ભૂમિ એટલે કે જમીન આપણા કામને પ્રભાવિત કરી શકે છે?
સ્પેસ લેન્ડ એન્ડ સેલ્ફની આ લેખમાળામાં છેલ્લાં થોડાં અંકોની અંદર આપણે વાસ્તુ પ્રમાણે રેસિડેન્સીયલ કે કોમર્શિયલ જગ્યાની અંદર કઈ રીતે ગોઠવણી કરવી તે વિશે માહિતી મેળવી. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા શરીર પર આપણી રહેવાની કે કામ કરવાની જગ્યાનો સીધો સંબંધ છે. સાથોસાથ જે જમીન પર બાંધકામ નિર્માણ પામેલું છે કે જ્યાં આપણે રહીએ છીએ તે જમીનની પ્રકૃતિ પણ આપણી શારીરિક, માનસિક કે આર્થિક બાબતોની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવતી જોવા મળે છે.
- Advertisement -
શરીરની અંદર જે પંચતત્ત્વો છે તે જ પંચતત્ત્વો આ વાતાવરણની અંદર રહેલા છે, અને તેની અંદરનું જો બેલેન્સિંગ બગડે છે તો શારીરિક કે માનસિક પીડાઓ આપણે સહન કરવી પડતી હોય છે. આજે આ વાતને થોડી વિસ્તારથી સમજીએ.
આ પંચતત્ત્વ એટલે કે જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને આકાશ તત્ત્વ, જે વિશે આપણને વાસ્તુ, જ્યોતિષ કે પછી આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળતો હોય છે.
આયુર્વેદની અંદર મુખ્યત્વે ત્રિદોષ અથવા ત્રણ પ્રકૃતિની વાત કરવામાં આવી છે. આ ત્રણ પ્રકૃતિ એટલે કે કફ, પિત્ત અને વાત (વાયુ.)
ભારતીય જીવનશૈલીની અંદર આ ત્રણેય પ્રકૃતિઓનું સંતુલન જાળવવા માટે અલગ-અલગ ઋતુઓની અંદર શરીરમાં થતાં ફેરફારોને આધીન આહાર લેવાની વાત કરવામાં આવી છે જેથી કરીને ઋતુ આધારિત રોગોથી આપણા શરીરને બચાવી શકાય. જો કે આ બધી વાતો માટે કોઈ આયુર્વેદના નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. વાસ્તુના અનુસંધાનમાં ત્રિદોષ અંગે વિચારીએ તો આજે આપણે એ સમજીએ કે ભૂમિની અંદર કફ, પિત્ત અને વાયુ કેવી રીતે પોતાનો પ્રભાવ બતાવે છે? અને તેના આધારે ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં કરવી? તે માટે આપણને નિર્દેશ આપે છે.
વાસ્તુ ગ્રંથોની અંદર કોઈપણ જમીન ખરીદતાં પહેલાં તેનું ભૂમિ પરિક્ષણ કરવાની વાત કરવામાં આવેલી છે. જેના માટે અલગ-અલગ રીતે ભૂમિની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેની અંદર ભૂમિના રંગ, ભૂમિની ગંધ તથા ભૂમિના સ્વાદના આધારે એ નક્કી કરવામાં આવતું હોય છે કે ક્યા પ્રકારની પ્રવૃત્તિ માટે આ જગ્યા સુસંગત છે? અને ક્યા પ્રકારની પ્રવૃત્તિ અહીં ન કરવી જોઈએ.
- Advertisement -
હવે આ વાત ભૂમિ એટલે કે જમીનના અનુસંધાનમાં વિસ્તારથી સમજીએ. જ્યારે પંચતત્ત્વોમાંથી બે કે તેથી વધારે તત્ત્વોનું સંયોજન થાય છે ત્યારે કોઈ એક પ્રકૃત્તિ બને છે.
અગ્નિતત્ત્વ અને પાણીતત્ત્વના સંયોજનથી પિત્તપ્રકૃતિ નિર્માણ પામે જેમાં અગ્નિ વધારે છે અને પાણીનું પ્રમાણ ઓછું છે.
તેવી જ રીતે વાયુતત્ત્વ અને આકાશતત્ત્વના સંયોજનથી વાત એટલે કે વાયુ પ્રકૃતિનું નિર્માણ થાય છે. અને જળતત્ત્વ તથા પૃથ્વીતત્ત્વના સંયોજનથી કફ પ્રકૃતિનું નિર્માણ થાય છે. તથા આ પ્રકૃતિનો પ્રભાવ કોઈ એક પ્લોટ કે નાના વિસ્તાર પૂરતો મર્યાદિત ન હોતા શહેર કે પ્રદેશના ઘણાં વિસ્તારોને પ્રભાવિત કરતો હોય છે.
જેમ કે પિત્ત પ્રકૃતિ એ લડાયક વૃત્તિ ધરાવે છે અને લડાયકતાના ગુણને લઈને લોકો સારા રમતવીરો કે સૈન્યમાં સેવા આપતાં જોવા મળે છે. જેમ કે ભારતદેશની અંદર સારા કુસ્તીબાજો અને બોક્સર આપણને ઉત્તર દિશામાં રહેલા હરિયાણા અને પંજાબ પ્રાંતમાંથી મળેલા છે. એનો મતલબ એ નથી કે અન્ય રાજ્યમાં સારા બોક્સર કે કુસ્તીબાજ ન થઈ શકે, પરંતુ તે પ્રદેશની અંદર જે તત્ત્વ વિશેષ પ્રભાવી છે તે ત્યાંના લોકોની અંદર ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે જુસ્સો અને જોમ આપે છે.
હવે જો વાત (વાયુ) પ્રકૃતિ વિશે વાત કરીએ તો વાયુ પ્રકૃતિ ધરાવતાં લોકોની અંદર કલ્પના શક્તિઓ અદ્ભુત જોવા મળતી હોય છે. જે સામાન્ય લોકો ન વિચારી શકે તે દિશાઓમાં તેઓ સહજતાથી વિચારી શકતાં હોય છે અને મૂળભૂત રીતે સર્જન સાથે સંકળાયેલા હોવાથી આર્ટ કે કળાના ક્ષેત્રમાં ઘણાં આગળ આવતાં જોવા મળે છે. ભૂમિના અનુસંધાનમાં સમજીએ તો ભારતના પૂર્વ પ્રદેશોમાંથી આપણને ઘણા ખ્યાતનામ સંગીતકાર ગાયકો, લેખકો અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો મળ્યા છે તેથી કહી શકાય કે ત્યાંની ધરતી પર વાત (વાયુ) તત્ત્વનો પ્રભાવ રહેલો હશે.
કફ પ્રકૃતિ વિશે વાત કરીએ તો જે લોકો પર આ પ્રકૃતિનો પ્રભાવ હશે તે લોકોની અંદર મેનેજમેન્ટ સ્કિલ ઘણી સારી રહેશે અને તે લોકો વધુ સારી રીતે અને મજબૂતીથી દરેક વસ્તુનું સંચાલન કરી શકશે.
આ બધી પ્રકૃતિને થોડા નાના સ્વરૂપમાં જોઈએ તો આપણે ઘણી વખત જોયું હશે કે શહેરના કોઈ ચોક્કસ વિસ્તારમાં ફકત એક જ પ્રકારના વ્યવસાય સરખી રીતે ચાલી રહ્યા છે. જેમ કે ખાણીપીણીના વ્યવસાય કે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓને લગતા વ્યવસાય. જ્યારે અન્ય વ્યવસાયોને તે ચોક્કસ વિસ્તારમાં સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે.
કહેવાનો મતલબ એ વિસ્તારની ભૂમિની એક પ્રકૃતિ છે જે ચોક્કસ વ્યવસાયને લાભ આપી રહી છે. આમ જોઈએ તો વાસ્તુ વિષય ખૂબ જ ગહન અને વૈવિધ્યસભર છે અને જે તે જગ્યા સાથે તેના માલિકની પ્રકૃતિને મેચ કરી સાનુકૂળ ઊર્જાને સ્થાપિત કરવામાં આવે તો અકલ્પનીય પરિણામ મળી શકે છે.
પંચતત્ત્વ અને ત્રિદોષ વિશે વાત કરીએ તો હજુ ઘણું લખી શકાય. જે વિશે અવસર મળીએ ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે આવી જ નવી કોઈ વાસ્તુ ઊર્જા સંબંધી વાત સાથે….
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.