મનપાની ભૂલે લોકાર્પણ અટક્યું રેલવે તંત્રે વ્યવસ્થિત કામગીરી કરી પણ મહાનગરપાલિકાએ ફરી છબરડો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડો.દસ્તુર માર્ગ પર એસ્ટ્રોન નાળાને સમાંતર નિર્માણ પામેલા અંડરપાસનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્યારે તેમાં સ્ટોર્મ વોટર લાઇનની પાઇપલાઇન નાખવાનું મનપાનું તંત્ર ભૂલી જતા હવે લોકાર્પણની કામગીરી અટકી પડી છે. મનપા દ્વારા ચોમાસા પૂર્વે 15 જૂને દસ્તુર માર્ગ અંડરપાસના લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી બાકી રહી જતા આ શક્ય ન બન્યાનું જાણવા મળ્યુ છે.
ડો.દસ્તુર માર્ગ પાસે એસ્ટ્રોન નાળા પાસે દર ચોમાસે પાણીનો ભરાવો થતો હોય આ વખતે રેલવે તંત્રે તકેદારી રાખીને ડો.દસ્તુર માર્ગ અંડરપાસની અંદર ચેનલ બનાવી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન ઇન્સ્ટોલ કરી છે, પરંતુ અંડરપાસની રેલવેની હદ પૂર્ણ થાય ત્યાંથી આગળ સ્ટોર્મ વોટર લાઇન મનપાના તંત્રે નાખવાની હોય છે, પરંતુ મનપા સમયસર કામ કરવાનું ભૂલી જતા આ અંડરપાસનું લોકાર્પણ અટકી પડ્યાનું જાણવા મળે છે. જો હાલના તબક્કે અંડરપાસનું લોકાર્પણ કરાઇ તો ભારે વરસાદમાં એસ્ટ્રોન નાળા પાસે જે રીતે પાણી ભરાય છે તેવી જ સ્થિતિ ડો.દસ્તુર માર્ગ અંડરપાસ પાસે થાય અને લોકાર્પણ સાથે જ દેકારો બોલે તેવી ભીતિ છે.
ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ કોઇ એજન્સી જ ન આવી મનપા દ્વારા ભૂલ સુધારણાના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું, પરંતુ પ્રથમ પ્રયત્ને કોઇ એજન્સી ન આવતા ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહી હતી અને બીજા પ્રયત્ને બે એજન્સી આવી હતી, પરંતુ હજુ સુધી કામ અપાયું નથી. સંભવત આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામની દરખાસ્ત કરવામાં આવશે.
- Advertisement -
મનપાના નાયબ કમિશનરે જવાબદારીમાંથી હાથ ખંખેર્યાં
ડો .હોમી દસ્તુર માર્ગ પર અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાનો મામલે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એચ.આર.પટેલે કહ્યું, અંડરપાસની સુપરવિઝન, ક્ધસ્ટ્રકશનની સંપૂર્ણ જવાબદારી રેલવે વિભાગની છે. હજુ અંડરપાસ અમને સોંપાયો નથી. આ બાબત ધ્યાનમાં આવતા અમે વિઝીટમાં ગયા હતા પરંતુ હાલ કોઈ ઈશ્યુ નથી છતા સિટી ઈજનેરોને સૂચના અપાઈ છે તે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી આગળ વધારશે.