સૌથી વધુ ટાટા મોટર્સની કારનું વેંચાણ થયું
આજે દશેરાના શુભ દિવસે લોકોએ મંદી અને મોંઘવારી ભૂલીને વાહનોની ખરીદી કરી હતી. રાજકોટમાં આજે એક જ દિવસમાં 1500 જેટલાં ફોર-વ્હીલર તથા 1000થી વધુ ટૂ-વ્હીલર વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી. લાંબા સમયથી વાહનો ખરીદવા થયેલા એડવાન્સ બુકિંગ બાદ આજે શુભમુહૂર્તમાં લોકોએ વાહનોની ડિલિવરી લીધી હતી. 5 લાખ રૂપિયાથી લઈ 75 લાખ સુધીની કાર્સનું આજે વેચાણ થયું હતું, જેમાં બે ઓડી અને મર્સિડીઝ જેવી સાત લકઝરી કાર પણ વેચાઈ છે.
- Advertisement -
રાજકોટમાં ઓડી કારના શો-રૂમના જનરલ મેનેજર ઋષિત બાણુએ જણાવ્યું હતું કે, આજે વિજયાદશમીના દિવસે રાજકોટમાં 75 લાખની કિંમતની બે કારની ડિલિવરી કરવામાં આવી છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન 7 કારની ડિલિવરી કરવામાં આવી છે. જ્યારે મર્સિડીઝ શો-રૂમના મધુસુદન રાજાણીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં 5 કારની ડિલિવરી કરવામાં આવી છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુલ 12 ગાડીની ડિલિવરી કરવામાં આવી છે. ટાટા શો-રૂમના સીઈઓ સંદિપ ખરસરીયાએ જણાવ્યું હતું કે, આજે લગભગ 1500 ફોર-વ્હિલરની ડિલિવરી છે. ટાટા મોટર્સની વાત કરીએ તો અમે બન્ને ડિલર ભેગા થઈ એક જ દિવસની અંદર 225થી વધુ ફોર-વ્હિલર આપી છે. આખી નવરાત્રિ દરમિયાન અમે 750થી વધુ ફોર-વ્હિલની ડિલિવરી કરી છે.
આજે દશેરાના પાવન પર્વે શુભ મુહૂર્તમાં લોકો બાઈક લેવા પણ બાઈકના શો-રૂમમાં ઉમટ્યા હતા. આજે ઓટોમોબાઈલ શો-રૂમના માલિકોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં 1000થી વધુ બાઈક વેચાયા હોવાનો અંદાજ છે.