મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી યાત્રામાં જોડાયા

ખાસ-ખબર સંવાદદાતા
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 2 કિ.મી.લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. બે કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. નોધનીય છે કે, મુખ્યમંત્રી પટેલ અને સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી યાત્રામાં જોડાયા અને કિસાનપરા તરફ વળી ગયા હતા જયારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પગપાળા યાત્રામાં જોડાયા હતા.


આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમૃતકાળમાં પ્રવેશી રહેલા દેશવાસીઓ માટે તિરંગા યાત્રા દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્થિતોને પ્રેરક આહવાન કર્યું હતું. કોઇપણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ સગૌરવ જણાવતાં મુખ્યમંત્રીએ તિરંગા યાત્રામાં સામેલ થનાર તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનું રાષ્ટ્રીય ધ્વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં “આઝાદીકા અમૃત મહોત્સવ”ની પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. જયારે મેયર પ્રદીપ ડવએ યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 2 કિ.મી. લાંબી તિરંગા યાત્રા યોજાઈ

પોલીસ જવાનોએ દેશના ઝંડા સાથે બાઈકમાં યાત્રામાં જોડાયા

રાજકોટ ક્રાઈમ બ્રાંચનો નવો લોગો ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોન્ચ

200 ફૂટ તિરંગાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું

સર્વત્ર ભારતમાતા કી જયનો જયઘોષ
તિરંગા યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સર્વત્ર ભારત માતા કી જયના નારાની ગુંજ ઉઠી હતી. ટ્રાફીક વ્યવસ્થાથી માંડીને અન્ય કોઇ તકલીફ ન સર્જાય તે માટે અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોએ પણ સાથે મળીને અભૂતપૂર્વ રાષ્ટ્રીય ભાવનાના દર્શન કરાવ્યા હતાં.

વિવિધ સંગઠનો પણ યાત્રામાં જોડાયા
યાત્રામાં મહાનગરપાલિકાના અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો.