રાજકોટ શહેર ઝોન ૧ના DCP હેતલબેન પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા સહિતનાએ ભવ્ય મહાઆરતીનો લાભ લીધો
રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવના બીજા દિવસે ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સર્વેશ્વર ચોક ખાતે આ વર્ષે ગણપતિ દાદાને રજવાડી થીમ આધારિત ભવ્ય શણગાર સાથે બિરાજમાન કરવામાં આવ્યા છે. આકર્ષક સજાવટ અને મનમોહક સ્વરૂપના કારણે પંડાલ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સવારથી જ દાદાના દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે. ગણેશ મહોત્સવના બીજા દિવસે સાંજે ૭:૪૫ કલાકે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુંદાળા દેવની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ આરતીમાં જોડાઈ ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. મહાઆરતીમાં રાજકોટ શહેર ઝોન-૧ના DCP હેતલબેન પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા, વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર દર્શનભાઇ પેંગ્યાતર સહપરિવાર સાથે તેમજ શહેર અને સમાજના શ્રેષ્ઠી, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દુંદાળા દેવની મહાઆરતીનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ ઉપસ્થિત ભક્તોએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.




