સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ, દ્વારકામાં 13 કરોડ, ડાકોરમાં 14.02 કરોડ અને અંબાજીમાં 47.76 કરોડની આવક
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાએ બે વર્ષ સુધી લોકોને ભયભીત રાખ્યા બાદ હળવો થઇ ગયો છે અને તમામ નિયંત્રણો પણ ઉઠી ગયા છે ત્યારે મંદિરો, ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની સંખ્યા વધી જવાને પગલે દાનપેટીઓ છલકાવા લાગી છે. લોકોની ધાર્મિક શ્રધ્ધા વધી ગઇ હોય તેમ મંદિરોએ શ્રધ્ધાળુઓની સંખ્યાની સાથોસાથ દાનનો પ્રવાહ પણ ઘણો વધી ગયો છે. સોમનાથ, દ્વારકા અને ડાકોરના મંદિરોમાં કોરોના કાળમાં દાનનો પ્રવાહ સાવ ધીમો પડી ગયો હતો તેના બદલે હવે મોટો વધારો સૂચવે છે.
- Advertisement -
દેશના વિખ્યાત અને બાર જ્યોર્તિલીંગ પૈકીનું પ્રથમ એવા સોમનાથ મંદિરની 2021-22નાં વર્ષની આવક 50.95 કરોડ પર પહોંચી ગઇ છે. આગલા વર્ષે તે 23.25 કરોડ હતી.
દ્વારકાધીશ મંદિરની આવક 2019-20માં 11.03 કરોડ અને 2020-21માં 6.44 કરોડ હતી તે વધીને 2021-22માં 13 કરોડે પહોંચી ગઇ છે. ડાકોરનાં રણછોડરાય મંદિરની 2021-22ની આવક 14.02 કરોડ થઇ છે જે 2020-21માં 7.25 કરોડ થઇ ગઇ હતી. એકમાત્ર અંબાજી મંદિર એવું છે જ્યાં દાનની આવક હજુ કોવિડ પૂર્વેનાં સમય સુધી પહોંચી શકી નથી.
બનાસકાંઠાના ડેપ્યુટી કલેક્ટર આર.કે. પટેલે જણાવ્યું હતું કે 2020-21માં 31.92 કરોડની આવક હતી, 2019-20માં 51.63 કરોડનું દાન મળ્યું હતું. 2021-22માં આ આંકડો 47.76 કરોડ થયો છે.