જ્યાં જુઓ ત્યાં બધે ભેળસેળ જોવા મળે છે. દૂધમાં યુરિયા છે, પાણીમાં બેક્ટેરિયા છે. મરચું હવે પહેલાંની જેમ તીખું નથી રહ્યું. સાકરે પણ મીઠાશ ગુમાવી દીધી છે. હવે તો મીઠાઈઓ પણ સુગર ફ્રી મળવા માંડી છે. માણસે તો ક્યારની મીઠપ વિસારી દીધી છે. દવા ખાઈને માણસ જીવી શકતો નથી અને ઝેર ખાઈને દર્દી મરી શકતો નથી.
ભેળસેળથી ખદબદતા આ જગતમાં માટે ત્રણ જ વસ્તુઓ શતપ્રતિશત શુદ્ધ છે : એક, કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન શંકર અને જગતજનની મા પાર્વતીનું એકત્ત્વ, કારણ કે આ એકત્ત્વ એ શિવતત્ત્વ અને શક્તિતત્ત્વ વચ્ચેનું નિષ્કામ દાંપત્ય છે. બે, ગોમુખમાંથી નીકળતી મા ગંગાની જળધારા. એ એટલા માટે શુદ્ધતમ છે, કારણ કે એ સીધી સ્વર્ગમાંથી અવતરી છે. હજુ એમાં પ્રદૂષણ ભળ્યું નથી. ત્રીજી શુદ્ધ વસ્તું છે વેદોનું જ્ઞાન. વેદો અપૌરુષેય છે, એમાં જીવાત્માનો સ્પર્શ નથી, એટલે કશી જ મલિનતા નથી. વેદોની ઋચાઓ અત્યંત પવિત્ર અને શુદ્ધ છે. તેમાં પણ ‘રુદ્રમ્’નો પાઠ એ સર્વોચ્ચ સ્તર પર બિરાજે છે.
યોગાનુયોગ 15મી મે (રવિવારે) માણસા ખાતે વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ‘રુદ્રમ્’ના 11 વાર પાઠ કરવામાં આવશે. 400 જેટલા શ્રદ્ધાળુઓ ભેગા બેસીને સૃષ્ટિના રચનાકાળે ગવાતા રાગમાં ‘રુદ્રમ્’ની ઋચાઓનો પઠન કરશે. મારી તીવ્ર ઈચ્છા છે કે હું પણ માણસા જઇને રુદ્રમનો પાઠ કરું. જોકે, ત્યાં જવા માટે ઇચ્છા તો છે પણ ઇચ્છા કરતાં અવરોધો ઘણા વધારે છે. જોઉં છું ઈચ્છા જીતે છે કે અવરોધો?
ૐ નમ: શિવાય.