વેપારીઓના દુકાન બહાર કચરો હોય તો દંડ ફટકારતી નગરપાલિકા હૉસ્પિટલના ઘૂંટણિયે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે જેના પાછળ તંત્ર આ સ્વપ્નને માત્ર સપનું રહેવા દેશે તેવું હાલ નજરે પડી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકા સ્વચ્છતાના બણગા ફૂકી કાર્યક્રમો કરે છે પરંતુ શહેરને ખરેખર સ્વચ્છ બનાવવા માટે કેવા પ્રકારની કામગીરી કરી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ અહી જોવા મળ્યું છે જેમાં ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ નજીક આવેલી ખાનગી હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની હોસ્પિટલમાંથી ગંદકી ભર્યું પાણી જાહેરમાં નિકાલ કરાતો હતો જે ગંદુ પાણી પાસે આવેલી તાલુકા પંચાયત અને સરકારી પુસ્તકાલયના માર્ગ પર ફળી વળતું નજરે પડતું હતું આ મામલે અનેક વખત નગરપાલિકાને જાણ કરાઇ હતી પરંતુ ખાનગી હોસ્પિટલના સંચાલક બિનરાજકીય રીતે રાજકીય નેતાઓની ચાપલૂસી કરતા હોવાથી પાલિકા આ ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં લાજ કાઢતું હતું પરંતુ “ખાસ-ખબર” દ્વારા ખાનગી હોસ્પીટલ દ્વારા જાહેરમાં કાઢવામાં આવતા ગંદા પાણી અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરતા નગરપાલિકા તાત્કાલિક ખાનગી હોસ્પિટલના સંચાલકને નોટિસ આપી હતી. પરંતુ નગરપાલિકાની આ નીતિ એકને ગોળ અને એકને ખોળ જેવી છે જેમાં શહેરી વિસ્તારમાં નાના વેપારીઓને કચરો જાહેરમાં ફેંકવા બદલ મનફાવે તેવો દંડ કરાય છે અને ખાનગી હોસ્પિટલની માત્ર નોટિસ આપીને સંતોષ માનતી નગરપાલિકાની નીતિ ખરેખર દોગલી હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે.