12 જુન 2025ના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્લેન ક્રેશમાં હૃદયસ્થ થયા હતા તેમની સ્મૃતિમાં ફાઉન્ડેશનની રચના કરાઇ
સૌરાષ્ટ્રભરના ખ્યાતનામ નિષ્ણાંત ડોક્ટરો દર્દીઓને આપશે નિઃશુલ્ક સેવા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને આગળ વધારવાના ઉદ્દેશ સાથે રચાયેલ વિજય રૂપાણી મેમોરિયલ દ્વારા રાજકોટમાં સેવા, શિક્ષણ, યુવા સશક્તિકરણ અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ પહેલના પ્રથમ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે તા. 14 જૂન, 2026ના રોજ રાજકોટ ખાતે વિનામૂલ્યે વિશાળ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન રૈયા રોડ સ્થિત ન્યુ એરા સ્કૂલ, હનુમાન મઢી પાસે યોજાનારા આ કેમ્પમાં ગરીબ, પછાત અને જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ, માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. કેમ્પનું આયોજન વિજય રૂપાણી મેમોરિયલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ મેડિકલ કેમ્પમાં ન્યૂરો સર્જરી, યુરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, જનરલ સર્જરી, એમ.ડી. ફિઝિશિયન, કાન-નાક-ગળા, સ્ત્રીરોગ, બાળરોગ, હાડકાના દર્દો તથા ચામડીના રોગો સહિત વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ CBC, ESR, RBS, ક્રિએટિનિન, કોલેસ્ટ્રોલ સહિતની લેબોરેટરી તપાસો તેમજ જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પહોંચાડવાનો, સમયસર રોગોની ઓળખ કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આયોજકો દ્વારા દર્દીઓને જૂના મેડિકલ રિપોર્ટ તથા ચાલુ દવાઓની માહિતી સાથે કેમ્પમાં વહેલા પહોંચવાની અપીલ કરવામાં આવી છે. કેમ્પ સ્થળે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
- Advertisement -
કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે, જ્યારે રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી તથા અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહેશે.
વિજય રૂપાણી મેમોરીયલ ટીમ, પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ, એચ. એન. શુક્લ ગ્રુપ ઓફ કોલેજ, ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ, આર્યવીર હોમીયોપેથીક મેડીકલ કોલેજની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક વિજય રૂપાણી મેમોરીયલના ચેરમેન અંજલીબેન રૂપાણી , ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.તેજસ કરમટા અને સેક્રેટરી ડો.બીરજુ મોરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાશે.
ફાઉન્ડેશનનું વિઝન : દરેક સામાન્ય વ્યક્તિને યોગ્ય તક, તાલીમ અને માર્ગદર્શન દ્વારા આત્મનિર્ભર બનાવવાનું છે
ફાઉન્ડેશનના આગેવાનોના જણાવ્યા મુજબ, 12 જૂન 2025ના રોજ થયેલા વિમાન દુર્ઘટનામાં સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાનથી ગુજરાતે એક લોકપ્રિય અને જનહિત માટે સમર્પિત નેતાને ગુમાવ્યો હતો. તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને તેમના સેવાભાવી વિચારોને સમાજ સુધી પહોંચાડવા માટે આ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના માનવી સુધી વિકાસ, માર્ગદર્શન અને આશાની કિરણ પહોંચાડવાનો છે. ફાઉન્ડેશનનું વિઝન દરેક સામાન્ય વ્યક્તિને યોગ્ય તક, તાલીમ અને માર્ગદર્શન દ્વારા આત્મનિર્ભર બનાવવાનું છે. સંસ્થા માને છે કે પ્રેક્ટિકલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સેવાભાવના માધ્યમથી લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.




