રણછોડનગરના યુવકે સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાઈ જીવ દીધો હતો
પંકજ રાજા, આશિષ પરમાર અને હર્ષિત શેઠ સહિત 7 સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રણછોડનગરમાં રહેતાં અને લેસર કાસ્ટિંગના વેપારી મૌલિક બાબિયાએ તેના રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિતના શહેરોમાં રહેતાં મિત્રોને ધંધા માટે લોન લઈ આપેલા રૂ.2.47 કરોડ પરત ન આપતાં વેપારીએ રૂપિયાની ચિંતામાં પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્યુસાઇડ નોટ આધારે બી. ડિવિઝન પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી ગોંડલના અજય રાઠોડની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
- Advertisement -
બનાવ અંગે રાજકોટના રણછોડનગરમાં બી.કે.સ્કુલની સામેની શેરીમાં અમૃતાલય એપાર્ટમેન્ટમાં રહેતાં યોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ જાદવજીભાઈ બાબીયા (ઉ.વ.62) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ સોની (રહે. અમદાવાદ), હુસેન મલીક (રહે. જૂનાગઢ), અજય રાઠોડ (રહે. ગોંડલ), પંકજ રાજા (રહે. સીટી સેંટરની પાછળ, રાજકોટ), આશીષ પરમાર, હર્ષિત શેઠ (રહે. બંને રાજકોટ) અને સંતોષ સેન્ડકર (રહે. પુણે) તેમજ તપાસમાં ખુલે તે તમામ ના આપતાં બી.ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 406, 34 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેમની પત્નિ મંજુલાબેન, દિકરો મૌલીકભાઈ, પૌત્રવધુ દિપ્તીબેન સાથે રહે છે.
તેમનો દિકરો મૌલીક લેસર કટીંગનો વેપાર અટીકા ફાટક પાસે સુધીરભાઈ સાથે ભાગીદારીમાં કરતો હતો, છેલ્લા થોડા દિવસોથી તેમનો પુત્ર મૌલીક ગુમસુમ રહેતો હોય જેથી તે બાબતે પુછતા તેણે કહેલ કે, મે બેન્કમાંથી અને પર્સનલ લોન લઈ મોટી રકમ ઓળખીતા મિત્રોને ધંધા માટે રૂપીયા આપેલ અને તે લોકોએ વિશ્ર્વાસમા લીધેલ કે, અમે તને સારો નફો આપશુ પરંતુ તે લોકો પાસે અવાર-નવાર નફો તથા મુદલ મુડી માંગતા આપતા નથી અને ગોળગોળ વાતો કરે છે. જે બેન્કમાથી તથા પર્સનલ લોન ભરવાની થાય છે તે બાબતે સતત વિચાર આવે છે કે તે રકમ હું કઈ રીતે ભરપાઇ કરીશ.ગઇ તા.15/06 ના સવારે તેઓ અને તેમના પત્નિ છ વાગ્યે જાગેલ અને ચોકમાં બેસવા માટે નીચે સોસાયટીમાં ગયેલ ત્યારે પડોશી બિમલભાઈનો ફોન આવેલ કે, ઘરે જલ્દી આવો તેમ જણાવતા, તેઓ ઘરે ગયેલ ત્યારે મૌલીક તેના બેડ ઉપર સુતેલી હાલતમાં હતો.
પત્નિને પુછતા તેણીએ જણાવેલ કે, હું રૂમ સાફ કરવા માટે રૂમમાં આવેલ ત્યારે તેણે પંખાના હુક સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં બંન્ને પગ બેડ ઉપર ઘુંટણીયે બેઠો હોય તેવી હાલતમાં હતો. તેઓએ 108ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે મૌલીકને તપાસી મરણ જાહેર કરેલ હતો.
ત્યારબાદ પોલીસ પણ દોડી આવેલ અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તેમજ તેમના મૃતક દિકરાએ આપઘાત કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખેલ જેમાં તેને રાહુલ સોની પાસેથી 95 લાખ લેવાના છે, જૂનાગઢના હુશેન મલીક પાસેથી 20 લાખ લેવાના છે, અજય રાઠોડ પાસેથી 45 લાખ લેવાના છે, પંકજ રાજા પાસેથી 27 લાખ લેવાના છે, આશીષ પરમાર પાસેથી 25 લાખ લેવાના છે અને હર્ષીત શેઠ પાસેથી રૂ.15.50 લાખ લેવાના છે.
તેમજ પુણેના સંતોષ સેન્ડકર પુણે પાસેથી રૂ.20 લાખ લેવાના છે, જે તમામ આરોપીઓને કુલ રૂ.2.47,50000 તેના ધંધામાંથી તથા પર્સનલ લોન અને બેન્ક પાસેથી લોન લઈ ધંધો કરવા માટે આપેલ હતાં તમામ શખ્સોએ તેમના દિકરા પાસેથી રકમ મેળવી લઇ તેને નફો કે મુદ્દલ મુડી વારંવાર માંગવા છતા પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કરેલ હોય અને દિકરાને બેન્કમાં તથા પર્સનલ લોન ભરપાઈ કરવાની હોય અને તેની પાસે કોઈ રૂપીયાની સગવડ નહી થતા પોતાની જાતે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બી. ડિવિઝન પીએસઆઇ એ.બી.ચૌધરી અને સ્ટાફે ગોંડલના અજય રાઠોડને ઝડપી લઈ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.