પાક ઉત્પાદનમાં જમીન, જમીનની માવજત, જમીન ચકાસણી અને તેના આધારિત ખાતરોનો ઉપયોગ પાક ઉત્પાદન વધારવા માટે ખૂબ જરૂરી છે. આ અંગે ખેડૂતોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે પાટણ તાલુકાના હાંસાપુર ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી.
જમીનના ગુણધર્મના આધારે રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ થાય અને સેન્દ્રીય ખાતરોનો તથા જૈવિક ખાતરોનો ઉપયોગ વધે તે હેતુથી સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત હાંસાપુર ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી. કૃષિ નિષ્ણાંતશ્રી હેમુજી રાજપુતે વિવિધ પાકોની ખેત પદ્ધતિમાં ઓછા ખર્ચે કઈ રીતે વધુ નફો મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રોગ અને જીવાતમાં જૈવિક નિયંત્રણની માહિતી આપી નફાકારક ખેતી કરવા આહ્વાન કર્યું હતું.
આ શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, હવે પિયતની વ્યવસ્થા વધી છે, વધુ ઉત્પાદન આપતી જાતોનું સંશોધન થયું છે. અને ખેડૂતો તેનો ઉપયોગ કરતા થયા છે .ત્યારે ખેતી નફાકારક બનાવવા ખેતી ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતરનો જમીન ચકાસણી આધારિત ઉપયોગ કરવો જોઈએ. આ તબક્કે ખેતીવાડી વિભાગમાં ચાલતી વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીની યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ખેડૂત શિબિરમાં હાંસાપુર અને માંડોત્રી સહિત આસપાસના ગામના ખેડૂતો ઉપસ્થિત રહી જમીનનો નમૂનો લેવાની પદ્ધતિથી અવગત થયા હતા.
જેઠી નિલેષ પાટણ.


