-દુર્ઘટનાસ્થળે બચાવકાર્ય પુરૂ: ઓડીસાના બાલાસોર પાસે ત્રણ ટ્રેનો વચ્ચે ભીષણ દુર્ઘટના: મૃત્યુઆંક 289
ઓડીસામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં બચાવ કાર્ય પુરુ થઈ ગયું છે અને મૃત્યુઆંક 289 થયો છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રેલ્વેમાં સલામતી અંગે એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને બાદમાં શ્રી મોદી સાંજે દુર્ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને હોસ્પીટલમાં ઘાયલોને પણ તેઓ મળશે.
- Advertisement -
ગઈકાલે રાત્રે દુર્ઘટનાની માહિતી મળતા જ તેઓએ રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને તાત્કાલીક બાલાસોર પહોંચી જવા જણાવ્યું હતું. શ્રી વૈષ્ણવ આજે સવારે અહી પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તો બીજી તરફ વડાપ્રધાને સવારે જ રેલવે બોર્ડના અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને ટ્રેન દુર્ઘટના અંગે માહિતી મેળવવા ઉપરાંત રાહત બચાવ કાર્ય તથા સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બાદમાં તેઓ હવે બપોર બાદ દુર્ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
દુર્ઘટના સ્થળ પર એક તરફ મૃતદેહોની કતાર લાગી છે અને હોસ્પીટલમાં પણ હજુ સેંકડો લોકો સારવારમાં છે અને મૃત્યુઆંક વધી શકે છે. તે વચ્ચે રેલવેમંત્રી હવે હોસ્પીટલે પહોંચીને ઘાયલોને સારવાર મળે તથા જરૂર પડે તો તેઓને દિલ્હી કે ભુવનેશ્ર્વરની હોસ્પીટલમાં ખસેડવા માટેની તૈયારી રાખી છે. રેલવે દ્વારા પણ તમામ ટ્રેનોની સુરક્ષા અંગે ફરી એક વખત સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. આ સમગ્ર દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે પણ હજું કોઈ સ્પષ્ટ ચિતાર મળ્યો નથી.