પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો એક હરફ ઉચ્ચારી શકતા નથી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં યુનાન પ્રાંતમાં એક ઐતહાસિક મસ્જિદના ગૂંબજ ચીનની સરકારે મુસ્લિમોના ભારે વિરોધ પછી પણ તોડી પાડ્યા છે.
- Advertisement -
13મી સદીની પ્રાચિન મસ્જિદના ગુંબજ અને મિનાર ચીને તોડયા પછી પણ પાકિસ્તાન સહિતના દુનિયાના તમામ મુસ્લિમ દેશો એક હરફ સુધ્ધા ઉચ્ચારી રહ્યા નથી.
બીજી તરફ ભારતે જ્યારે શ્રીનગરમાં જી-20ની બેઠકનુ આયોજન કર્યુ તો પાકિસ્તાને આખી દુનિયામાં રોકકળ કરી મુકી હતી અને પોતે કાશ્મીરના મુસ્લિમોના હિમાયતી હોવાનો ઢોંગ કર્યો હતો. જોકે ચીનમાં મસ્જિદોની તોડફોડ અને તેની સામે મુસ્લિમ દેશોનુ મૌન એ કોઈ નવી વાત નથી. ચીન છેલ્લા કેટલાક વર્ષોથી મસ્જિદોની પણ ચીનીકરણ કરવામાં આવે છે. ઈસ્લામિક કલ્ચર પ્રમાણે બનેલી મસ્જિદોને ચીન પોતાના સ્થાનિક આર્કિટેક્ચરનુ સ્વરૂપ આપવા માંગે છે.
ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યુટના રિસર્ચ પ્રમાણે શિનિજિયાંગ પ્રાંતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 16000 મસ્જિદોની ચીને તોડફોડ કરી છે. તાજેતરમાં ચીને જે પ્રાચીન મસ્જિદ તોડી છે તે ઐતહાસિક હોવાના કારણે મુસ્લિમો તેને બચાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. જોકે ચીનની કોર્ટે તો 2020માં જ આ મસ્જિદના નિર્માણને ગેરકાયદે ગણાવીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે અમારી ઓળખ ખતમ કરવાના પ્રયત્નો તો વર્ષોથી થઈ રહ્યા છે અને તેમાં આ મસ્જિદની તોડફોડ આખરી પ્રકરણ સમાન છે.
ચીનમાં ઉઈગર મુસ્લિમો પરના અત્યાચારના કારણે તો ચીન આખી દુનિયામાં વગુવાયેલુ છે જ. જેમાં મુસ્લિમોને રાખવા માટે અને તેમને સુધારવાના નામે ડિટેન્શન સેન્ટરો બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
વર્ષ 2018માં હલાલ મીટ સામે ચીનમાં એક અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ અને તેમાં પણ મુસ્લિમોને હલાલ સીવાયનુ મીટ ખાવા માટે કહેવામાં આવ્યુ હતુ.
જોકે ચીનમાં મુસ્લિમોના અત્યાચાર સામે પાકિસ્તાનની બોલતી બંધ છે. કારણકે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચો પર ચીન જ બચાવતુ આવ્યુ છે. પાકિસ્તાને ચીન પાસેથી 30 અબજ ડોલરની અલગ અલગ લોનો લઈ રાખી છે. એટલે પોતાને મુસ્લિમોના હિમાયતી ગણાવતા પાકિસ્તાનની જીભને ચીનની વાત આવે તો લકવો મારી જાય છે.