હળવદમાં સરાજાહેર હવારવિવારે મોડી રાત્રે ફટાકડાના સ્ટોલ બાબતે જૂથ અથડામણની ઘટના બની હતી
રવિવારે મોડી રાત્રે ફટાકડાના સ્ટોલ બાબતે જૂથ અથડામણની ઘટના બની હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં થોડા સમય શાંતિનું વાતાવરણ રહ્યાં બાદ ફરી શાંતિ ભંગ થાય તેવી ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે મોડી રાત્રે ફટાકડાનો સ્ટોલ રાખવા બાબતે ફટાકડી લઈને આવેલા શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. હળવદની સરા ચોકડી પાસે બનેલી આ ઘટનામાં હળવદ પોલીસના પીએસઆઈએ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જોકે જાહેરનામાનો ભંગ કરનાર શખ્સને કાયદાનો ડર ન હોય અને રાજકીય ફાંકો ધરાવતા આ લુખ્ખા સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું ! હળવદની સરા ચોકડી પાસે આવેલ અટલ બિહારી બાજપાઈ સિનિયર સિટીઝન પાર્ક બહાર ગેરકાયદેસર રીતે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે મારામારીની ઘટના બની હતી જેમાં બંને જુથો હથિયારો લઈને ધસી આવ્યા હતા તે દરમિયાન પંકજ ગોઠી નામના શખ્સ દ્વારા ફટાકડી કાઢીને હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં હળવદ પોલીસને ઘટનાસ્થળેથી એક દેશી બનાવટના હથિયારમાંથી ફાયર થયેલ રાઉન્ડનું પિતળનું ખાલી ખોખુ અને એક મિસ ફાયર થયેલ કાર્તિસ મળી આવ્યો હતો. આ ઘટનામાં હળવદ પીએસઆઇ કિરતસિંહ નટવરસિંહ જેઠવાએ ખુદ ફરિયાદી બનીને પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી, મેહુલ રમણિક ગોઠી, મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો આરોપી અને રાજકીય ફાંકો ધરાવતો પંકજ ગોઠી નામનો શખ્સ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે જ્યારે અવાર નવાર હળવદ શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કરે છે ત્યારે આ શખ્સ સામે હળવદ પોલીસ દ્વારા કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
- Advertisement -
પંકજ ગોઠી અગાઉ પાસા તળે જેલની હવા પણ ખાઈ ચુક્યો છે!
હળવદની સરા ચોકડીએ સરાજાહેર ફાયરીંગ કરનાર શખ્સ પંકજ ગોઠી અગાઉ પાસા તળે જેલની હવા ખાઈ ચુક્યો છે ત્યારે હળવદની શાંતિ ડહોળવા માટે અગાઉ પણ અન્ય સમાજના યુવાનો સાથે આ શખ્સ ઘર્ષણમાં આવ્યો હોવાના બનાવ બન્યા છે પરંતુ આ પંકજ ગોઠી રાજકીય નેતાઓનો ઓથ ધરાવતો હોય અવારનવાર પોતાના લખણ ઝળકાવતો હોવાથી સામાન્ય પ્રજામાં પણ ડરનો માહોલ છે ત્યારે પંકજ ગોઠી નામના શખ્સે રોફ જમાવવા માટે રવિવારે મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરીંગ કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.