ગુજરાતી ભાષાનાં નંબર વન ડિજિટલ ડેઈલી ન્યૂઝપેપરનાં બે વર્ષ પૂર્ણ, ખાસ-ખબરનો ત્રીજા વર્ષમાં પ્રવેશોત્સવ…

ખાસ-ખબર ગુજરાતી પત્રકારત્વનું સૌ પ્રથમ અને એકમાત્ર ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર છે, ડિજીટલ વર્લ્ડમાં સૌથી વધુ રિડર્સ સાથે ગુજરાતી ભાષાનું નંબર વન ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર છે ખાસ-ખબર. ગુજરાતી પત્રકારત્વમાં સૌ પ્રથમ ડિજીટલ ન્યૂઝપેપર તરીકે ખાસ-ખબરની શરૂઆત આજથી બે વર્ષ પૂર્વે ઓગષ્ટ, 2020માં જન્માષ્ટમીના દિવસે થઈ હતી. ખાસ-ખબર શરૂ થયું ત્યારે તે વીકલી ન્યૂઝપેપર હતું, ત્યારબાદ થોડા મહિનાઓમાં જ ખાસ-ખબર ડેઈલી ન્યૂઝપેપર તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું હતું. ખાસ-ખબર વિશાળ વાંચકવર્ગ સાથે સમાચાર મેળવવા-ફેલાવવાનું બહોળું વર્તુળ ધરાવે છે. ખાસ-ખબર ટેક્નોસેવીઓની ટેવ બની ગયું છે. એક્સક્લુઝિવ ન્યૂઝ અને અટ્રેક્ટિવ લે-આઉટ એ ખાસ-ખબરની ખાસિયત છે, સાથે જ દર શનિવારે પબ્લીશ થતી વિકેન્ડ સ્પેશિયલ એડિશન પણ ખાસ-ખબરની વિશેષતા છે. ખાસ-ખબર સોમવારથી શનિવાર દરરોજ સાંજે 4થી 5 વાગ્યા આસપાસ ઈ-પેપર સ્વરૂપે રાજકોટથી પ્રગટ થાય છે, આ ટેબ્લોઈડ સાઈઝના ડેઈલી ડિજીટલ ન્યૂઝપેપરની રાજકોટ સિવાય જૂનાગઢ, મોરબી એડિશન પણ બહાર પડે છે. પ્રેસનોટ, અવસાનનોંધ કે અન્ય બિનજરૂરી સમાચારોની જગ્યાએ ખાસ-ખબરમાં સ્થાનિક, પ્રાદેશિક ખબરોને વધુ સ્થાન – મહત્વ આપવામાં આવે છે. અલગઅલગ લેખકોના વૈવિધ્યપૂર્ણ લેખ કે સામાન્યથી લઈ સેલિબ્રિટીઓ સાથેની મુલાકાત પણ ખાસ-ખબરમાં જ વાંચવા મળે. ખાસ-ખબર તેના વિશેષાંકો માટે પણ જાણીતું છે. સૌથી અલગ અને સૌમાં અલગ ખાસ-ખબર ન્યૂઝપેપરમાં પ્રારંભથી જ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે સંકળાયેલા પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠિત પત્રકાર – લેખક જોડાયેલા છે. વાંચકોને પણ અભિવ્યક્ત થવાનો અવસર આ અખબાર આપતું રહે છે. ખાસ-ખબર વાંચકોનું છે, વાંચકો માટેનું છે તેથી તે વાંચકો સિવાય કોઈની પણ પરવા કરતું નથી. પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતા અખબારોના ફોર્મેટથી તદ્દન વિરુદ્ધ ડિજીટલ મીડિયામાં પ્રસિદ્ધ થતા અખબાર ખાસ-ખબરનું કોઈ નિશ્ચિત ફોર્મેટ જ નથી. તે બીબાઢાળ નથી, કશા નિયમોને અનુસરતું નથી, તેના પાનાંઓની સંખ્યા નિશ્ચિત હોતી નથી. વગેરે.. વગેરે.. ખાસ-ખબર ઘણા અર્થ – અંદાજમાં અન્ય સમાચાર માધ્યમોથી અલગ તરી આવે છે અને તેનું અલગપણું જ તેને આકર્ષક – આવકાર્ય બનાવે છે. ખાસ-ખબરની ટેગલાઈન છે, છોડે નહીં કોઈ કસર, ખાસ-ખબર. આ ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર કોઈ કસર છોડ્યા વિના તમામ પ્રકારના સત્યો સમાચારોના રૂપમાં પ્રસિદ્ધ કરતું આવ્યું છે, કરતું રહેશે.. જેણે તેને તેના નામની જેમ ખાસ બનાવ્યું છે. સોશિયલ મીડિયાનું કહેવાતું આ નાનું અખબાર સમાજના દરેક ક્ષેત્રે અગ્રેસર બની મોટું નામ-કામ ધરાવતું થઈ ગયું છે. ખાસ-ખબર એ હવે એક બેનરમાંથી બ્રાન્ડ બની ચૂક્યું છે. ગુજરાતી પત્રકારત્વમાં બે વર્ષથી શરૂ થયેલા સૌ પ્રથમ ડિજીટલ ન્યૂઝપેપર, નંબર વન ડિજીટલ ન્યૂઝપેપર ખાસ-ખબરે સૌથી વધુ એક્સક્લુઝિવ, સૌથી વધુ ઈમ્પેક્ટ, સૌથી વધુ સર્ક્યુલેશન અને સૌથી વધુ રિડર્સના તમામ રેકર્ડ પોતાના નામ પર કરી લીધા છે!

‘ખાસ-ખબર’ તમામને તદ્દન મફતમાં આપવું અને દરેકના મોબાઈલમાં પહોંચાડવું એ વિચાર જ ક્રાંતિકારી

મીડિયા જગતમાં ‘ખાસ-ખબર’નું કોઈ જ હરિફ નથી : એક્સક્લુઝિવ ન્યૂઝ અને અટ્રેક્ટિવ લે-આઉટ ‘ખાસ-ખબર’ની ખાસિયત

પત્રકારત્વ જગતમાં અખબારો – અખબારો, સામયિકો – સામયિકો, સમાચાર ચેનલો – સમાચાર ચેનલો વચ્ચે અંદરોઅંદર સૌથી વધુ લોકપ્રિય બનવાની જંગ જામેલી હોય છે. દરેક અખબાર, સામયિક કે સમાચાર ચેનલ સૌથી વધુ વંચાઈ, જોવાઈ, ચર્ચાઈ એવું ઈચ્છે છે. ગુજરાતી ભાષાના વાંચકો અને માધ્યમો સીમિત છે, સમયની મારામારી છે ત્યારે કોણ કેટલું, કેવું અને શું-શું વાંચે, જોવે એ પણ મહત્વનું છે. રોજ કેટકેટલાય સમાચાર માધ્યમો શરૂ થઈ બંધ થઈ જાય છે. મોટા સમૂહો સામે નાના જૂથ ટકી નથી શકતા એવા સમયે કોઈ નવું અખબાર, સામયિક કે સમાચાર ચેનલ અને હવે તો ન્યૂઝપોર્ટલ પણ શરૂ કરવું એ ખોટ – ખુંવારી સિવાય બીજું કશું નોતરતું નથી. આવા સમયમાં ખાસ-ખબરની શરૂઆત કરવી, ખાસ-ખબર તમામને તદ્દન મફતમાં આપવું અને દરેકના મોબાઈલમાં પહોચાડવું એ વિચાર જ ક્રાંતિકારી છે. ગુજરાતી પત્રકારત્વમાં પાપાપગલી કરતા સમયે જ ખાસ-ખબરે નક્કી કર્યું હતું, સબસ્ક્રિપ્શન, સર્ક્યુલેશન કે પ્રિન્ટીંગના ચક્કરમાં પડવું નહીં, કોઈ અખબાર, સામયિક કે ચેનલ સાથે હરિફાઈની ચક્કરમાં પણ પડવું નહીં. કોઈની ટક્કર કર્યા વિના ટકી રહેવું એ જ એક મોટી ઉપલબ્ધિ ગણાશે. કારણ એટલું જ કે આ કોઈ અખબાર કે સામયિક કે ચેનલ નથી, આ ગુજરાતી જર્નાલિઝમનું ફર્સ્ટ ડિજીટલ ડેઈલી ન્યૂઝપેપર છે. એ પણ ફ્રી ઓફ કોસ્ટ એન્ડ ફ્રી ઓફ એન્વાયરમેન્ટ. ઓગષ્ટ, 2020માં ખાસ-ખબર શરૂ થયું તે જ વર્ષના પ્રથમ મહિનાના એક અહેવાલ અનુસાર જાન્યુઆરી, 2020માં ભારતની અંદર 1.44.893 અખબારો, સામયિકો, પ્રકાશનો રજીસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર (આર.એન.આઈ)માં નોંધાયેલા હતા. 926 જેટલી સેટેલાઈટ ચેનલોને મંજૂરી મળેલી હતી જે પૈકી 387 ટીવી ચેનલો સમાચાર અને કરંટ અફેર્સની વ્યાખ્યામાં આવતી હતી, જ્યારે 539 ચેનલો બિનસમાચાર (મનોરંજન અને માહિતી) અને કરંટ અફેર્સની વ્યાખ્યામાં આવતી હતી. દૂરદર્શનની 36 ચેનલો હતી જેમાં 2 સમાચાર અને 34 બિનસમાચારી હતી. ઓલ ઈન્ડિયા રેડિયોના 495 એફ.એમ રેડીયો સ્ટેશન હતા અને 384 પ્રાઈવેટ એફ.એમ રેડીયો સ્ટેશન હતા. જો ડિજીટલ દુનિયાની વાત કરીએ તો વિશ્વભરમાં આશરે 150 કરોડ વેબસાઈટ હતી. ઓટીટી પ્લેટફોર્મ અને એપ્લીકેશનના નંબર્સનો આઈડિયા નથી. આજની તારીખે આ આંકડો ક્યાંય મોટો થઈ ગયો હશે. એટલે વર્લ્ડ, નેશનલ કે લોકલ લેવલ પરના કોઈ ફીગર્સમાં ખાસ-ખબરે પડ્યા વિના માત્ર ફેક્ટની જ ચિંતા કરી છે. બે વર્ષ પછી પણ ગુજરાતી મીડિયામાં ખાસ-ખબરનું કોઈ હરિફ નથી કે ખાસ-ખબર કોઈને હરિફ માનતું નથી તેનું કારણ જ આ છે, કશી પણ ચિંતા કે પરવા કર્યા વિના.. કોઈ કસર છોડ્યા વિના.. ફક્તને ફક્ત ખાસ ખબરોને જ પ્રસિદ્ધ કરતા રહેવું.. નો ફેક, ઓન્લી જસ્ટ ધી ફેક્ટ..

‘ખાસ-ખબર’ ચલાવી રહ્યું છે ખાસમખાસ ઝુંબેશો

વિવિધ ઝુંબેશો ચલાવવામાં
‘ખાસ-ખબર’ને પોલીસ, પ્રશાસન અને પ્રજાનો મળ્યો છે પૂર્ણ સાથ અને સહકાર

‘ખાસ-ખબર’ કોઈની પણ સાડી બાર રાખ્યા વિના, છપ્પનની છાતી અને એકસો આઠની પીઠ રાખી સત્યને પ્રકાશિત કરતું આવ્યું છે

પત્રકારત્વ લોકશાહીનો ચોથો આધારસ્તંભ ગણાય છે. ચોથી જાગીરનું એક અખબાર ધારે તો શું ન કરી શકે? જો એક અખબાર ધારે તો બધું જ કરી શકે. ખાસ-ખબર પણ ઈન્ફોર્મેશન, એજ્યુકેશન, એન્ટરટેઈનમેન્ટ સબ્જેક્ટ સિવાય એવા કેટકેટલાય સબ્જેક્ટ પર અર્વેરનેસ ફેલાવી રહ્યું છે જેણે અખબારી ધર્મની એક નવી મિશાલ પૂરી પાડી છે. જેમ કે, ખાસ-ખબર દ્વારા છેલ્લા બે વર્ષથી નશીલા પદાર્થોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા આવી રહી છે. યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થો દારૂ, ગાંજો, મેક્સ, એમડીના અડ્ડાઓથી લઈ બુટલેગરોના ઠેકાણાઓ સુધી સ્ટિંગ ઓપરેશન ખાસ-ખબરના જાંબાઝ પત્રકારોએ જીવના જોખમે કર્યું છે. નશીલા પદાર્થોની હેરફેર, ખરીદ-વેંચાણ અંગે ખાસ-ખબર દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવ્યું છે. ખાસ-ખબરમાં નશીલા પદાર્થની બદ્દી વિષયક અહેવાલ બાદ આ ગેરકાયદે ધમધમતા ધંધા સાથે સંકળાયેલા કેટલાય રાક્ષસો જેલ હવાલે છે. તેમનો સાથ આપનાર પોલીસ પણ સસ્પેન્ડ છે. નશીલા પદાર્થોના સેવન જેટલું જ જોખમી છે સટ્ટા અને સોશિયલ મીડિયાની બૂરી લત. ખાસ-ખબર દ્વારા ક્રિકેટના સટ્ટા અને ઈન્સ્ટાગ્રામ રિલ્સના કારણે બરબાદ થતા ઘર-પરિવારના ઉદાહરણ આપીને પણ એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ-ખબરના સ્ટિંગ ઓપરેશન બાદ આઈડીમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતા જુગારીઓ જેલ હવાલે થઈ ગયા છે. આ જ રીતે એકસમયે કાયદાનો ભંગ કરતી રિલ્સ સોશિયલ મીડિયામાં શેર કરનારને લાખો યુઝર્સ મળતા, હવે સીનસપાટાવાળી રિલ્સ સોશિયલ મીડિયામાં કોઈ શેઅર કરે અને ખાસ-ખબર આ વિશે અહેવાલ પ્રસિદ્ધ કરે તો શું થાય તે વાંચકો જાણે છે. ખાસ-ખબરની વિવિધ ઝુંબેશમાં જરૂર પડે પોલીસ અને પ્રશાસનની મદદ લેવામાં આવી છે, પોલીસ – પ્રશાસન – પ્રજાનો ખાસ-ખબરને પૂરતો સાથ-સહકાર મળ્યો છે. ખાસ-ખબરની આ ઝુંબેશો જનતાના હિત માટેની, જાહેરહિતની હતી કે છે એ પણ અહીં નોંધનીય છે. કરોડોના જમીન કૌભાંડો હોય કે બિલ્ડરોના કાળા કારનામાઓ.. કોર્પોરેશન, કલેકટર, કમિશનર કચેરીઓની અંદર કી બાત હોય કે સ્થાનિક નેતાઓના ગોટાળાઓથી લઈ રાષ્ટ્રીય નેતાઓના જૂઠનો પર્દાફાશ, શિક્ષણજગતથી લઈ કોર્પોરેટ વર્લ્ડ સુધી ઘટનાઓ પાછળની ઘટનાઓ કે કોઈ પ્રસંગની અનેરી વાત વગેરે વિગતો.. ખાસ-ખબર કોઈની પણ સાડી બાર રાખ્યા વિના, છપ્પનની છાતી અને એકસો આઠની પીઠ રાખી સત્ય છાપે છે. લિગલ નોટિસના ડર અને નેગેટિવ ઈમ્પ્રેશનના ભય વિના કોઈએ પણ જો ખોટું-ખરાબ કર્યું હોય તો ખાસ-ખબર તેની ખબર લઈ લે છે, ખબર કાઢી નાંખે છે. આગામી સમયમાં પણ ખાસ-ખબર કોઈથી પણ પાસે ઝૂક્યા વિના માત્રને માત્ર સત્યને જ ઉજાગર કરશે, જોરશોરથી ઝુંબેશો ચલાવશે અને પોતાનો અખબારી ધર્મ નિભાવતું રહેશે. એ જાણી લેવું જરૂરી છે કે, ખાસ-ખબરમાં નહીં છપાતા – છૂપાવાતા સમાચાર સૌ પ્રથમ – સૌથી વધુ આવશે. વારંવાર આવશે એ પણ કોઈ કસર રાખ્યા વિના..

‘ખાસ-ખબર’માં જેના પણ કાળા કારનામા છપાયા છે તેની બદલી, બરતરફ કે રાજીનામાના ઓર્ડર તત્કાળ – તાબડતોબ થયા છે

સોશિયલ મીડિયાના આ ન્યૂઝપેપરની
નોંધ પ્રિન્ટ અને ઇલેટ્રોનિક મીડિયા
સહિત સૌ કોઈએ લેવી જ પડે છે

‘ખાસ-ખબર’ સોશિયલ મીડિયાનું નાનકડું છાપું?

પ્રત્યાયનનું કોઈપણ માધ્યમ હોય તેને સાતત્યનું દર્શન કરી સત્યનું ઉદ્દબોધન કરવાનું છે. સમાજની શાંતિ, સલામતિ અને સુખાકારી માટેની પહેલ કરવાની હોય છે. તેમાં પણ અખબારનું કામ અરીસો બની સમાજને માત્રને માત્ર વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનું છે, સત્યનો પ્રહરી બનવાનું છે. આ મુજબ પત્રકારત્વના સિદ્ધાંત અને આદર્શને વળગી રહી, ખાસ-ખબરની ટિમે લોકલથી ગ્લોબલ તખ્તા પર દરેક ક્ષેત્રની સારી-નસરી બાબતો વાંચકોની સમક્ષ બેબાકપણે મૂકી છે. એક પૈસાનું પણ લવાજમ લીધા વિના આકર્ષક લેઆઉટ સાથે દેશ-દુનિયાનાં સમાચાર ઉપરાંત નામાંકિત લેખકોનાં લેખ વડે વિવિધ વિષયોની માહિતી આપી ખાસ-ખબરે પોતાની આગવી અખબારી ઓળખ બનાવી લીધી છે. આમ છતાં ક્યાંકને ક્યાંક એવું વારંવાર કહેવામાં આવે છે કે, આ માત્ર એક સોશિયલ મીડિયાનું નાનું અમથું છાપું છે, તે છપાતું નથી. કોઈ વાંચતું તો શું જોતું પણ નથી. વાસ્તવમાં ખાસ-ખબર રજીસ્ટર ન્યૂઝપેપર છે, તે છપાઈ પણ છે અને હા, સૌથી વધુ વંચાઈ પણ છે એટલે જ ખાસ-ખબરમાં આવેલી ખબરોની અસર કેવી હોય છે, તેનું પરિણામ કેવું હોય છે તેનાથી સૌ કોઈ પરિચિત છે. ખાસ-ખબરમાં જેના પણ કાળા કારનામા છપાયા છે તેની બદલી, બરતરફ કે રાજીનામાના ઓર્ડર તત્કાળ – તાબડતોબ થયા છે. ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થતી ખબરો એવી તો હલચલ મચાવે છે કે તે માત્ર સામાન્ય માણસો જ નહીં, શ્રેષ્ઠ મીડિયાહાઉસમાં પણ ચર્ચાનો વિષય બને છે. ખાસ-ખબરના અહેવાલોથી સૌ ચોંકી ઉઠે છે. સોશિયલ મીડિયાના કહેવાતા નાના અમથા આ છાપાની નોંધ પ્રિન્ટ-ઇલેટ્રોનિક મીડિયા સહિત સૌ કોઈએ લેવી પડે છે એ જ તેની સર્ક્યુલેશન અને સક્સેશનું એકઝામ્પલ છે. સાંજ પડતાની સાથે જ હરેકના મન – મગજમાં એક ઈંતેજારી શરૂ થઈ ગઈ હોય છે, ખાસ-ખબરમાં આજે શું આવશે? કોનું આવશે? ખાસ-ખબર વાંચકોની આદત-ચાહત બની ગયું છે. ખાસ-ખબરના રીડર્સ જ રિપોર્ટર છે, વાંચકોની વાતને ખાસ-ખબરમાં વાચા અપાય છે એટલે જ લોકો પોતાની સમસ્યાના સમાધાન માટે સરકારી કચેરી નહીં, મા સરસ્વતીના ધામ સમાન ખાસ-ખબર કાર્યાલય પર આવે છે. વાંચકોને શ્રદ્ધા છે, ખાસ-ખબર તેમને સાંભળશે, સહાય કરશે. આ કારણોસર પણ સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પર સૌથી પહેલા, સૌથી સત્યતાપૂર્ણ પળેપળનાં બનાવો, ઘટનાઓ, પ્રસંગોની જાણ કરવામાં ખાસ-ખબર અન્ય માધ્યમોને પાછળ છોડી આગળ નીકળી રહ્યું છે. અંતમાં તો ખાસ-ખબરનાં એક ભાગ હોવાનું, ખાસ-ખબરની શરૂઆતથી લઈ આજ સુધીની સફળતાપૂર્વકની સફરના યાત્રી હોવાનું ગૌરવ થાય એ સ્વાભાવિક છે, સાથે જ ખાસ-ખબર વધુને વધુ સફળતાનાં શિખરો સર કરતું રહે અને સમગ્ર સમાજની સેવાનું સત્કર્મ તથા પત્રકારત્વનો ધર્મ નિભાવે તેવી શુભેચ્છાઓ..