MCD સદનમાંથી શરમજનક તસવીરો સામે આવી છે. દિલ્હીના નવા મેયર શૈલી ઓબેરોયે એક મોટો આરોપ લગાવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપના કાઉન્સિલરોએ તેમના પર હુમલો કર્યો.

દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી અને ભાજપને મોટો ફટકો પડ્યો છે. AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર બન્યા છે. શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા છે. શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે રેખા ગુપ્તાને માત્ર 116 વોટ મળ્યા. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી શરૂ થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં જબરદસ્ત હોબાળો ચાલુ છે. આખી રાત ગૃહની કાર્યવાહી ક્યારેક એક કલાક, ક્યારેક અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી અને તે પછી પણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ શકી. ભાજપના કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

નેતાઓ વચ્ચે શરૂ થયો બોટલ વોર
આ પહેલા ગૃહમાં હોબાળો એટલે વધી ગયો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન નેતાઓએ એકબીજા પર પાણીની બોટલો પણ ફેંકી હતી. બોટલ વોર શરૂ થતાની સાથે જ કેટલાક કાઉન્સિલરો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કેટલાક કાઉન્સિલરો ટેબલ નીચે છુપાઈ ગયા હતા. AAP નેતા આતિશી તેમના કોર્પોરેટરોને રોકતા જોવા મળ્યા હતા. અહીં બંને પક્ષના કાઉન્સિલરો એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા, જેઓને ભારે મુશ્કેલીથી શાંત પાડ્યા હતા. જે બાદ વારંવાર કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી અને આ જ કારણ છે કે હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ શકી નથી.

MCD સદનમાં ક્યારે અને શું થયું?
– MCDમાં આ હંગામો મેયર પદની ચૂંટણી બાદ શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગઈકાલે બુધવારે સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
– AAPના શેલી ઓબેરોય બપોરે 2.10 વાગ્યા સુધીમાં મેયર તરીકે ચૂંટાયા હતા.
– ત્યારબાદ 2 કલાક બાદ AAPએ ડેપ્યુટી મેયરનું પદ પણ કબજે કર્યું હતું. મોહમ્મદ ઈકબાલ વિજેતા જાહેર થયા હતા.
– હવે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીનો વારો હતો. મતદાન શરૂ થતાં જ રાત્રે 11 વાગ્યે ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મારામારી થઈ હતી.
– કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી હતી.
– રાત્રે 12 વાગ્યાની આસપાસ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
– આ પછી AAP અને બીજેપીના કાઉન્સિલરો આખી રાત ગૃહમાં રહ્યા અને કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવામાં આવી.

નવ નિયુક્ત મેયરે લગાવ્યો આ આક્ષેપ
દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે એક મોટો આરોપ લગાવ્યો છે, જેમાં તેમણે કહ્યું કે ભાજપના કાઉન્સિલરોએ તેમના પર હુમલો કર્યો. બીજી તરફ ઉત્તર દિલ્હીના પૂર્વ મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યું, “મારી પીઠ પર બોટલ ફેંકવામાં આવી અને હંગામા દરમિયાન સફરજન અને અન્ય વસ્તુઓ હવામાં અહીં-ત્યાં ફેંકવામાં આવી રહી હતી, તે અકલ્પનીય હતું. ”

AAP મેયર ઓબેરોયે આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ ચૂંટણી કરાવી રહ્યા હતા, ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ તેમના પર “હુમલો” કરવાનો પ્રયાસ કર્યો હતો. AAP દ્વારા રાત્રે જારી કરાયેલા નિવેદનમાં તેણીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “ભાજપની ગુંડાગીરીની હદ એ છે કે તેઓ એક મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”