ખાસ-ખબર ન્યૂઝની ટીમે RTO કચેરીમાં રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી બાબત આવી સામે
રાજકોટ RTOના જૂનું બિલ્ડિંગ પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી
- Advertisement -
સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા, નિષ્પક્ષ તપાસની માંગ
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)નું જૂનું બિલ્ડિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ખાસ-ખબર ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા બિલ્ડિંગના પરિસરમાંથી દારૂની અનેક ખાલી બોટલો મળી આવી હતી. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમજ સરકારી કચેરીના પરિસરમાં આવી સ્થિતિ સામે આવતાં સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થળ પરથી મળેલી દારૂની ખાલી બોટલોને લઈને સ્થાનિકોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. લાંબા સમયથી આ જૂના બિલ્ડિંગમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કચેરીમાં નિયમિત સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ રાખવામાં આવતી હોય તો આટલી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો ત્યાં કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે.
આ સમગ્ર ઘટનાએ RTO કચેરીની સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્ન ઊભા કર્યા છે. સરકારી કચેરીના પરિસરમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી પ્રવેશ કરીને આવી પ્રવૃત્તિઓ કરી શકે છે કે કેમ, તેમજ સુરક્ષા કર્મચારીઓ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં RTO કર્મચારીઓ અહીં મહેફિલ માણતા હશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ અંગે હાલમાં કોઈ સત્તાવાર પુરાવો અથવા અધિકૃત પુષ્ટિ સામે આવી નથી, તેથી આવા દાવાઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
- Advertisement -
સ્થાનિકોનું કહેવું છે કે સમગ્ર મામલે જવાબદારો કોણ છે, સરકારી મિલકતનો દુરુપયોગ કોણ કરી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે અંગે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જૂના બિલ્ડિંગની સુરક્ષા વધુ કડક બનાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. હવે સૌની નજર RTO તંત્ર અને સંબંધિત વિભાગોની કાર્યવાહી પર છે. સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ શરૂ કરીને જવાબદારોને શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે જોવાનું રહ્યું.




