રાજકોટમાં સોનાની માંગમાં 74 ટકા વૃદ્ધિ
શેરબજાર કરતા વધુ લોકો સોનામાં રોકાણ કરવા લાગ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ધનતેરસ-દિવાળીના તહેવારોમાં સોનાની ખરીદીની એકજાતની પરંપરા જ છે ત્યારે મહાનગરો ટાયર-ટુની શ્રેણીમાં આવતા નાના શહેરોમાં ડીમાંડ-ખરીદીમાં મોટા વધારો છે અને તેમાં સમગ્ર દેશમાં રાજકોટનું નામ ટોચ પર છે. આગામી સપ્તાહમાં ધનતેરસ છે અને તેમાં શુકનવંતી ખરીદીનો આગવો મહિમા છે. આ પવિત્ર દિવસની ખરીદી વિશે ‘જસ્ટડાયલ’ દ્વારા હાથ ધરેલા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ટાયર-ટુ શહેરોમાં સોનાની ડીમાંડમાં સરેરાશ 24 ટકાની વૃદ્ધિ છે જે મેટ્રો-મોટા શહેરોમાં 22 ટકાથી વધુ છે. મોટા શહેરોમાં અમદાવાદનો ડંકો છે જયાં સોનાની ડિમાંડમાં સૌથી વધુ 43 ટકાનો વધારો છે. ચેન્નઈમાં ગોલ્ડ ડીમાંડ 34 ટકા તથા હૈદ્રાબાદમાં 32 ટકાનો વધારો સૂચવે છે. આ સિવાય પુનામાં 28 ટકા, બેંગ્લોરમાં 24 ટકા, મુંબઈમાં 20 ટકા, દિલ્હીમાં 14 ટકા તથા કોલકતામાં સોનાની ડીમાંડ બે ટકા વધી છે.
ગોલ્ડ ડીમાંડમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા ટાયર-3 શહેરો ચકાસવામાં આવે તો રાજકોટ 74 ટકાની માંગવૃદ્ધિ સાથે સમગ્ર દેશમાં ટોપ પર છે. લખનૌમાં 43 ટકા, સુરતમાં 43 ટકા તથા ત્રિસ્સુરમાં 40 ટકાનો વધારો છે. કંપનીના સીએમઓ પ્રસન્નકુમારના કહેવા પ્રમાણે ઓગષ્ટ 2020માં રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચી ગયેલા સોનાના ભાવ નીચા આવ્યા છે અને તેવા સમયે તહેવારોની સીઝન ખુલ્લી છે.
શેરબજારમાં ઈન્વેસ્ટરોને મોટી કમાણી છે તેનું સોનામાં રોકાણ થઈ રહ્યું છે. સોનાના દાગીનાના વેચાણમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો જયારે સોનાના બિસ્કીટમાં 9 ટકાનો વધારો છે. દાગીનામાં સૌથી વધુ 71 ટકાની વૃદ્ધિ નાકની ચૂકમાં, 57 ટકા સોનાના ચેન તથા 41 ટકા નેકલેસમાં છે. ચાંદીમાં સૌથી વધુ માંગ વૃદ્ધિ દિલ્હી, હૈદ્રાબાદ તથા બેંગ્લોરમાં માલુમ પડી છે. ટાયર-ટુ શહેરોમાં જયપુર, વિજયવાડા તથા કોઈમ્બતુરના નામો છે.
- Advertisement -



