ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી લઈ યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને દબોચી લઈ 73.520 ગ્રામ જથ્થો જપ્ત કરી પૂછતાછ કરતાં રાજસ્થાની શખ્સ ત્રીજી વાર ખેંપ મારી આપી ગયાની કબૂલાત આપતાં તેની શોધખોળ આદરી હતી.
રાજકોટ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, એન.વી.હરિયાણીની રાહબરીમાં પીએસઆઈ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને માહિતી મળી હતી કે અગાઉ મારામારીના કેસમાં પકડાયેલ શાહરૂખ અમીન વિકયાણી થોડી વારમાં પોતાના રહેણાંક મકાન ગાયકવાડી શેરી નં-4 જંકશન પ્લોટમાં આવવાનો છે.
- Advertisement -
તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો છે, તેવી ચોક્કસ બાતમી મળતાં એસઓજીની ટીમે દરોડો પાડી મકાનની બહાર શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને કોર્ડન કરી નામ પુછતા પોતે પોતાનું નામ શાહરૂખ ઉર્ફે ડોનુ અમીન વિકયાણી ઉ.30 હોવાનું જણાવેલ હતું બાદમાં એસઓજીની ટીમે આરોપીની ઝડતી લેતાં તેના ખીસ્સામાંથી પ્લાસ્ટીકના ઝબલામાં માદક પદાર્થ મળી આવેલ જે બાબતે પૂછતાં તે બ્રાઉન સુગર (હેરોઇન) હોવાનું જણાવેલ હતું પોલીસે હેરોઇન 3.67 લાખની કિમતનું 73.520 ગ્રામ હેરોઇન કબજે કરી પૂછતાછ કરતાં પકડાયેલ શખ્સને રાજસ્થાની શખ્સ સપ્લાય કરી ગયો હતો અને શાહરૂખ અહીં સિલેકટેડ ગ્રાહકોને જ હેરોઇન વેંચતો હતો અગાઉ બે વખત હેરોઇન રાજસ્થાનથી મંગાવ્યું હોવાની કબૂલાત આપી હતી. હાલ એસઓજીની ટીમે પ્ર. નગર પોલીસમાં ગુનો દાખલ કરતાં પીએસઆઈ રાણીગાએ વધું તપાસ આદરી હતી.