સતત 4 વર્ષથી કરાતી રજૂઆતનો ઉકેલ નહીં આવતા ચુડા ના ખેડૂતોએ ઉપવાસ આંદોલનની ઉચ્ચારી ચીમકી
ચુડાની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળાને કારણે છેલ્લા 4 વર્ષોથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક બળી જતો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. રજૂઆત કરવા છતાં નર્મદા નિગમ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ધરતીપુત્રોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ચુડા શહેરના છત્રીયાળાના માર્ગે વર્ષ-2016માં નર્મદાની બોટાદ શાખાની એલ.એમ-1 માઈનોર કેનાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. માઈનોર કેનાલના પાળાને કારણે નટવરભાઈ પટેલ, નિતીન પટેલ, નરોત્તમ પટેલ, ભીખાભાઈ પટેલ સહિતના ખેડૂતોની 37 વીઘા ઉપજાવ જમીનમાં પાણી ભરાઈ રહેતા પાક બળી જતો હોવાની ફરિયાદ કરી છે. છેલ્લા 4 વર્ષોથી ખેડૂતોએ નર્મદા નિગમ, તાલુકા-જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધરતીપુત્રોએ મામલતદાર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
નર્મદાના અધિકારી લોલીપોપ આપી જતા રહે છે. નટવરભાઈ પટેલ. ખેડૂત ચુડા
છેલ્લા 4 વર્ષોથી ખેતરોમાં ઢીંચણ સમાણા ભરાતાં પાણીને કારણે અમારી જીવાદોરી સમાન ફળદ્રુપ જમીન બનજર બની જશે તેવી ભીતિ થઈ રહી છે. રજૂઆતોને સંદર્ભે નર્મદાના બે અધિકારીઓ આવ્યાં પણ હતા. પરંતુ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ફક્ત લોલીપોપ આપી જતા રહે છે.
દિપકસિંહ વાઘેલા, લીંબડી