ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબીની સ્મશાનભૂમિમાં સરકારી અનાજના જથ્થામાં આગ લાગી હતી. સ્મશાનમાંથી અનાજનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક પણ ઉઠી રહ્યા છે. જો કે, ગુજરાત અને એમપીનો સરકારી અનાજનો આ જથ્થો એકસપાયર ડેટનો હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે પરંતુ આ સાથે જ સવાલ એ પણ ઉઠે છે કે, અનાજનો જથ્થો એકસપાયર થઈ ગયો ત્યાં સુધી નાગરિક સુધી કેમ ન પહોંચ્યો?
અને આ અનાજ અહીંયા ક્યાં કારણોસર અને કોને રાખ્યું તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો એકાએક આગ લાગતા અહીં અચાનક આગ કેમ લાગી અને શું અનાજના જથ્થામાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે આગ લગાડી કે કેમ તે અંગે પણ સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ આગ કોણે લગાડી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આગ લાગવાની ઘટનાથી અધિકારીઓમાં પણ દોડધામ શરૂ થઈ છે, નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ સેમ્પલ લઇ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે આગામી સમયમાં આ મામલે થયેલો ભ્રષ્ટાચાર ખુલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે. આ સમગ્ર કિસ્સામાં કસૂરવારોને શોધવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ ઉઠી છે.
આ મુદ્દે નાગરિક અન્ન પુરવઠા અધિકારી દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગ લાગી તે ઘટના સ્થળે મળી આવેલ અનાજ નો જથ્થો અમુક ટકા પુરવઠા નો છે તથા અમુક મિક્સ જથ્થો હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં જે કોઈ દોષિત હશે તેમના વિરુદ્ધ યોગ્ય પગલા લેવામાં આવશે. આજે તુવેર દાળ ચણા જેવા પુરવઠાના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ આ જથ્થો ક્યાંનો છે કેટલો જૂનો છે અને ત્યાંથી આવેલો છે તે અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમને પ્રાથમિક માહિતી મળતા તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી જ્યાં માલુમ થયું હતું કે ઘટના સ્થળ પર અસંખ્ય અનાજની બોરીઓ પડેલી છે જેમાં તુવેર દાળ ચણા ઘઉં સહિતનું અનાજ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આમાં તંત્રની મિલીભગત હોવાનું અને તંત્રની ઉદાસીનતા છતી થઈ રહી છે અને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આ અનાજ અત્યાર સુધી યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું કેમ નથી. જેની તપાસ કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી.