ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં મોતને ભેટેલાં લોકોની કરુણ કહાનીઓ સામે આવતી જાય છે. કોઈના પિતા, કોઈનો ભાઈ તો કોઈની દીકરી ને કોઈની બહેન…પરિવારના સભ્યને ગુમાવી ચુકેલા કુટુંબીજનોની આંખનાં આંસુ સુકાતાં નથી. કુટુંબીજનોની આંખ સામે કાળો વર્તમાન અને ધૂંધળું ભવિષ્ય તરવરી રહે છે. અલબત્ત, એમના દુ:ખના ભાગીદાર ન બની શકીએ પરંતુ સાક્ષી બનવું પણ નથી ગમતું, અજાણ્યા છે છતાં તેમની પીડા જોઈને હૈયું દ્રવી ઉઠે છે તો પોતાની વ્યક્તિ ગુમાવનાર ખુદ એ લોકોની શું હાલત હશે એ સમજી શકાય છે.
અને વિચાર આવે છે કે લોકોની સુરક્ષા સાથે ચેડાં કરતી ગેરરીતિ, ભ્રષ્ટાચારનો અંત આવો ભયંકર પણ આવી શકે એ જાણતા હોવાં છતાં અમુક લોકોની લાલચ તેમને માનવહત્યાના જઘન્ય પાપ આચરવા સુધી લઈ જાય છે! કોર્પોરેશન, પોલીસ, નેતાઓનું દબાણ, વગદારોનો લાભ, આ સમીકરણ સાથે, નીચેથી લઈને ઉપર સુધીનો માણસ ભ્રષ્ટ હોય ત્યારે જ આવી ખુલ્લંખુલ્લી રીતે, સુરક્ષા અને સલામતીના નિયમોની એસીતેસી કરીને આવડો મોટો ગેમઝોન ચાલી શકે. હું તો એમ જ કહીશ કે લોકોને જાણીજોઈને મોતના મુખમાં ધકેલવાની આવી પેરવીઓ માનવ સર્જિત આપદા નહીં, હત્યાકાંડ છે અને તેના દોષીઓને તેની આકરામાં આકરી સજા મળવી જ જોઈએ.
- Advertisement -
ઉપરોક્ત દુર્ઘટનામાં મૃત્યુને ભેટેલા ચાલીસ વર્ષીય સુનિલભાઈ સિદ્ધપુરાના પરિવારજનોની મુલાકાત અમે લીધી. સુનિલભાઈને જાણે કાળ પોકારતો હોય એમ ફક્ત પંદરદિવસ પહેલાંજ આ ગેમઝોનમાં જોબ શરુ કરેલી. ગયા શનિવારે દુર્ઘટના બની અને શુક્રવારે તો કુટુંબના સભ્યોને તેમણે ગેમઝોનમાં એન્જોય કરવા બોલાવ્યા હતાં. કોઈ ચોક્કસ માહિતી નથી મળતી પણ ત્યાં હાજર હતા એવી વ્યક્તિઓનું કહેવું છે કે સુનિલભાઈએ બે જણાને બચાવીને બહાર કાઢ્યા અને પોતે ભોગ બન્યા. જો બીજાને બચાવવા ન રહ્યા હોત તો પોતે ભોગ ન બન્યા હોતે!
સુનિલભાઈ-સીમાબેનના લગ્નને પંદર વર્ષ થયાં છે. તેમની એકની એક દસ વર્ષની દીકરી હજુપણ પપ્પાની રાહ જુએ છે. તો પત્ની સીમાબેનની એક આંખમાં આંસુ ને બીજી આંખમાં આક્રોશ, લાચારી તરવરી રહે છે. તેઓ કહે છે કે જેવી અમારા પર વિતી એવી હવે બીજા કોઈ પર ન વિતે એટલા માટે હવે સુરક્ષા નિયમોનું કડક રીતે પાલન થવું જોઈએ. અમને તો ખબર જ નહોતી કે આ ગેમઝોનમાં સુરક્ષાના નામે કોઈ વ્યવસ્થા નહોતી અને સામાન્ય માણસને તો ખબર પણ ન જ હોય પરંતુ એ ચકાસવા જોવાની જવાબદારી તંત્રની છે. અતિશય રોષ સાથે સીમાબેન કહે છે કે આપણને પચાસ રૃપિયાનું પેટ્રોલ બોટલમાં આપવાની ના પાડી દે છે અને આ ગેમઝોનને હજારો લિટર પેટ્રોલ-ડીઝલ (રાખવાની પરવાનગી વગર ) આપ્યાં કોણે? જે લોકોએ પણ આ મામલે ભ્રષ્ટાચાર કર્યો છે એમાંથી કોઇને છોડવામાં ન આવે, મોટામાં મોટો માણસ હોય તો પણ તેમને આકરી સજા આપવામાં આવે. બીજું, જેનુ મૃત્યુ થયું છે એ કંઈ પોતાના વાંકે નથી થયું પણ બધાના મિલીભગત સમી ગેરરીતિઓને કારણે થયું છે તો હવે જેની રહેમનજર નીચે આ બધું થયું એ સરકાર મને સરકારી નોકરી તેમજ મારી દીકરીના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવી જોઈએ એવી મારી દ્રઢ માંગ છે.
સુનિલભાઈના બેન કહે છે કે કોઈના મૃત્યુ પછી બે -ચાર લાખ આપી દેવાથી પાછળના લોકોની આખી જીંદગી સુખે નીકળી જશે? આ સમયમાં ચાર લાખ તો બહુ નાની રકમ કહેવાય, આવા રૂપિયાની બદલે સરકારે પહેલેથી જ નિયમોના અમલ પર ધ્યાન આપ્યું હોત તો કેટલાય ઘર ઉજડતાં બચી જાતે! બેન વધુમાં કહે છે કે આટલી બધી પબ્લિક ગેમઝોનમાં હતી તો વેલ્ડિંગકામ દિવસના બદલે રાત્રે કરવું જોઈતું હતું. લોકોની સુરક્ષાનો જરાપણ વિચાર કોઈએ કર્યો નહીં અને એક-બે તણખાના કારણે આવડી મોટી દુર્ઘટના સર્જાઈ! સુનિલભાઈના પિતા હજુ સ્તબ્ધતામાં છે તો મોટાભાઈ-ભાભી કહે છે કે અમને હજુય ભણકારા થાય છે કે સુનિલ હમણાં આવશે!બીજું, અમે પૂછ્યું કે સાશકપક્ષ કે વિરોધપક્ષના કોઈ નેતાએ તમને રુબરુ મળી આશ્વાસન આપ્યું કે પરિસ્થિતિ વિષે જાણવાની જવાબદારી દાખવી છે? એના જવાબમાં ભાઈએ કહ્યું કે ન તો વિરોધ પક્ષ કે ન તો સાશક પક્ષના એકેય નેતા કે મંત્રી આજસુધી અમને મળવા આવ્યા નથી કે નથી અમારી ખબર લીધી!
- Advertisement -
સીમાબેન કહે છે કે અમને સમાચાર દ્વારા જાણ થઈ કે ગેમઝોનમાં આગ લાગી છે. અમે તાત્કાલિક ગેમઝોન પર ગયા પણ ત્યાં તો બધુંય ભસ્મીભૂત હતું! કોઈ કહે કે આ હોસ્પિટલમાં તો કોઈ કહે પેલીમાં લઈ ગયા, અંતે અમે સિવિલમાં પહોંચ્યા પણ મૃતદેહનો કોઈ પત્તો નહોતો. અંતે બે દિવસે ડીએનએ મેચ થતાં મૃતદેહ સોંપવામાં આવ્યો. સુનિલભાઈના પિતા અને ભાઈ કહે છે કે છ ફૂટ ઊંચા પુરા, બોડી બિલ્ડર જેવા કદ કાઠી ધરાવતા મારા દીકરાનો દેહ એક કોથળીમાં આવ્યો! દસ વર્ષની દીકરી પિતાની રાહમાં બે દિવસ જમી સુદ્ધા નહોતી. પપ્પા આવશે, પપ્પા આવશેની રટ લગાવી બેઠેલી દીકરીએ હવે, પપ્પા ભગવાનને ઘરે ગયા છે એ સ્વીકારી લીધું છે તો સીમાબેનને એ અફસોસ છે કે હું મારા પતિનો ચહેરો પણ જોવા ન પામી!
દુર્ઘટનામાં મૃત્યુને ભેટેલાં ચાલીસ વર્ષીય સુનિલભાઈ સિદ્ધપુરાના કુંટુંબીઓની વ્યથાકથા