રૂ.2.07 કરોડોના ખર્ચે બનેલા જીમ – સ્વિમિંગ પુલનું લોકાર્પણ કોચ-સ્ટાફની ભરતી કર્યા વિના જ પાલિકાએ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
શહેરમાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ અને જીમ અઢી વર્ષ પહેલાં રિનોવેશન માટે બંધ કરવામાં આવ્યો હતો અને તેનું નવિનીકરણ કાર્ય પૂરું થયા બાદ તા. 15.08.2024ના રોજ લોકાર્પણ કાર્યક્રમ પણ કરાયો બાદમાં આજે 6 મહિનાનો સમય વિતવા છતાં શહેરીજનો જીમ અને સ્વિમિંગ પુલના તાળાં ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. શહેરમાં જીનતાન રોડ પર આવેલા સ્વિમિંગ પુલમાં પાણી લીકેજ અને અન્ય સમસ્યાઓ થતા તેનું નવિનીકરણ કરવાનું નક્કી કરાયું હતું. 2 વર્ષ બાદ રિનોવેશન પૂરું થતા તા. 15.08.2024ના રોજ રાજકીય આગેવાનોના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાઈ ગયો હતો. પરંતુ લોકાર્પણના બીજા દિવસે સવારે સ્વિમિંગ પુલ અને જીમ ખૂલવાની આશાએ પહોંચેલા યુવાનોએ તાળાં જોઇને નિરાશ થવું પડ્યું હતું. યુવાનો પાલિકા કચેરીમાં રજૂઆત કરવા ગયા ત્યારે ખબર પડી કે એજન્સી નક્કી કર્યા વગર અને કોચની ભરતી કાર્ય વિના જ પાલિકાએ ઉતાવળું ઉદઘાટન કરી નાખ્યુ હતું. શહેરના યુવાનો દક્ષેશભાઈ પરમાર, અંકીતભાઈ કોઠારી અને કલ્પેશભાઈ સહિતના યુવાનોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે સ્વિમિંગ પુલમાં કદાચ જીવનું જોખમ હોય અને એક્ષ્પર્ટ કોચ વિના શરૂ ના કરાય તો માની લઈએ પણ જીમને વિના કારણે બંધ રખાયું છે. જીમમાં કદાચ હાલ પૂરતા એક્ષ્પર્ટ કોચ ના હોય તો પણ અમે નિયમિત જીમ કરનારા સામાન્ય કસરત કરી શકીએ તે માટે જીમ જલ્દી ખોલાવો તેવી અમારી માગ છે. આ અંગે જરૂર પડે તો અમે નવા કમિશનરને લેખિત રજૂઆત પણ કરીશું. શિયાળો પૂરો થવા આવ્યો છતાય જિમ્નેશિયમ નહીં ખૂલતા યુવાનોમાં રોષ, મનપા કમિશનરને રજૂઆત કરાશે.