ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવાના શુભ હેતુથી આયોજિત 53મો યુવક મહોત્સવ ’સિંદૂરોત્સવ’ આગામી 13, 14 અને 15 ઓક્ટોબર 2025ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ ભવ્ય આયોજન માટે યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ વર્ષના ’સિંદૂરોત્સવ’માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ જિલ્લાઓની 88 કોલેજોના કુલ 1859 સ્પર્ધકો ભાગ લેવા માટે ઉત્સાહિત છે. યુવાનોની પ્રતિભાને મંચ આપવા માટે આ મહોત્સવમાં કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ મુખ્ય વિભાગોની જુદી જુદી 33 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સ્પર્ધકોની ભાગીદારી યુવા શક્તિના પ્રગટીકરણનો અનોખો માહોલ સર્જશે.
53મા યુવક મહોત્સવ ’સિંદૂરોત્સવ’નું ઉદ્ઘાટન 13/10/2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 કલાકે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ’અતિથિ વિશેષ’ તરીકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા લોકસભાના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત રહી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરશે.
યુનિવર્સિટી દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂપિયા 2500/-, દ્વિતીય આવનારને રૂપિયા 1500/- અને તૃતીય આવનારને રૂપિયા 1000/- નો રોકડ પુરસ્કાર, સાથે શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે જુદી જુદી 16 કમિટીઓની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓના પ્રશ્નોના નિવારણ માટે ખાસ “મહિલા કમિટી” પણ બનાવવામાં આવી છે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટિવ કાઉન્સિલના સભ્યો, ભવનોના અધ્યક્ષો અને સંલગ્ન કોલેજોના આચાર્યો સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે.



