વહેલી સવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી

ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. એટલું જ નહીં ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે તુર્કીયે અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.

વિગતો મુજબ અફઘાનિસ્તાનમાં આજે એટલે કે ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.

તુર્કીયે અને સીરિયામાં ભૂકંપથી તબાહી
આ ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીયેમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.