મોરબીની ન્યુએરા સ્કૂલમાં બનેલી કરુણ ઘટના
કોચની હાજરીમાં બનાવ બન્યો : સમગ્ર ઘટનાને દબાવવા પ્રયાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં એક દુખદ ઘટના સામે આવી છે. રવાપર ગામના કારખાનેદાર ગીરીશભાઈ ફળદુનો 16 વર્ષનો એકનો એક દીકરો પ્રીત સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે.
ઘટના ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યાના સમયે બની હતી. વીરપર ગામની સીમમાં આવેલી ન્યુએરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પૂલમાં પ્રીત અન્ય વિદ્યાર્થીઓ સાથે તરી રહ્યો હતો. સ્વિમિંગ ટીચરની હાજરી હોવા છતાં આ દુર્ઘટના બની હતી.
ધોરણ 10માં અભ્યાસ કરતો પ્રીત ફળદુ નામનો વિદ્યાથી સ્કૂલના સ્વિમિંગ પુલમાં કોચની હાજરીમાં મોત ને ભેટે છે તેમ છતાં કોચ ને કેમ જાણ નથી. આવી બેદરકારી કોચની શાળા સંચાલકની કે પછી દેખાદેખી કારણભૂત? સમગ્ર મામલે શહેરમાં ઘટના પાછળ જવાબદારને સજા થવી જોઈએ તેવું જોર પકડ્યું છે જો કે હાલ તો આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમ થી લોકો પોતાના વિચાર રજૂ કરીને જવાબદાર ને સજા થાય તેવું જણાવી રહ્યા છે. પ્રીતને તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
આર.એમ. કંઝારિયાના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ગીરીશભાઈને બે સંતાનો હતા – એક મોટી દીકરી અને નાનો દીકરો પ્રીત. એકના એક દીકરાના અકાળ અવસાનથી ફળદુ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
જો કે હાલ તો માસૂમ વિદ્યાર્થીનો મૃતદેહ જૂનાગઢ પોતાના વતન લઇ જવામાં આવ્યો છે તેમજ માસુમના પિતા સીરામીક એકમ સાથે સંકળાયેલા હોવાની વિગત જાણવા મળી છે તેમજ આ મામલે પોલીસ નિષ્પક્ષ રાજકીય દબાણ વગર તપાસ કરે તેવી પણ માંગ ઉઠી છે.