‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવમાં અઘોરી મ્યુઝિક સંગાથે આશરે 15 હજારથી વધુ રામભક્તો હિલોળે ચડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જયશ્રી રામ સાથે જણાવવાનું કે ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ અઘોરી મ્યુઝિક સંગાથે તમામ રામભક્તો હિલોળે ચડ્યા હતા. અઘોરી મ્યુઝિકના કલાકારોએ તમામ વર્ણ અને વર્ગના, બાળકોથી માંડી વડીલો સુધી તમામને ઝુમાવ્યા હતા.
અયોધ્યા મધ્યે શ્રી રામલલ્લા 500 વર્ષ બાદ જયારે પુન: બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર્રમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આપણા રામલલ્લાને વધાવવા દેશભરમાં ઠેર ઠેર ઉત્સવો ઉજવાઈ રહ્યો છે ત્યારે ઉત્સવપ્રેમી રાજકોટ કેમ પાછળ રહી જાય. રાજકોટના આંગણે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ’રામ મેદાન’(વિરાણી હાઈસ્કૂલ) ખાતે ’શ્રીરામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત ગત તા. 17 જાન્યુઆરીથી થઇ ચુકી છે અને આગામી 22મી જાન્યુઆરીના રોજ જયારે અયોધ્યા મધ્યે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામલલ્લા પુન: બિરાજમાન થયાં બાદ મહોત્સવની પુર્ણાહુતી કરવામાં આવશે.
મહોત્સવના ત્રીજા દિવસે આશરે 15 હજારથી પણ વધુ રામભક્તો પ્રભુ શ્રીરામના દર્શનાર્થે ઉમટી પડતા ’રામ મેદાન’માં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હોય તેવા દિવ્ય માહોલનું સર્જન થયું હતું. રામભક્તોએ શિસ્તબદ્ધ શ્રીરામના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સ્વ. બાબુભાઇ રામસુરભાઈના સ્મરણાર્થે વાંક પરીવાર આયોજિત જાહેર જનતા માટેના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
મહોત્સવના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ એટલે અઘોરી મ્યુઝિક. ત્રણ યુવાનોએ ગુજરાતી લોક સાહિત્યને હિપહોપનું સ્વરૂપ આપી વિશ્ર્વ ફલકે પહોંચાડવાની જવાબદારી જયારે પાઘ સ્વરૂપે માથે લીધી હોય ત્યારે અઘોરી મ્યુઝિકે રામભક્તોને રામમાં લીન કરવામાં કોઈ કસર છોડી ન હતી. અઘોરી મ્યુઝિકના મુખ્ય કલાકરો કેડીપ, ક્રુઝ, હાર્ડી એન્ડ ટીમએ ભવ્ય ગુજરાતી સાહિત્યનો રસ અલગ સ્વરૂપમાં રજૂ કરતા સમગ્ર રામમેદાનમાં એક અલગ ખુમારી અને ઉત્સાહનો માહોલ બંધાયો હતો. રામભક્તોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી અઘોરી મ્યુઝિકને વધાવતા આખુ ’રામ મેદાન’ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. અઘોરી મ્યુઝિકએ પ્રાચીન ગરબા, સપાખરા સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી.
’શ્રીરામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવમાં શક્તિ ગ્રુપની દીકરીઓ દ્વારા શૌર્યના પ્રતીક સમાન તલવાર વડે અત્યંત મનમોહક તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.
મહોત્સવના ત્રીજા દિવસની મહાઆરતી સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા, શહેર યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ટીલવા યુવા ભાજપની ટીમ સાથે, કમલેશભાઈ રામાણી, મુરલીકાકા દવે અને આયોજક સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તેજસભાઈ શીશાંગિયા અને આર.જે.તોશાલીબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.