મજબૂત વૈશ્વિક પરિબળોના પગલે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ 882.34 પોઈન્ટ ઉછળી 79988.22ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 24400ની અતિ મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી હતી.
અમેરિકાનો ફુગાવો 3 વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે. અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે. સેન્સેક્સ આજે 79000ના લેવલે ખૂલ્યા બાદ વધી 80000 નજીક પહોંચ્યો હતો. 10.45 વાગ્યે 364.45 પોઈન્ટ વધી 79469 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 112.80 પોઈન્ટ ઉછળી 24256.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
2229 શેર્સ સુધારા તરફી
- Advertisement -
બીએસઈ ખાતે ટ્રેડેડ 3769 સ્ક્રિપ્સ પૈકી 2229 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1395 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 150 શેર્સ વર્ષની ટોચે અને 35 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 228 શેર્સમાં અપર સર્કિટ અને 218 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. પાવર શેર્સ સિવાય તમામ શેર્સમાં ખરીદી વધી હતી.
જિઓજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, અમેરિકામાં મંદીની ભીતિના વાદળો વચ્ચે વૈશ્વિક સ્તરે 5 ઓગસ્ટથી વેચવાલીનું પ્રમાણ વધ્યું હતું. જો કે, અમેરિકા દ્વારા જારી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં મંદીના વાદળો દૂર થયા છે. લેબર માર્કેટ પણ સુધારા તરફી આગળ વધી રહ્યું છે. જેથી ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શરૂઆત થવાના અંદાજ સાથે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.