જન્મતાં જ ત્યજી દેવાયેલ નવજાત બાળકીને સ્નેહાળ સારવાર થકી મળ્યું
ભારતીય સંસ્કૃતિમાં બાળક એ ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આથીજ બાળ સેવા એ ઇશ્વરીય સેવા ગણવામાં આવે છે. ત્યારે આજે પડધરી ખાતે કાર્યરત ૧૦૮ની ટીમ દ્વારા નાના ખજડીયા ગામે તળાવના પટમાં અવાવરૂ સ્થળે ત્યજાયેલ મળી આવેલ નવજાત બાળકીને તુરત જ રેસ્કયુ કરી ત્વરીત સારવાર અપાવી નવજીવન આપવાનું અતિસંવેદનશીલ અને અનુકરણીય કાર્ય કર્યું છે.
વહેલી સવારે GVK EM RI૧૦૮માં ટેલીફોન પર જાણકારી આપવામાં આવી કે પડધરી તાલુકાના નાની ખીજળીયા ગામના તળાવ એક નવજાત બાળકી અવાવરૂ હાલતમાં છે. આ જાણકારી સવારે ૬.૩૦ કલાકે પડધરી ખાતેની ટીમ ૧૦૮ના EM T પારસભાઈ ગોરડ અને પાયલોટ સંજયભાઈ ઇસરાણીને મળતા તેઓ તુરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ જોયું તો એક તાજું જ જન્મેલ બાળકી નાના ખીજડીયા ગામના તળાવ પાસે જમીન પર એક કપડામાં વિંટાળેલી હાલતમાં મળી આવેલ હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ત્યાંથી નીકળતા એક રાહદારીએ આ બાળકીને જોતા તેની માહિતી ગામના અગ્રણીશ્રી પ્રદ્યુમ્નસિંહ ને આપેલ હતી. જેઓએ સ્થિતીનો તાગ મેળવી તુરંત ૧૦૮માં ફોન કરી આ બાબતની જાણકારી આપેલ હતી. આ બાળકીની નાળ પણ જોડાયેલી હતી. આથી પરિસ્થીતીની ગંભિરતાને ધ્યાને લઇને તેઓએ સ્ત્વરે આ બાળકીની નાળ કાપી ઓકસીજન આપવામાં આવ્યું ત્યારબાદ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી પ્રાથમિક સારવાર ધટના સ્થળે આપી હતી. ત્યારબાદ પડધરી સ્થિત સી.એચ.સી. સેન્ટર ખાતે પહોંચાડી તબીબી ચકાસણી કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરેલ છે. હાલ આ બાળકીની હાલત સ્વસ્થ છે.
આમ પડધરી ૧૦૮ની ટીમની ત્વરીત અને કાબીલેદાદ કામગીરીને કારણે એક “ચીંથરે વિંટયા રતન” ને નવજીવન પ્રાપ્ત થયું છે.


