વેપાર-ઉદ્યોગને મોટી રાહત આપવા તૈયારી: જુન માસથી અમલની સંભાવના: ક્રેડીટ લેજરમાં માહિતી દેખાશે
ખાસ-ખબર સંવાદદાતા
વેપાર-ઉદ્યોગકારો માટે ટેકસ સિસ્ટમ સરળ બનાવવા તથા ઈઝ ઓફ ડુઈંગ પોલીસીના ભાગરૂપે કેન્દ્ર સરકાર વધુ એક મહત્વની રાહત આપવાની તૈયારીમાં છે. જે અંતર્ગત ઈનપુટ ટેકસ ક્રેડીટના નાણામાંથી જ જીએસટી ચુકવી શકશે તૂર્તમાં આ નિર્ણય જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે એક મહિનાની ઈનપૂટ ટેકસ ક્રેડીટને બીજા મહિનાના જીએસટીના ચુકવણામાં એડજસ્ટ કરી શકાય તે માટેની જોગવાઈ કરવામાં આવશે અને વેપાર-ઉદ્યોગકારો તેનો લાભ લઈ શકે તે માટે તુર્તમાં સમન્વય લેજરની સુવિધા શરૂ કરવામાં આવશે આ સુવિધા બાદ હજારો વેપારીઓને વેપારીઓને જીએસટીમાં મોટી રાહત મળવાની સંભાવના છે. સુત્રોએ ઉમેર્યું કે આ સુવિધા આગામી જુન મહિનાથી શરૂ કરવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. આ સુવિધા અંતર્ગત વેપાર-ઉદ્યોગ કરદાતાઓને ક્રેડીટ લેજરમાં લેણી ઈનપુટ ટેકસ ક્રેડીટની માહીતી જોવા મળશે અને તેના આધારે જીએસટી ચુકવણી કરી શકશે. અત્યાર સુધી ઈનપુટ ટેકસ ક્રેડીટ મારફત બાકી કે નવો જીએસટી ચુકવવાની સવલત નથી. દેશમાં જીએસટી લાગુ થયાના પાંચ વર્ષે પણ સરકાર દ્વારા વખતો વખત બદલાવ કરવામાં આવી રહ્યો છે. વેપાર ઉદ્યોગકારોની વાસ્તવિક મુશ્કેલીઓ હલ કરવાનો ઉદેશ છે. જીએસટી પેટે રિફંડરૂપે ઈનપુટ ટેકસ ક્રેડીટ મળે છે પરંતુ તે કઢાવવામાં અનેક વખત કરદાતાઓને આંખે અંધારા આવી જાય છે. ઘણા કિસ્સામાં મોડી મળે છે અને સામે દર મહિને ટેકસની રકમ ચુકવવી જ પડે છે વેપાર ઉદ્યોગકારોની મૂડી બ્લોક થાય છે અને ધંધાને મોટો માર પડે છે.ઈનપુટ ટેકસ ક્રેડીટ સામે નવા મહિનાનાં જીસટીની રકમ સરભર કરી દેવા માટેની છુટ આપવા લાંબા વખતથી માંગ થઈ રહી હતી. કેન્દ્ર સરકાર આ દિશામાં વિચારણા કરતી હતી અને હવે નિર્ણય લેવાઈ ગયાના નિર્દેશ છે આગામી જુન મહિનાથી આ સુવિધા શરૂ થઈ શકે છે.
જમા ઈનપૂટ ટેકસ ક્રેડીટમાંથી જીએસટીની ચુકવણી થઈ શકશે
