જિલ્લામાં બાયોડીઝલના ખરીદ-વેચાણ અંગે કોઇ ગેરરીતિ ધ્યાને આવે તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામે તા.૦૫/૧૧/૨૦૨૦ના રાત્રીના ૦૨.૦૦ કલાકે જે.કે.હોટલની પાછળ જય અંબે ટ્રેડર્સ પેઢી દવારા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયુ હતુ. જિલ્લા પુરવઠા અઘિકારી શ્રી ભુમિકા વાટલિયાને આ બાબતે બાતમી મળતા તેઓએ શ્રી રાજેશ પટેલ, પુરવઠા નિરીક્ષક તથા શ્રી હરપાલસિંહ ખેર, ક્લાર્કની સાથે ઉકત સ્થળે દરોડા પાડેલ. સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૧૩,૫૦૦ લીટરનો જથ્થો તેમજ લોખંડના કુલ ૩ (ત્રણ) ટાંકા તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.૧૦,૬૫,૦૦૦/- કિંમતનો જથ્થો સરકારશ્રી વતી સીઝ કરવામાં આવેલ.સીઝ કરેલ જથ્થા પૈકી લોખંડના ટાંકાઓની તપાસ હાથ ધરવામાં આવશે તેમજ બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીક શ્રી ચૈાહાણ હુકમસિંહ જાલમસિંહ વિરુદ્ધ મહેસુલી કલેકટરશ્રી, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.