જૂનાગઢ મનપા બાદ જિલ્લા તંત્ર પણ દોડતું થયું
તંત્ર દ્વારા નોટિસ અને ચેકિંગ બાદ નકકર કાર્યવાહી કયારે ?
- Advertisement -
શહેરમાં હજુ અનેક સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફટીનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં મહાપાલિકા સહિત તાલુકા લેવલે તંત્ર દોડતુ થયુ છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોજ બરોજ જાહેર જગ્યા પર અજર-જવર થતી હોય તેવી જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યુ છે. જેમાં વધુ 53 હોસ્પિટલોનું ચેકીંગ કરવામાં આવ્યુ છે અને જરૂર પડયે નોટીસો ઇસ્યુ કરવામાં આવી રહી છે. ત્યારે મેંદરડા અને સાસણગીર આસપાસ તંત્ર દ્વારા રિસોર્ટનું ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં ચાર રિસોર્ટને ફાયર એનઓસી ન હોવાના કારણે તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. જયારે હજુ પણ ગીર વિસ્તારમાં અનેક એવી હોટલો અને રિસોર્ટો આવેલ છે તેનું પણ સઘન ચેકીંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ હવે જૂનાગઢ મનપા બાદ જિલ્લાના અનેક તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેમઝોન હોટલ રિસોર્ટ સહિતના સ્થળો પણ તંત્ર દોડતુ
થયુ છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં તા.26 મેથી ધડાધડ ચેકીંગ કરાઇ રહ્યું છે તા.26 મે એ 4 ગેમઝોનને સીલ મારી દીધા હતા 27 અને 28 મેેમ બે દિવસ ચેકીંગ કર્યા બાદ 28 મેએ 4 મોલને સીલ મારી દીધા હતા. 29મેએ 1 સીનેમા, 3 શોરૂમ એક જીમ અને 20 દુકાનોને સીલ મારી દીધુ હતુ. જયારે 30 મેએ ફાયર શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા 53 હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. જો કે, આચેકીંગ પછી પણ કોઇને દંડ, નોટીસ કે સીલ મારવાની કાર્યવાહી કરાઇ નહતી. ઉલટાનું 53માંથી જે હોસ્પિટલમાં ફાયરએનઓસી મુદત પૂર્ણ થઇ છે તેમણે ઓનલાઇન રિન્યુઅલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
જયારે સાસણ-ગીર આસપાસ 200થી વધુ રિસોર્ટ આવેલા છે જેમાં અમુક નિયમ વિરૂઘ્ધ રિસોર્ટો ધમધમી રહ્યા હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જયારે મેંદરડા મામલતદાર, ટીડીઓ, પોલીસ, વન વિભાગ અને ફાયરની ટીમ દ્વારા હોટલ અને રિસોર્ટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં વાઇર્લ્ડ વાઇટ રિસોર્ટ, મુરલીધર રિસોર્ટ, એટીએમ રિસોર્ટ સહિત એક રિસોર્ટને ફાયર એનઓસી નહીં હોવાના લીધે તંત્ર દ્વારા 15 દિવસમાં એનઓસી લઇ લેવા નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી અને જો 15 દિવસમાં ફાયર એનઓસી અંગે રિસોર્ટ દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ વધુ કાર્યવાહી કડક કરવામાં આવશે.
મેંદરડા તંત્ર દ્વારા સાસણ-ગીર આસપાસના હોટલ, રિસોર્ટ સહિતની જગ્યા પર ફાયર એનઓસી સહિતના નિયમોનો ઉલાળ્યો કરનાર સંચાલકો સામે લાલ આંખ કરી છે અને નોટીસ ઇસ્યુ કરવામાં આવી રહી છે. જયારે તંત્ર દ્વારા હોટલ તેમજ રિસોર્ટ સહિતની ગીર વિસ્તારમાં આવેલી જગ્યાનું સઘન તપાસ શરૂ કરતા હોટલ સંચાલકોમાં ફફટાડ ફેલાયો છે. ત્યારે તંત્ર પણ રાજકોટની ઘટના બાદ રિતસર દોડતુ થયુ છે અને સમગ્ર જિલ્લામાં ગેમઝોન સહિતના જાહેર સ્થળો પર જ્યાં લોકોની વધુ ભીડ હોય તેવી જગ્યા પર ચકાસણી કરવામાં આવી રહી છે.