સિધ્ધપુરના વ્હોરા સમાજના મકાનો વિશ્ર્વ પ્રખ્યાત છે, આ મકાનોની બારીક નકશી અને બેજોડ કારીગરી જોવા દુનિયાભર માંથી લોકો સિધ્ધપુર આવે છે. જિલ્લા અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ આ મકાનો જોવા આવે છે.

આજે આ સિલસિલો આગળ વધારતાં પાટણ જિલ્લાના નવનિયુકત કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી સિધ્ધપુરના મહેમાન બન્યા હતા અને મોટા ઈસ્લામપુરા સ્થિત વાઘશેઠના સુપ્રસિધ્ધ મકાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સિધ્ધપુર પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગુલી તથા અન્ય એક અધિકારી તેમના ધર્મપત્નિ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વ્હોરા સમાજના અગ્રણી અને આ મકાનની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલા જનાબ યુસુફભાઈ ઘીવાલા અને અગ્રણી વેપારી સબ્બીરભાઈ મીઠાઈવાલાએ તમામને આવકારીને પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યુ હતુ. અધિકારીઓ મકાનની અલભ્ય બારીક નકશી અને બેનમૂન કાષ્ટ કારીગરીને જોઈને અચંબિત થયા હતા અને વ્હોરવાડના સ્થાપત્યના ખૂબજ વખાણ કર્યા હતા. અધિકારીઓએ વાઘશેઠના મકાનમાં તસ્વીરો લઈને મુલાકાતને યાદગાર બનાવી હતી.

સિધ્ધપુરની આ વિરાસતને બિલ્ડરો અને અસમાજિક તત્વોના હાથે તૂટતી લૂંટાતી બચાવવા જિલ્લા કલેકટર અને નગરપાલીકા સહિતનું તંત્ર સખત પગલાં લે તેમજ સરકારમાં આ વિસ્તાર અને ખાસ પસંદગીના મકાનોને હેરીટેજ જાહેર કરાવે તો સિધ્ધપુર ટુરીજમ ના નકશા ઉપર જળવાઈ રહેશે અન્યથા ભવિષ્યમાં આ મકાનોના ફોટા જ જોવાનું નસીબ થશે અને આવનારી પેઢીઓ ધિકકારશે તે નકકી.

જેઠી નિલેશ પાટણ