મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન સાથે ‘એજન્ડા 2035’ અને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ની જાહેરાત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
79મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. રાજ્યકક્ષાના આ સમારોહમાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત માહોલ સર્જાયો હતો.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે સુધી સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટ માટે સરકાર ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર 2035’ લાવી રહી છે. આ એજન્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ‘વિકસિત ગુજરાત 2047’ માટે દિશાસૂચક બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારો માટે રૂ.100 કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ તાલુકા મથક જેવી મોટી ગ્રામ પંચાયતોને શહેરી તર્જે વિકસાવીને માળખાકીય સુવિધાઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો હાથ ધરાશે.
તેમણે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 12 ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેના આયોજનની જાહેરાત પણ કરી. સાથે જ નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને 55 નગરો માટે ૠઈંજ આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થશે.
મુખ્યમંત્રીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભો)ના સશક્તિકરણ માટેની સરકારની પહેલ, આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના-2, મહિલાઓ માટે લખપતિ દીદી યોજના, ખેડૂતો અને માછીમારો માટેની રાહત યોજનાઓની વિગતો આપી હતી. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, સંત રમેશભાઈ ઓઝા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો, ડોગ શો અને દેશભક્તિ ગીતો-નૃત્યના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત મુખ્યમંત્રી સહિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



