વેપારી પાસેથી લેવાયેલી રકમ પરત ન કરવી ભારે પડી, નિર્ધારીત સમયમાં વળતર ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની સજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે બનેલા ચેક રિટર્ન કેસમાં રાજકોટની અદાલતે નોંધપાત્ર અને સીમાચિન્હરૂપ ચુકાદો આપતા આ પ્રકારના આર્થિક ગુનાઓ સામે કડક સંદેશ આપ્યો છે. અદાલતે દેવ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા આરોપી રતાભાઈ ખોડાભાઈ રાતડીયાને એક વર્ષની સજા ફરમાવી છે. સાથે જ આરોપીને ફરીયાદીને રૂા. 2,00,000/- વળતર તરીકે 30 દિવસની અંદર ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ રકમ નિર્ધારિત સમયગાળામાં ચૂકવવામાં નિષ્ફળ જાય, તો આરોપીને વધારાની ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે.
કેસની હકીકત મુજબ, ઉકરડા ગામે સ્થિત કનકાઈ પાઈપ્સ એન્ડ ફીટીંગ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર અને રાજકોટ નિવાસી મહેન્દ્રભાઈ કાંતિભાઈ તળપદાએ આરોપી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. ફરીયાદ અનુસાર, નેપાળના કાઠમંડુમાં આવેલી કે.જી. ઈન્ટરનેશનલ પ્રા.લી. તરફથી માલનો ઓર્ડર મળતા તે માલ દેવ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ માટે માલ લોડ કરી એલ.આર. (લારી રસીદ) જનરેટ કરવામાં આવી અને ટ્રક રવાના કરવામાં આવ્યો હતો. માલ સુરક્ષિત રીતે સ્થળ પહોંચી ગયા બાદ ટ્રાન્સપોર્ટ ભાડાની રકમ કંપની દ્વારા સીધી બેંકમાં જમા કરવામાં આવશે એવી માહિતી આરોપીને આપવામાં આવી હતી. જો કે, આ ભાડાની રકમ સમયસર ન મળતા આરોપીએ ફરીયાદી પાસે તાત્કાલિક જરૂરિયાત દર્શાવી રૂા. 2,00,000/-ની રકમ લીધી હતી. આરોપીએ વિશ્વાસ આપ્યો હતો કે ભાડું મળ્યા બાદ તે રકમ તરત પરત કરી દેશે. પરંતુ, ભાડું મળ્યા પછી પણ આરોપીએ રકમ પરત ન કરતાં ફરીયાદીએ વારંવાર માંગણી કરી હતી. અંતે આરોપીએ પોતાના બેંક ખાતામાંથી ચેક ઈસ્યુ કરી આપ્યો અને ખાતરી આપી કે ચેક રજૂ કરતાં તે માન્ય થશે. છતાં, જ્યારે ફરીયાદીએ ચેક બેંકમાં જમા કર્યો ત્યારે તે અપુરતા નાણાંના કારણે બાઉન્સ થયો હતો. આ અંગે આરોપીને જાણ કરવામાં આવી અને કાયદેસર નોટીસ પાઠવવામાં આવી હોવા છતાં પણ ચુકવણી કરવામાં આવી નહોતી, જેના કારણે ફરીયાદીએ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
કોર્ટમાં કેસ ચાલી રહ્યો ત્યારે આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરીયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નથી અને આરોપીને નિર્દોષ ઠેરવવો જોઈએ. બીજી તરફ ફરીયાદી પક્ષના વકીલ સુરેશ ફળદુ અને તેમની ટીમે દલીલ કરી હતી કે ચેક કાયદેસર દેવાની ચુકવણી માટે આપવામાં આવ્યો હતો, તેમજ ચેક અને સહી અંગે કોઈ વિવાદ નથી. તેમણે દસ્તાવેજી અને મૌખિક પુરાવા દ્વારા પોતાનો કેસ મજબૂત રીતે રજૂ કર્યો હતો. અદાલતે નોંધ્યું કે ફરીયાદી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓ સચોટ અને વિશ્વસનીય છે, જ્યારે આરોપી પક્ષ તે પુરાવાનું ખંડન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ચેક આપવાની હકીકત, સહીનો સ્વીકાર અને ચુકવણી ન થવી. આ તમામ મુદ્દાઓ ફરીયાદી પક્ષના દાવાને સમર્થન આપે છે. વધુમાં, ચેક રીટર્ન થયા બાદ તથા કાયદેસર નોટીસ આપવામાં આવ્યા પછી પણ આરોપીએ રકમ ચૂકવવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી.
અદાલતે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા નિષ્કર્ષ આપ્યો કે ફરીયાદીએ એન.આઈ. એક્ટ હેઠળના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કર્યા છે. આરોપી પક્ષે વિશ્વસનીય વિરોધી પુરાવો રજૂ ન કરતા ફરીયાદીનો કેસ શંકાથી પર સાબિત થયો છે. તેથી, અદાલતે આરોપીને દોષિત ઠેરવી સજા તથા વળતરનો આદેશ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી તરફથી જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટિયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરિયા, ભાવીન ખુંટ અને સાહિલ કંટારિયા સહિતની કાનૂની ટીમે દલીલો રજૂ કરી હતી, જ્યારે સહાયક તરીકે નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ જોડાયા હતા.



