હું તેની સાથે રાત્રે વિડીયો કોલમાં વાત કરતા ગભરાતી હતી

તે બંનેને મેં રૂમમાં નિર્વસ્ત્ર જોયા : તેના આવા વર્તનથી મને બીક લાગવા લાગી હતી.

  • મેધા પંડ્યા ભટ્ટ

હેતલ સાથે પહેલી મુલાકાત ટીંડર પર થઇ. તે ફ્રેન્ડશીપ માટે કોઇ ખાસ યુવકની શોધમાં હતી. હું તે સમયે ટીંડર પર છોકરો બનીને વાત કરતી હતી. તેની સાથે ત્રણેક દિવસ ચેટ કર્યા પછી અમે બંનેએ નંબર શેર કર્યા. તેનો મને તરત ફોન આવ્યો અને પૂછ્યું કે હું શા માટે તેની સાથે યુવક બનીને વાત કરી રહી હતી. મેં મારા રીસર્ચ અને સ્ટોરી વિશે તેની સાથે વાત કરી. તેને રસ પડ્યો અને તેણે મને જણાવ્યું કે તે અલગ અલગ ત્રણ ડેટીંગ એપ પર છે. તેણે મને બીજે દિવસે ફોન કરવા કહ્યો અને તેના કહેલા સમય મુજબ મેં તેની સાથે ફોન પર વાત કરી.

લગભગ ત્રણ કલાક ફોન પર વાતચિત થઇ અને ત્યારબાદ હેતલે મને કેટલાક ફોટા, વિડીયો અને સ્ક્રીનશોટ મોકલ્યા. તે જોઇને મને તેની સાથે થયેલી વાતો સાચી લાગી અને તેના પર વિશ્વાસ આવ્યો. હેતલ સાથે થયેલી ટેલિફોનિક વાતચિતને રજૂ કરું છું.

મેધા, હું ડેટીંગ એપ્સનો આઠ મહિનાથી ઉપયોગ કરું છું. હું અહીં સાચો મિત્ર કે જે આગળ જતા મારો પ્રેમી બની શકે તેવું ઇચ્છું છું. જોકે અત્યાર સુધી ત્રણેક છોકરાને મળી છું પણ મને કોઇ સારો અનુભવ થયો નથી. અહીં મોટાભાગના લોકો ફક્ત શારીરિક સંબંધની આશાએ જ હોય છે અને કેટલાક જ મિત્રની શોધમાં આ એપ પર હોય છે. પણ પાછળથી તેમની સંબંધ બાંધવાની ઇચ્છાવૃત્તિ જાગૃત થઇ જતી જોવા મળે છે. તેમ છતાંય ખાલી ચેટીંગ માટે હવે આ એપ્સનો ઉપયોગ કરું છું. તમને મારા અનુભવો વિશે કહું તો મીટ મી એપ પર મારે રાહુલ નામના બરોડાના જ છોકરા સાથે વાત થઇ. અમે બંને નંબર શેર કરીને વોટ્સઅપમાં પણ વાતચિત કરતા હતા. મુલાકાત માટે સમય પણ નક્કી કર્યો અને એક દિવસ સાંજે અમે ભેગા થયા. કારેલીબાગ વિસ્તાર નજીક એક સ્થળે ગાડી પાર્ક કરીને ઘણી વાતો કરી. તે ખૂબ સ્પષ્ટ હતો, તેથી તેણે મને પહેલી મુલાકાતમાં જ કહ્યું કે તેને ફક્ત શરીર સંબંધ બાંધવામાં જ રસ છે, તેથી તે આ એપ પર છે. મને તેની નિખાલસતા ગમી અને મેં પણ તેને સ્પષ્ટ જ કહ્યું કે મને તો સારો મિત્ર જોઇએ છે, જે આગળ જતા પ્રેમી બની જાય તો મને વાંધો નથી. તેણે મારી આ વાતને સ્વીકારી અને મને કહ્યું કે હું તેનો મિત્ર તરીકે સ્વીકાર કરું.

મને તે સ્વભાવે અને તેની નિખાલસતાને કારણે ગમ્યો જ હતો તેથી મેં પણ હા કહી. અમારી મિત્રતાની શરૂઆત થઇ. દિવસમાં તે મને પાંચ થી સાતવાર ફોન કરતો હતો. મને તેની સાથે વાતો કરવાની મજા આવતી હતી. અમે ક્યારેક મળતા હતા. મોટાભાગે સાંજના સમયે જ મળવાનું થતું. તે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેની પાસે વેગેનાર ગાડી હતી. તેણે મને થોડા સમય પછી એકવાર પૂછ્યું કે હું હજીપણ ડેટીંગ એપ પર છું કે નહીં. જોકે તેના મળ્યા પછી મેં ક્યારેય તે એપનો ઉપયોગ કર્યો નહોતો, તેથી મેં તેને ના પાડી. તેણે મને મારા મોબાઇલમાં એપ છે કે નહીં તે બતાવવા કહ્યું. મેં ડીલીટ નહોતી કરી એટલે તેને બતાવી. ખબર નહીં પણ તે દિવસે તે મારાથી નારાજ થઇ ગયો અને પછી ત્રણ ચાર દિવસ સુધી મારી સાથે વાત કરી નહીં. મેં તેને ફોન અને મેસેજ કર્યા પણ તેનો તેણે કોઇપણ રીપ્લાય આપ્યો નહીં. મને ગુસ્સો ખૂબ આવતો હતો પણ મારે વધારે કંઇ રીએક્શન આપવું નહોતું, તેથી હું શાંતિથી તેના ફોન અને મેસેજની રાહ જોઇને બેસી રહી હતી.

પાંચમાં દિવસે તેણે મને મળવા માટેનો મેસેજ કર્યો. રાત્રે ડિનર કરવાની વાત નક્કી થઇ. મને મળવામાં કોઇ વાંધો નહોતો તેથી હું તેણે કહેલી રેસ્ટોરામાં સમય મુજબ પહોંચી ગઇ. તે તેના એક મિત્ર સાથે મારી રાહ જોતો હતો. તેના મિત્ર સાથે ઓળખાણ કરાવીને તેણે તેનું નામ મને દિવ્યાંગ કહ્યું. મને એક વાત નહોતી સમજાતી કે તે આ મિત્રને લઇને શું કામ આવ્યો હશે. ડિનર કરતી વખતે અચાનક રાહુલનો ફોન આવ્યો અને તે ઊભો થઇને દૂર વાત કરવા જતો રહ્યો. તે વખતે દિવ્યાંગે મને કહ્યું કે રાહુલ મને પ્રેમ કરવા લાગ્યો છે. પણ તે કહી નથી શકતો અને ઉદાસ રહેવા લાગ્યો છે. તને કઇ રીતે પ્રપોઝ કરવું તે સમજી નથી શકતો, તેથી મૂંઝાયા કરે છે. તેથી તું જ એને સામેથી પ્રપોઝ કરી દે. મને દિવ્યાંગની વાત થોડી અટપટી લાગી. કારણકે રાહુલ સાથે વાત કરતી વખતે મને તે જેટલો સ્પષ્ટ વ્યક્તિ લાગ્યો હતો તેના પરથી તે પોતાના મનની વાત ન કરી શકે તે વાત માનવી મારા માટે શક્ય નહોતું.

મને થયું કે હું પછી રાહુલને પૂછી લઇશ કે આટલા દિવસ નારાજ રહેવાનું કારણ શું હતું. મારે કોઇ પહેલી મુલાકાતમાં તેની સાથે આવેલા તેના મિત્ર પર વિશ્વાસ કરવો જોઇએ તેવું મને યોગ્ય લાગ્યું નહીં. જોકે તે રાત્રે તે બંનેએ મને ઘરે મૂક્યા પછી ફરી બે દિવસ સુધી રાહુલ કોઇ સંપર્કમાં રહ્યો નહીં. મને તેનું આ વર્તન સમજાયું નહીં. ત્રીજે દિવસે દિવ્યાંગનો મને ફોન આવ્યો કે રાહુલને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને તે મને મળવા માંગે છે. હું તેને મળવા ગઇ. રાહુલની સાથે દિવ્યાંગ હતો પણ અન્ય કોઇ તેની ઘરની વ્યક્તિ દેખાતી નહોતી. રાહુલને મેં પૂછ્યું કે શું થયું, તો તેણે મને કહ્યું કે, તારી સાથે પ્રેમ થઇ ગયો છે. અચાનક તે ઊભો થયો અને મને ચાદરની પાછળ સંતાડેલો રોઝ ફ્લાવરનો ગુલદસ્તો આપીને પગ પર બેસીને પ્રપોઝ કર્યું. મારા માટે તો આ ફિલ્મી સીન જેવું હતું. મેં તેની પાસેથી ગુલદસ્તો લઇ લીધો અને તરત જ તે ઊભો થઇને મને ભેંટી પડ્યો. મેં દિવ્યાંગ તરફ જોયું તો તેણે મને આંખ મારીને ઇશારો કર્યો. હું તેનું આ વર્તન સમજી ન શકી. મને પછીથી ખબર પડી કે તે હોસ્પિટલ દિવ્યાંગના પિતાની છે. તેથી તેમણે મને અહીં બોલાવવા આ નાટક કર્યું હતું. જોકે પછી હું અને રાહુલ ફરીથી પહેલાની જેમ સંપર્કમાં રહેવા લાગ્યા પણ હવે અમે મિત્રો નહીં પણ પ્રેમી હતા.

એક દિવસ રાત્રે હું અને રાહુલ ગાડીમાં બેઠા હતા, તો તેણે મને અચાનક જ હોઠ પર કીસ કરી અને થોડા સમય સુધી મને જકડી રાખી. અચાનક થયેલી આ હરકત મને ગમી પણ પબ્લિક પ્લેસમાં મને થોડું અજુગતુ લાગ્યું. તેણે મને તે રાત્રે થોડા વધારે ઉત્તેજક ફોટા અને વિડીયો મોકલ્યા. મેં તેને કહ્યું કે આ મને પસંદ નથી. તો તેણે ફોન કરીને મને કહ્યું કે, પ્રેમમાં તો શરીરસુખ જ પરમસુખ આપે છે. એકબીજાને વધારે નજીક લાવે છે અને હંમેશા માટે જોડેલા રાખે છે. જેને પ્રેમ કરતા હો, તેની સાથે શરીરસુખ માણવું ખરાબ નથી. તેને તો ભોગવવાનું અને ચાહવાનું હોય. તે મને રોજ આવી જ વાતો કરીને તેની સાથે શરીરસંબંધ બાંધવા ઉત્તેજીત કરતો હતો. અમે થોડો સમય પણ તેની ગાડીમાં મળીએ તો તે મારી છાતી પર કે પીઠ પાછળ સતત હાથ ફેરવવાનો આગ્રહ રાખતો. મને થોડું અજુગતુ લાગતું પણ પ્રેમીની વાતને નકારવી કેમ તેવું માની હું તેને કીસ કરવા તેમજ થોડીઘણી શારીરીક છેડછાડની છૂટછાટ આપવા લાગી. જેમ જેમ હું છૂટ આપતી ગઇ તેમ તે હવે વિડીયો અને ફોટાની જગ્યાએ પોતાના પ્રાઇવેટ ભાગના ફોટા મને મોકલતો. ઘણીવાર તે ઉત્તેજીત થઇને માસ્ટરબેટ (હસ્તમૈથુન) કરતા તેના વિડીયો બનાવીને મોકલતો અને તેને શાંતિ થાય ત્યાં સુધીના તે વિડીયો બનાવતો. તે મને વિડીયોમાં આ પ્રકારની હરકતો કરતો અને મને પણ કરવાનું કહેતો, જેની હું હંમેશા ના પાડતી હતી. મને હવે તેના ફઓન આવે તો ડર લાગવા લાગ્યો હતો. ઘણીવાર મને તેના નોર્મલ અને પછી ઉત્તેજીત થયેલા શિશ્નના ફોટા મોકલતો. તે મને પરમસુખ આપી શકે તેમ છે, તેવું વારંવાર કહેતો. હું તેનાથી થોડી પ્રભાવિત થઇ અને એકવાર વિચાર્યું કે તેની સાથે આ આનંદ જરૂર માણુ. હું રાહુલ સાથે હતી તે વખતે મેં ક્યારેય કોઇની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. તેથી મારા માટે તે મારો પહેલો અનુભવ બની રહે તેવું હતું.

રાહુલ મને ઘણીવાર કહેતો કે શનિવારે અને રવિવારે તેના ઘરે તે એકલો જ હોય છે. તો હું તેની સાથે રહી શકું પણ હું ક્યારેય તેના ઘરે ગઇ નહોતી. તેને સરપ્રાઇઝ પસંદ હતી. તેથી મને થયું કે શનિવારે અચાનક જ તેના ઘરે બપોરથી જાઉઁ અને સાંજ સુધી અમે બંને પરમસુખનો આનંદ માણીશું. હું તેના ઘરે પહોંચી. તેના ઘરના નોકરે દરવાજો ખોલ્યો અને મને કહ્યું કે રાહુલ તેના રૂમમાં છે. કોઇ મિત્ર આવ્યો છે, તેની સાથે છે. તેમણે મને રૂમ ક્યાં છે, તે હાથના ઇશારાથી જણાવ્યું. મને થયું કે તેનો તો એક જ મિત્ર દિવ્યાંગ છે. તો હું તેના રૂમ તરફ ગઇ. રૂમનું બારણું અચાનક જ મેં ધક્કો મારીને ખોલી નાખ્યું તો સામે રાહુલ અને દિવ્યાંગ બંને નિર્વસ્ત્ર હતા. તે બંને એકબીજા સાથે સંબંધ બાંધી રહ્યા હતા. મને જોઇને અચાનક બંને ડઘાઇ ગયા. હું તો ત્યાં સ્થિર બનીને ઊભી રહી. તે બંનેએ કપડાં પહેર્યા અને રાહુલ રૂમની બહાર નીકળીને જતો રહ્યો. દિવ્યાંગ ત્યાં જ હતો. તેણે મને કહ્યું કે, હેતલ પ્લીઝ શાંત રહેજે અને મને સાંભળજે. મગજ શૂન્ય થઇ ગયું હતું તેમાં એની વાત ક્યાં સાંભળવી. દિવ્યાંગે કહ્યું કે હું અને રાહુલ બે વર્ષથી સાથે છીએ. હવે તેના માતા-પિતા તેને લગ્ન કરવાનું કહે છે, તેથી તે કોઇ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા સક્ષમ છે કે નહીં તે જોવા માટે તારી સાથે તે પ્રેમ સંબંધમાં બંધાયો હતો. તેને તું પણ ગમે છે અને મને રાહુલ ગમે છે. રાહુલ પુરુષ અને સ્ત્રી બંને સાથે ખુશ રહી શકે છે, પણ હું રહી શકતો નથી. તેથી હું વારંવાર તેને મળવા આવું છું. તું જો અમારા સંબંધને સ્વીકારી લેતી હો તો રાહુલ તારી સાથે લગ્ન કરશે. હું તો સાવ ચૂપ રહીને બધુ સાંભળતી રહી અને પછી ત્યાંથી જતી રહી. મેં રાહુલને ભવિષ્યમાં ન મળવાનો મેસેજ કરીને તેને બ્લોક કરી દીધો. તે પછી હું ફરી તેને ક્યારેય મળી નથી.

મારો બીજો અનુભવ નોર્મલ રહ્યો છે. હું અખિલેશ કરીને એક યુવકને ટીંડર પર મળી અને પછી તેની સાથે હરવા ફરવાનું અને ડેટ પર જવાનું રેગ્યુલર ચાલી રહ્યું છે. તેની સાથે હું શારીરિક સંબંધ બાંધી ચૂકી છું. હવે પ્રેમી જ હોવો જોઇએ, તેવો આગ્રહ રહ્યો નથી. અખિલેશ પણ બિન્દાસ છે, તેને મેં રાહુલની વાત કરી હતી અને તેણે મને આ બધામાંથી બહાર કાઢીને જીવનને પોતાના જ આનંદ માટે કેમ જીવવું તે શીખવ્યું છે. તેણે મને તેની સાથે સંબંધ બાંધવા કોઇ ફોર્સ કર્યો નહોતો પણ એ ઘટના અચાનક જ બની હતી. હાલમાં અખિલેશ સિવાય અન્ય એક ભાવેશ કરીને યુવક સાથે પણ વાત કરું છું પણ તે ફક્ત મિત્ર તરીકે જ છે. અખિલેશ સિવાય કોઇ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવામાં હાલ પૂરતો તો મને કોઇ રસ નથી. હું માનું છું ત્યાં સુધી જો એક સમયે એક વ્યક્તિ સાથે જ સંબંધમાં રહીયે તો વધારે સરળ રહે છે. જીવનની એક વાસ્તવિકતા સમજાઇ ગઇ કે પ્રેમ જેવું કશું જ હોતું નથી અને પ્રેમના નામે લોકો ફક્તને ફક્ત શરીરને જ પામવાનું પ્રયોજન કરતા હોય છે.

સમજવા જેવું –

હેતલને જે અનુભવ થયો તેવું અનેક યુવકો અને યુવતીઓ સાથે બનતું હોય છે. જોકે યુવકો માટે હોમોસેક્સ્યુઅલ કે બાઇસેક્સ્યુઅલ હોવું તે હવે સામાન્ય વાત ગણવામાં આવે છે. પણ હજી સમાજ તેને સ્વીકારી શકતો નથી અને તેવી વ્યક્તિને ખરાબ રીતે જ જોવામાં આવે છે. આવા પુરુષો જ્યારે સમાજમાં રહેવાની બીકે કોઇ યુવતીને પોતાના જીવનમાં સ્થાન આપવાનો પ્રયત્ન કરે તો પણ તે ડરી ડરીને આગળ વધતા હોય છે. રાહુલ સાથે એવું જ થયું પણ બીજી તરફ હેતલની લાગણીઓ પણ એટલી હદે જ દુભાઇ હતી. તે આ બાબતને સ્વીકારવા તૈયાર નહોતી અને તેથી જ તેણે સંબંધ કાપી નાખ્યા. સોશિયલ મીડિયા પર આવી વ્યક્તિઓ મળવી અને આવી ઘટનાઓ બનવી સમાજમાં રહેતા યુવાનોના જીવન અને માનસિકતા સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરે છે. તેનાથી ચેતવું તે દરેક યુવક અને યુવતીઓની ફરજ છે.