કોટડીપરામાં ખેત તલાવડીનું લોકાર્પણ અને સમૂહ ખેતી ગામે ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. ૧૭ નવેમ્બરે રાજુલાના છતડીયા હેલિપેડ ખાતે આગમન બાદ તેમણે વિવિધ લોકકલ્યાણ કાર્યો અને વિકાસ પ્રકલ્પોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલે કોટડીપરા ગામે મનુભાઈ નકુમની વાડીમાં નવનિર્મિત ખેત તલાવડીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ગૌશાળા અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
સમૂહ ખેતી ગામે રાત્રિ રોકાણ દરમિયાન તેમણે અનુસૂચિત જાતિ પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે ભોજન લીધું હતું અને રાત્રિ સભામાં ગ્રામજનોને પરિવાર ભાવના, સામૂહિક એકતા, જળસંચય તથા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. બીજા દિવસે સમૂહ ખેતી ગામે સવારે યોગાસન અને સફાઈ અભિયાન યોજાયું હતું. રાજ્યપાલના હસ્તે કરોડોના ખર્ચે સાકાર થનારા ‘ગોવિંદ સરોવર’ અને ગ્રામ તળાવનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહ ખેતી ગામના પ્રણેતા પૂજ્ય ભગવાન બાપાની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલા વિશાળ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં
રાજ્યપાલે ધરતી માતાને કેમિકલયુક્ત ખાતરોથી બચાવવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અપીલ કરી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્યો હીરાભાઈ સોલંકી અને મહેશ કસવાળા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



