ગોકુલધામ સોસાયટીમાં રહેતા દીપ રમણિકભાઇ અધેરાને પોલીસે પકડ્યો
ધંધામાં મંદી આવતા ચોરીના રવાડે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આંતરરાજ્ય ચોરી કરેલ કાર સસ્તા ભાવે ખરીદી કરનાર અને ત્રણ બાઇકની ચોરી કરનાર મૂળ મોરબીના રવાપર ગામના અને હાલ ગોકુળધામ સોસાયટીમાં રહેતા શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ 22 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
- Advertisement -
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, વિજય મેતા સહિતને મળેલી બાતમી આધારે ગોંડલ રોડ ઓવરબ્રીજ નીચેના પાર્કીંગમાંથી મૂળ મોરબીનો હાલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા દિપ રમણીકભાઇ અધેરાને ચોરાઉ બે કાર અને ચોરાઉ ત્રણ બાઈક મળી કુલ 22 લાખના મુદામાલ સાથે દબોચી લઈ પૂછતાછ હાથ ધરી છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ એક કલકતાના અમિત નામના શખ્સ પાસેથી ચોરી કરેલ કિયા કાર સસ્તા ભાવે ખરીદ કરેલ હતી. તેમજ રોયલ એનફીલ્ડ ત્રણ મહિના પહેલાં મોરબીના રવાપરમાંથી ચોરી કરેલ હતું.
તેમજ અન્ય એક બુલેટ દોઢ વર્ષ પહેલાં રાજકોટના કણકોટ તરફ જતાં રોડ પરથી ચોરી કર્યું હતું એક એક્ટિવા બારેક દિવસ પહેલાં રાત્રીના સમયે મોરબીની કેનાલ ચોકડી પાસેથી ચોર્યું હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત અન્ય એક વાર્ના કાર બે વર્ષ પહેલાં હૈદરાબાદના તૌફિક નામના શખ્સ પાસેથી તે ચોરી કરેલ હોવાનું જાણતો હોવા છતાં ખરીદી કરી હોવાની કબૂલાત આપી હતી. ગઠિયો કારખાનેદાર રાજકોટમાં પ્લાસ્ટિકના દાણાનું કારખાનું ચલાવે છે અને ધંધામાં મંદી આવતાં ચોરીના રવાડે ચડયાની પ્રાથમિક કબુલાત આપી હતી.