ્થા જાગી હતી. આસામથી લઈને દક્ષિણ ભારત સુધી પથરાયેલા દેવીને સમર્પિત કામાક્ષી મંદિરોમાં એ અવારનવાર દર્શન કરવા જતો.
રાશિદ ખાનની પ્રેસ કોન્ફરન્સ પછી તર્પણ પર પહેલો જ ફોન કોલ કાજલનો આવ્યો હતો, સૌથી પહેલું વાક્ય એ એ જ બોલી, એકદમ બકવાસ કોન્ફરન્સ!
- Advertisement -
પીપલ્સ પાર્ટીની મીડિયા કોન્ફરન્સના પ્રજામાં એકદમ નેગેટિવ રિપોર્ટ હતાં, દેશનો સામાન્ય જન માનતો હતો કે, તર્પણની રેલી પર હૂમલામાં પીપલ્સ પાર્ટી અને તેના નેતાઓ સ્પષ્ટપણે ખરડાયેલાં છે
ન્યૂઝ ચેનલો પર ટ્રેન્ડ મળવાનું શરૂ થઈ ચૂક્યું હતું… હજુ પશ્ર્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર, ગુજરાત વગેરેથી ટ્રેન્ડ મળી રહ્યા હતાં: અપેક્ષા મુજબ લોકશક્તિ મંચના ઉમેદવારો સારો દેખાવ કરી રહ્યા હતાં
ત્રિપુર સુંદરીનો ધામ ગણાતા ત્રિપુરાના ઉદયપુરમાં આવેલા મંદિરની મુલાકાતે પણ ત્રણેક વખત જઈ આવ્યો હતો. લલિતાષ્ટકમ તેને કંઠસ્થ હતું. ધૂપ-દિપ કર્યા પછી શુદ્ધ ઉચ્ચારો સાથે તેણે તેનો પાઠ કર્યો. એ પછી તેણે લલિતાસહસ્ત્ર નામનો જપ શરૂ કરવાની તૈયારી કરી. ત્રણેય લોકની અધિષ્ઠાત્રી એવી પરમશકિતનું તેણે ધ્યાન ધર્યુ.
અથ ધ્યાનમ
સિન્દૂરારુણવિગ્રહાં ત્રિનયનાં માણિકયમૌલિસ્ફુરત-તારાનાયકશેખરાં સ્મિતમુખીમાપીનવક્ષોરુહામ ા
પાણિભ્યામલિપૂર્ણરત્નચષકં રકતોત્પલં બિભ્રતીં સૌમ્યાં રત્નઘટસ્થરકતચરણાં ધ્યાયેદ પરામમ્બિકામ ાા
સિંદૂર સમાન રકતવર્ણ શરીર ધરાવતી, ત્રણ નેત્રોવાળી, રત્નોનો મુકુટ મસ્તક પર ધારણ કરનાર, મસ્તક પર ચંદ્રમાંથી અલંકૃત સ્મિત કરતી, સ્થૂળ ઉરપ્રદેશવાળી, બંને હાથોમાં ભ્રમરોથી પરિપૂર્ણ રત્નના વાડકામાં લાલ કમળને ધારણ કરનાર, રત્નોના ઘડા પર લાલ ચરણોને સ્થાપિત કરનાર, શાંતિરૂપ પરમેશ્ર્વરી માંનું હું ધ્યાન કરૂં છું.
લલિતાસહસ્ત્ર નામનો પાઠ લગભગ એકાદ કલાક ચાલ્યો. વર્ષોથી તેને આ પાઠ કરવાનો મહાવરો હતો. જ્યારે એ આ પાઠ જપતો, કોઈ અલગ જ ભાવવિશ્ર્વમાં સરી પડતો. જાણે સમાધિ અવસ્થામાં જતો રહ્યો હોય એવું લાગતું. વ્યસ્ત રાજકીય કરિઅરમાંથી સમય કાઢીને જાતને મળવાનો એ અવસર હતો તેનાં માટે. કોઈ પ્રકાંડ પંડિતની અદાથી એ જ્યારે મંત્રોચ્ચાર કે પાઠ કરતો ત્યારે લાગતું જાણે પોતાની ભીતર નવા પોઝિટિવ વાયબ્રેશન્સ સર્જાઈ રહ્યા છે! એક સારી બાબત એ હતી કે, દંભી સેકયુલરિઝમના આ ઝેરીલા કળિકાળમાં પણ એ પોતાની આસ્થા કયારેય છૂપાવતો નહિં. હા! એ તેનો ઢંઢેરો પણ કયારેય પીટતો નહોતો. તેની આસ્થા શુદ્ધ હતી. ઉત્તર ભારતનાં અંધશ્રદ્ધાળુ નેતાઓની માફક એ કયારેય પશુબલી કે દોરા-ધાગાના ચકકરમાં નહોતો પડતો. તેનો સંબંધ આધ્યાત્મિકતા સાથે હતો, જડ ધાર્મિકતાથી એ દૂર જ રહેતો.
દોઢેક કલાક પૂજાખંડમાં ગાળ્યા પછી એ બહાર આવ્યો. સવારનાં લગભગ સવાસાત થયા હતા. બહાદૂરને તેણે કોફી-નાસ્તો લાવવા કહ્યું. ગઈકાલે જ તેણે વિવેક અને પુરૂષોત્તમને કહી દીધું હતું કે પોતે ઘેર રહીને જ રીઝલ્ટનું કવરેજ જોવાનો છે. પોતાનો એક ખાસ મોબાઈલ નંબર જ આજે તેણે ચાલુ રાખ્યો હતો. આ નંબર પાર્ટીના કેટલાંક ખાસ નેતાઓ પાસે જ હતો. મીડિયામાંથી કાજલ સિવાય કોઈની પાસે નહોતો. બહાદૂર તેનાં માટે કડક કોફી તથા ચીઝ કેપ્સિકમની ઓપન સેન્ડવિચ અને ગરમ પૌઆ લઈને આવ્યો. ડાઈનિંગ ટેબલને બદલે આજે સોફા-ટિપોઈ પર જ તેણે નાસ્તો કરવાનું પસંદ કર્યુ. કોફીની એક ચુસ્કી હજુ માંડ લીધી હશે ત્યાં તેના ખાનગી નંબર પર વિવેકનો એસએમએસ પડ્યો હતો:
‘ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ અસ’
તર્પણે રીપ્લાય કર્યો:
‘લેટસ પ્રે ફોર ધ બેસ્ટ!’
સવારે તર્પણ ઉઠ્યો તે પહેલાં જ ન્યૂઝ ચેનલોના રીપોર્ટરો નાહી-ધોઈને માથામાં બાબરી પાડી તર્પણના ઘેરની બહાર ઓબી વાનમાં ગોઠવાઈ ગયા હતાં. તર્પણના બંગલાની દિવાલો ઉંચી હતી અને તેના પર કાંટાળી વાડ પણ હતી. પરંતુ કેમેરાના ઝુમ લેન્સમાંથી બંગલાની એકાદ બારી પણ દેખાય તો એમના એ સિદ્ધિ હતી. આરામથી નાસ્તો વગેરે નિપટાવ્યા પછી તર્પણે ટીવી ઓન કર્યુ. ન્યૂઝ ચેનલો પર ટ્રેન્ડ મળવાનું શરૂ થઈ ચૂક્યું હતું. હજુ પશ્ર્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર, ગુજરાત વગેરેથી ટ્રેન્ડ મળી રહ્યા હતાં. અપેક્ષા મુજબ લોકશક્તિ મંચના ઉમેદવારો સારો દેખાવ કરી રહ્યા હતાં.
કેટલીક બેઠકો પર દેશની, મીડિયાની અને રાજકીય નીરિક્ષકોની ખાસ નજર હતી. લખનૌ બેઠક પરથી તર્પણ લડી રહ્યો હતો. વિવેક વર્માએ અમૃતસરની સીટ પસંદ કરી હતી. પુરૂષોત્તમ નાગપુરથી લડી રહ્યો હતો અને રાશિદ ખાને ચાંદની ચોકથી ઉમેદવારી નોંધાવી હતી.
શરૂઆતી ટ્રેન્ડ જે પ્રકારનાં મળ્યા હતાં એ આગળ જતાં પલટાઈ પણ શકે એ બધાની જાણમાં જ હતું. ટ્રેન્ડ કંઈ અંતિમ પરિણામ નથી હોતા. હા! જો દેશભરમાંથી-દેશનાં દસેય દિશામાંથી એકસમાન ટ્રેન્ડ મળવા માંડે તો સમજી શકાય કે, આ ટ્રેન્ડ જ કદાચ અંતિમ પરિણામનું ટ્રેલર છે. બન્યું હતું પણ એવું જ. અગાઉ લોકશક્તિ મંચ જયાં સૌથી ઓછી લોકપ્રિયતા ધરાવતો હતો-તેવા ઈશાન ખૂણાનાં સાત રાજ્યોથી શરૂ કરીને પશ્ર્ચિમના કચ્છ લગી અને તમિળનાડુથી માંડી ઉત્તર ભારતમાં લોકશક્તિ મંચ તરફી જુવાળ સાબિત થઈ રહ્યો હતો.
બપોરનાં બારેક વાગ્યા સુધીમાં લગભગ ત્રણસો બેઠકની વિગતો બહાર આવી ચૂકી હતી. રર0 બેઠકો પર લોકશક્તિ મંચની સરસાઈ હતી, આશરે 60 બેઠકો પર પીપલ્સ પાર્ટી લીડ ધરાવતી હતી અને બાકીની વીસ સીટ્સ પર પ્રાદેશિક પક્ષોનું તેમ જ ડાબેરીઓનું પ્રભુત્વ હતું.
તર્પણનો પર્સનલ મોબાઈલ રણકતો રહેતો હતો. વિવેક, પુરૂષોત્તમ અને ભગવતિચરણ વર્મા તેનાં સતત સંપર્કમાં હતા. હજુ ચિત્ર પૂર્ણત: સ્પષ્ટ નહોતું. ત્રણસો બેઠકોનો ટ્રેન્ડ જે ક્ષણે ટીવી પર પ્રથમ વખત દર્શાવાયો, વર્માજીએ તર્પણને ફોન જોડયો.
‘યસ, અન્કલ! વી આર ડુઈંગ ગ્રેટ!’ તર્પણએ ફોન ઉઠાવતાંવેંત જ કહ્યું.
‘એકઝેકટલી, માય સન! ટીવી પર તો હજુ ત્રણસો સીટનો જ ટ્રેન્ડ આવ્યો છે, પરંતુ ગવર્મેન્ટના મારા સોર્સ કહે છે કે, જેવો ટ્રેન્ડ શરૂઆતની ત્રણસો બેઠક માટે છે, તેવો જ બાકીની સીટસ માટે પણ હશે! ધેટ મીન્સ, યુ આર ગોઈંગ ટુ મેઈક અ હિસ્ટરી! દોસ્ત, આ દેશમાં તું એક ઈતિહાસ સર્જવા જઈ રહ્યો છે. કોઈ રાજઘરાનાનો કે શાહી પરિવારનો પુત્ર નહીં હોવા છતાં આટલી બેઠક મેળવનાર તું પ્રથમ નેતા હશે!’ વર્માજીના સ્વરમાં ઉમળકો અને ઉત્સાહ વર્તાયા વગર રહેતા નહોતા. આજે તેઓ જબરા ખુશ હતા. આફટર ઓલ, આ એમની પણ જીત હતી. તન-મન-ધનથી જો તેમણે ત્રિપુટીને સાથ-સહકાર ન આપ્યો હોત તો આજે આ મિત્રો અહીં સુધી પહોંચી જ શકયા ન હોત.
‘એકસ્કયુઝ મી, અન્કલ! આ વિજય જો મળશે તો-એ મારો એકલાનો નહીં હોય. એ આપણો સહિયારો હશે. તમારા સહિત અનેક લોકોએ હૃદયપૂર્વક મહેનત કરી છે ત્યારે આ અવસર આવ્યો છે.’ તર્પણએ બહુ ભાવપૂર્વક વિવેક કર્યો.
ટીવી પર તો હજુ ત્રણસો સીટનો જ ટ્રેન્ડ આવ્યો છે, પરંતુ ગવર્મેન્ટના મારા સોર્સ કહે છે કે, આવો જ ટ્રેન્ડ બાકીની સીટસ માટે પણ હશે!
ધેટ મીન્સ, યુ આર ગોઈંગ ટુ મેઈક અ હિસ્ટરી!
પાના નં. 5થી ચાલું…
‘એનીવેઝ… જો તારી પાસે કંઈ નવા સમાચાર હોય તો મને જણાવતો રહેજે, મારી પાસે હશે તો હું તને જણાવીશ. જો કે, ટીવી ચેનલોવાળા કશું જ ચૂકતા નથી પરંતુ તેમ છતાં કોઈ ખાસ વાત હોય તો કહેજે…’ તર્પણની વ્યસ્તતા સમજી વર્માજીએ વાત ટૂંકાવી. તેમને ખ્યાલ હતો કે, આજે તર્પણ કેટલો બીઝી હશે.
બપોર થતા સુધીમાં કેટલાંક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા હતા. તર્પણ, પુરૂષોત્તમ અને વિવેક પોતપોતાની બેઠકો જીતી ચૂકયા હતા. ચાંદની ચોકની બેઠક પરથી રાશિદ ખાને પણ મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. તમામ સાડા પાંચસો બેઠકોમાંથી લગભગ 3રપ સીટસ લોકશક્તિ મંચને ફાળે જાય એમ હતું. સવાસો બેઠક સાથે પીપલ્સ પાર્ટી કયાંય પાછળ હતી. બાકીની લગભગ સોએક બેઠકો પર અપક્ષોથી લઈ રીજિયોનલ પાર્ટીઝ, લેફટ વગેરેના ઉમેદવારો છવાયેલા હતા.
ન્યૂઝ ચેનલો પર હવે એ ચર્ચા હતી કે, લોકશક્તિને કેટલી સરસાઈ મળશે. કોને વિજય મળશે, એ ચર્ચા ભૂતકાળ બની ચૂકી હતી. સમિક્ષકોમાંથી ઘણાં ખુશ હતા, કેટલાંકને એ વાતનું દુ:ખ હતું કે લોકશક્તિ આવી તગડી સરસાઈથી જીતી રહ્યો છે. સંપૂર્ણ સત્તા મોટાભાગે શાસકોને પૂર્ણત: માતેલા-મદમસ્ત હાથી જેવાં બનાવી નાંખે છે. એમનું માનવું હતું કે, પાતળી બહુમતિ હોય તો સત્તાધિશો અંકુશમાં રહે છે.
સ્થિતિ હવે ચિંતકોના અંકુશમાં ન હતી. સાંજ પડતાં સુધીમાં પીપલ્સ પાર્ટીએ હાર સ્વીકારી લીધી હતી. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર જ રાશિદ ખાને ન્યૂઝ ચેનલ્સના પ્રતિનિધિઓને એકઠા કરીને બાઈટ આપી હતી:
‘અમે આ લોકચૂકાદાને અદબભેર માથે ચડાવીએ છીએ. અમારા પ્રયત્નોમાં જ કયાંક કચાશ રહી ગઈ હશે. નહીંતર લોકો આટલો આકરો ચૂકાદો કયારેય સંભળાવે નહીં. પ્રજાએ અમને એક વૉચડોગની ભૂમિકા સોંપી છે. અમે એક જવાબદાર વિરોધ પક્ષની જવાબદારી બખૂબી ભજવીશું. હું લોકશક્તિ મંચને તથા તેમનાં નેતાઓને અભિનંદન આપુ છું.’ આટલું બોલતાં તો રાશિદ ખાનનો જીવ કપાઈ ગયો હતો. મન કંઈ કહી રહ્યું હોય અને જબાનથી તેનાં કરતાં સાવ અલગ વાત કહેવી એ બહુ સરળ કાર્ય નથી હોતું. અધુરામાં પૂરું હોય તેમ આવા સમયે પાછા સ્વસ્થ રહેવું પડે છે. ચહેરા પર કડવાશ આવે એ ચાલતું નથી. છો ને રાજકારણીઓને આ કળાના આશીર્વાદ હોય, કુદરતી બક્ષીસ હોય… તેમ છતાં આવા દરેક પ્રસંગે તેમની કસોટી થતી હોય છે.
લોકશક્તિ મંચના નેતાઓ પણ ન્યૂઝ ચેનલ્સના સ્ટુડિયોમાં છવાયેલા હતા. જયાં ફેરગણતરી ચાલુ હતી એવી બે-ત્રણ વિવાદાસ્પદ બેઠકો બાદ કરીએ તો છેલ્લા આંકડા મુજબ લોકશક્તિ મંચને 327 બેઠકો મળી હતી જયારે પીપલ્સ પાર્ટી 132 સુધી પહોંચી શકી હતી. સોશિયલ મીડિયાથી માંડીને ટેલીવિઝનની ન્યૂઝ ચેનલોમાં હાર-જીતનું પોસ્ટમોર્ટમ ચાલુ હતું. દેશભરમાં ફોરવર્ડેડ એસએમએસ વહેતા થયા હતા. કેટલાક એકદમ ફની હતા તો કોઈ મેસેજમાં ભારોભાર વ્યંગ હતો. ઉત્સાહી પત્રકારોએ વિવેકની સંભવિત કેબિનેટ વિશે પણ ચર્ચા શરૂ કરી દીધી હતી. કોઈ વળી એ ડિસ્કશન કરી રહ્યું હતું કે, અમેરિકા અને પાકિસ્તાન સાથે હવે ભારતનાં સંબંધો કેવા હશે. સૌથી વધુ ચર્ચા યુવા મતદારોની હતી. લોકસભાની આ ચૂંટણીઓમાં જે ભારે મતદાન થયુ હતું તેનાથી એક વાત તો સ્પષ્ટ હતી કે, આ વોટિંગ પરંપરાગત પેઢીનું નથી પરંતુ ફેસબુક અને ટવીટર જનરેશનનું છે. આ સંસદીય ચૂંટણીઓમાં સરેરાશ 70 ટકા કરતાં વધુ વિક્રમજનક મતદાન નોંધાયુ હતું. સ્પષ્ટ હતું કે, દેશનો યુવાવર્ગ પરિવર્તન ઝંખે છે. આજ સુધીની ચૂંટણીઓમાં હોય છે તેના કરતાં આ ચૂંટણીઓના મુદાઓમાં વધુ ફર્ક ન હતો. પરંતુ ચહેરાઓ બદલાઈ ગયા હતાં. વ્હીલચેર પર બેસીને પણ અને મરણપથારીએ સૂતા સૂતા સુદ્ધાં પોતાના માટે લોકોનો મત માંગતા બેશરમ નેતાઓનો આ જમાનો ન હતો. યુવા ચેતનાનો જાણે સંચાર થયો હતો અને પરિણામોમાંથી તેમની સિંહગર્જના હિન્દુસ્તાનની હવાઓમાં પડઘાઈ રહ્યો.
મોડી સાંજે વિવેક વર્મા અને પુરૂષોત્તમ પાટીલની ગાડીઓ તર્પણના બંગલા તરફ મધ્યમ ગતિએ ધસી રહી હતી. બંગલાની બહાર જામેલી સમર્થકોની અને મીડિયાની ભીડને વિંધતી બેઉ ગાડીએ સખ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે તર્પણના બંગલામાં પ્રવેશ કર્યો. ગાડીમાંથી ઉતરી બેઉ મિત્રો સડસડાટ બંગલાની અંદર દોડી ગયા. બેઉની ચાલમાં એકદમ સ્ફુર્તિ હતી અને મીડિયાથી બચવાના પ્રયત્નો પણ તેમાં કારણભૂત હતાં. બંગલાની અંદર પ્રવેશતાવેંત જ બેઉ તર્પણને ભેટી પડયા. તર્પણની આંખમાં હર્ષના આંસુ હતાં. બેઉ મિત્રોને વળગીને એ ખુલ્લા મને રડ્યો. વિવેક અને પુરૂષોત્તમ પણ રડવું રોકી ન શકયા. આ વિજય કંઈ સાવ અણધાર્યો ન હતો. પરંતુ તેની સાથે એ વાત પણ સત્ય હતી કે, આવા તોતીંગ વિજયની તો તેમનામાંથી કોઈએ કલ્પના કરી ન હતી.
ત્રણેય મિત્રોની મહેફિલ જામી હતી. ત્રણેયના મોબાઈલ પર દેશના ટોચના ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઝ, પત્રકારો અને બૌદ્ધિકોની અભિનંદનવર્ષા અવિરત ચાલુ હતી. અનેક રાજયોના મુખ્યમંત્રીઓ, રાજયપાલો તથા દેશના ટોચના રાજકારણીઓ એસએમએસ તથા ફોનકોલ્સ દ્વારા શૂભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. આ બધી દુનિયાદારી વચ્ચે ત્રણેય મિત્રો પોતાની રાજકીય સફરની યાદો વાગોળી રહ્યા હતાં. બે દિવસ પછી લોકશક્તિ મંચ પોતાનો નેતા ચૂંટવાની ફોર્માલિટી હાથ ધરવાની હતી. પરંતુ એ બધી ચર્ચાઓ માટે ત્રણમાંથી કોઈને ફુરસદ ન હતી. મોડી રાત સુધી આ મહેફિલ ચાલુ રહી. આ દરમિયાન જ ત્રણેય મિત્રોના નીચેના ગણી શકાય તેવા નેતાઓને લોકશક્તિ મંચ વતી ન્યૂઝ ચેનલોના સ્ટુડિયોમાં હાજર રહેવાનું કામ સોંપાયુ હતું. પક્ષના પ્રવકતાથી લઈને તમામ નેતાઓ જીત માટે એકસૂરે તર્પણના જબરદસ્ત કરીશ્માને યશ આપી રહ્યા હતાં. મોડી રાત્રે મિત્રો છૂટા પડયા. એ પહેલા ત્રણેયએ તર્પણના બંગલે જ સાથે ભોજન લીધુ હતું. મિત્રોને વળાવી તર્પણ સીધો બાથરૂમમાં ગયો. શાવર ચાલુ કરી એ મન મૂકીને નહાયો. બહાર નીકળી સાદા વસ્ત્રો ધારણ કરી ફરી એક વખત એ પૂજારૂમમાં ગયો અને સવારે કરેલી પૂજાનું પુનરાવર્તન કર્યુ. તફાવત એ જ હતો કે, સવારની પૂજામાં એ ભાવાવેશમાં આવી રડી પડ્યો ન હતો.
ક્રમશ: