બુટલેગરો બેફામ, દરોડા પહેલા નાશી છૂટ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં વિજફાડીયા નેશ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂની ચાલતી ભઠ્ઠીઓ પર દરોડા પાડી બે ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો છે. પોલિસે કુલ રૂ. 92,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જો કે બુટલેગરો સ્થાનેથી પલાયન કરવામાં સફળ રહ્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન. તળવીયા અને પીએસઆઈ આર.વી.મોરી સહિતના સ્ટાફ દ્વારા વિજફાડીયા નેશ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પહેલા દરોડા દરમિયાન ચના હરદાસ કટારાની ભઠ્ઠીમાંથી દેશી દારૂનો 1200 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 35,950 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે બીજી ભઠ્ઠી લખમણ નારણ કોડીયાતર દ્વારા ચલાવવામાં આવી રહી હતી, જ્યાંથી 600 લિટર આથો, 180 લિટર તૈયાર દેશી દારૂ અને સાધનો મળી કુલ રૂ. 56,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો. બંને સ્થળોએ બુટલેગરો હાજર નહોતાં અને દરોડાની ખબરમાં તેઓ નાશી છૂટ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ચના હરદાસ કટારા અને લખમણ નારણ કોડીયાતર સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.