12 મે સુધી સૂકું હવામાન રહેવાની આગાહી: 7 જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, ગરમીથી જનજીવન પ્રભાવિત: રાજકોટમાં 42.9 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સર્જાયેલા વરસાદી માહોલ બાદ હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ હવે સૂર્યદેવતાએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. માવઠાની અસર ઓસરતા જ રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ફરી ચઢ્યો છે અને લોકો ઉકળાટભરી ગરમીથી પરેશાન બન્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. તેમાં રાજકોટ સૌથી વધુ 42.9 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળ્યા હતા.
બીજી તરફ, ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર અને ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાતા કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વરસાદને કારણે તાત્કાલિક ઠંડકનો અહેસાસ થયો હતો, પરંતુ હવે વાદળો વિખેરાતા બફારો અને ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ-દમણ વિસ્તારમાં મુખ્યત્વે સૂકું હવામાન રહેશે. અગાઉ જાહેર કરાયેલી પવન અને વાવાઝોડાની ચેતવણી પણ હવે હટાવી દેવામાં આવી છે. જોકે તાપમાનમાં સતત વધારો થવાને કારણે ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અકળાઈ ઉઠ્યા છે. સુરત, દમણ અને વેરાવળ જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે હોવા છતાં ભેજના કારણે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ગરમી અને ભેજના સંયુક્ત પ્રભાવને કારણે લોકોને વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે.
આજનું મુખ્ય શહેરોનું મહત્તમ તાપમાન
રાજકોટ 42.9 ડિગ્રી
અમરેલી 41.9 ડિગ્રી
સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી
વડોદરા 40.6 ડિગ્રી
અમદાવાદ 40.2 ડિગ્રી
ગાંધીનગર 40.0 ડિગ્રી
ભુજ 39.8 ડિગ્રી
ડીસા 38.8 ડિગ્રી
કેશોદ 38.1 ડિગ્રી
ભાવનગર 37.6 ડિગ્રી
કંડલા પોર્ટ 37.0 ડિગ્રી
દમણ 36.4 ડિગ્રી
સુરત 36.3 ડિગ્રી
મહુવા 35.6 ડિગ્રી
ઓખા 34.8 ડિગ્રી
પોરબંદર 34.8 ડિગ્રી
નલિયા 34.6 ડિગ્રી
દિવ 34.4 ડિગ્રી
વેરાવળ 32.8 ડિગ્રી
દ્વારકા 32.4 ડિગ્રી



