લગ્નની ખરીદી માટે રાજકોટ આવતા ગ્રાહકોને હેરાન કરતા હોવાથી વેપારીઓમાં આક્રોશ

રાજકોટમાં આચારસંહિતાની આડમાં વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહયા છે. એક બાજુ લગ્નસરાની સીઝન છે તો બીજી બાજુ આસપાસના ગામડાઓમાંથી લગ્નની ખરીદી માટે રાજકોટ આવતા ગ્રાહકોને પોલીસ યેનકેન પ્રકારે પરેશાન કરતી હોય સોની બજારમાં વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. પોલીસ તંત્ર સોની વેપારીઓને ખોટી રીતે કનડવાનું બંધ કરે એવી સામાજિક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુ જુંજાએ માંગણી કરી છે.

સોની વેપારીને થતી કનડગત બાબતે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. અગાઉ ઘણા વેપારીઓ પોલીસની હપ્તાખોરીનો ભોગ બની ચુકયા છે અને આ બાબતે રાજકોટ પોલીસ પણ બદનામ થઇ ચુકી છે. ત્યારે પોલીસ તંત્ર આચારસંહિતાની આડમાં વેપારીઓને હેરાન પરેશાન કરવાનું બંધ કરે એવી માંગણી છે. અત્યારે જોઇએ તો તંત્રની કામગીરી ખાળે કુચા અને દરવાજા મોકળા’ જેવી છે. ખાસ કરીને પોલીસ તંત્રએ રાજકોટ શહેરના ચારેય નાકાઓમાંથી ગેરકાયદે રકમની હેરાફેરી ન થાય તે જોવાની જરૂર છે. શહેરમાં નાની મોટી ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વેપારીઓને આંતરીને પરેશાન કરવાની જરૂર નથી. રાજકોટ સોની બજારમાં વેપારીઓને લગ્નની સિઝનમાં જ સોના-ચાંદીના દાગીનાની ખરીદી નીકળતી હોય છે. એવા ટાંકણે જ પોલીસ તંત્ર દ્વારા હેરાન પરેશાની થતી હોય વેપારીઓમાં ભારોભાર નારાજગી વ્યાપી છે.