અભિલાષ ઘોડા
ચોક્કસ દિગ્દર્શક અગાઉની બે ત્રણ સુપર ડુપર ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ફરી નવોદિત નિર્માતાને લઈને મેદાનમાં ઉતર્યા છે
- Advertisement -
અમુક નિર્માતાઓ ફરીયાદ કરે છે ( અહીં, ’અમુક’ ભારપૂર્વક વાંચવું ) કે આટલા રૂપીયા પ્રમોશનમાં વાપર્યા પણ ફિલ્મ ન ચાલી.
પણ દુખ સાથે કહેવું પડે છે કે આવા નિર્માતાઓ ને ટારગેટ ઓડિયન્સ વિષે જ્ઞાન જ નથી..
સંપૂર્ણ ફિલ્મનો પ્રચાર અંગ્રેજીમાં
આપ ફિલ્મ ગુજરાતીમાં બનાવો છો તો પ્રચાર ( અમુક ફિલ્મના તો ટાઇટલ પણ) અંગ્રેજી માં શા માટે અંગ્રેજી વાંચવા વાળો આપણો પ્રેક્ષક જ નથી
ખોટી દિશામાં પ્રચાર
ગુજરાતી છાપાઓના પેજ પર ગુજરાતી પ્રેક્ષક બેઠો છે, પણ આપણે તેને અંગ્રેજી પેપરના પાને શોધીએ છીએ.
એમને રોટલી – શાક ખાવા છે..
પણ, આપણે તેને નામ પણ ન બોલતા આવડે તેવી વિચિત્ર વાનગી ખવડાવીએ છીએ.
જેને ગુજરાતી પ્રેક્ષક ક્યાં છે તે સપનામાં પણ ખબર નથી તેવા ગુજરાતની બહાર રહેતા અમુક લોકો ફિલ્મનો પ્રચાર ડીઝાઇન કરે છે.
હિન્દીની નકલ કરવાનું ગાંડપણ
અમુક ચોક્કસ દિગ્દર્શક એવું કહે છે કે અમે હિન્દી જેવી ફિલ્મ બનાવી
અરે, તો પ્રેક્ષક હિન્દી જેવી શા માટે જોવા જાય. હિન્દી જ ન જુએ
આપણી વાર્તાઓ બોલીવુડનો નિર્માતા કોપી કરીને ફિલ્મ બનાવી શકે તો આપણને આપણી માટીની વાર્તાઓ માટે આટલી સુગ કેમ
શું આપણી વાર્તાઓ આપણી ફિલ્મના લેખકો કે દિગ્દર્શક ને સમજાતી નથી. કાશીનો દિકરો, દિવાદાંડી, વેણીને આવ્યા ફુલ, જીગર અને અમી, મેરૂ – માલણ, કાદુ મકરાણી, વિર માંગડાવાળો, હોથલ-પદમણી, માનવીની ભવાઈ, શેઠ સગાળશા, જેસલ – તોરલ જેવી અનેક ફિલ્મોને આપણા બાપદાદાઓએ હાઉસફૂલના પાટીયા ઝુલાવી સફળ કરેલી.
હા, હું ચોક્ક્સ સમજુ છું કે સમય સાથે અપડેટ થવું જરૂરી છે. હેલ્લારો, સૈયર મોરી રે, કસુંબો જેવી અઢળક ફિલ્મો આપણી માટીની
- Advertisement -
વાર્તાઓ સાથે બની અને સફળતાપૂર્વક ચાલી પણ ખરી.
કોપી-પેસ્ટ પ્રમોશન
યાદ રાખો, કોલેજ કે મોલનો પ્રેક્ષક ગુજરાતી ફિલ્મ જોવા ક્યારેય જતો નથી. શહેરોમાં ગુજરાતી ફિલ્મ નો પ્રેક્ષક ખુબ મર્યાદિત છે. અને ખરેખર ગુજરાતી ફિલ્મ નો પ્રેક્ષક જ્યાં છે ત્યાં આપણે પહોચતા જ નથી. એમને આજે પણ ’મા’ સાંભળવું છે, મોમ નહીં..એમને જ્યારે ’મોમ’ સાંભળવાની તીવ્ર
ઇચ્છા થશે ત્યારે તે હીન્દી ફિલ્મ જેવી ગુજરાતી ફિલ્મ જોવાને બદલે સીધી જ હીન્દી ફિલ્મ જોઈ લેશે..
આ લખનાર સહેજ પણ નવા જમાનાના ટેસ્ટના વિરોધી નથી. કહેવાનું એટલું જ છે કે મોટાભાગના મેકર્સને તેનું ટારગેટ ઓડિયન્સ જ ખબર નથી. તાજેતરમાં અમુક નિર્માતાઓએ નામ ન આપવાની શરતે તેમની ફિલ્મ ના દિગ્દર્શક તરફથી જે હેરાનગતી થઇ તેની વાતો અમારી સાથે શેર કરી. આવા નિર્માતાઓ ફરી ક્યારેય ગુજરાતી ફિલ્મ બનાવવાની હીંમત નહીં જ કરે. કારણ કે, બોલીવુડની દસ સફળ ફિલ્મ હીટ કરી હોય તેવા તેવર અમુક નવોદિત દિગ્દર્શકના નિર્માતાઓ સાથે જોવા મળ્યા છે. ગુજરાતી ફિલ્મની દશા બગાડવા આ કારણ પણ છે. સામે નિર્માતાઓનો પણ વાંક છે કે નમકીન કે મુખવાસ પણ આપણે ટેસ્ટ કરીને ખરીદીએ છીએ તો તમે દિગ્દર્શક નક્કી કરતા પહેલાં તેણે અગાઉ કઇ , કેવી અને કેટલી ફિલ્મ બનાવી છે એટલું પણ છેક ન કર્યું ગુજરાતી ભાષાની ફિલ્મ માટે તડપતો પ્રેક્ષક છે જ, બસ, આપણા પ્રચારના વહાણનું સઢ પવનની દિશામાં ફેરવવાની માત્ર જરૂર છે. પવન ઉગમણે છે. અને આપણે આથમણે સઢ પકડીને બેઠા છીએ પછી હોડકા કીનારા ભણી જ જાય.
અંગ્રેજી શિર્ષક માટે અનેક દિગ્દર્શકની ઘેલછા, નવોદિત નિર્માતાઓને ડુબાડે છે
માત્ર પોતાની વાહવાહી થાય, તે હેતુથી અમુક ચોક્કસ વર્ગ ને ટારગેટ કરી ફિલ્મનું ટાઇટલ અંગ્રેજીમાં રાખવાની એક રીતસર હોડ જામી છે. નવોદિત નિર્માતાઓને ચાંદ બતાવી ફિલ્મ સુપર ડુપર હીટ કરી આપવાના બોગસ વાયદાઓ સાથે ગુજરાતીઓને ક્યારેય ગળે ન ઉતરે તેવા જોખમી વિષય સાથે અમુક ફિલ્મ દિગ્દર્શક દ્વારા નિર્માતાને અંધારામાં રાખવાનો એક ચોક્કસ કારસો ચાલી રહ્યો છે.
દિગ્દર્શક દ્વારા બીચારા નિર્માતાને ગુરૂવાર સુધી ’તમને નહીં સમજાય’ એમ કહીને અંધારામાં રાખવામાં આવે છે, એ વાત નિર્માતાને રીલિઝ પછીના સોમવારે છેક સમજાય છે કે મારો દાવ થઇ ગયો. આવા ચોક્કસ દિગ્દર્શક અગાઉની બે ત્રણ સુપર ડુપર ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ફરી નવોદિત નિર્માતા ને લઈ ને મેદાન માં ઉતર્યા છે. જેના કારણે અગાઉના દરેક નિર્માતાઓ રડ્યા છે. સાવ વિચિત્ર વિષયવસ્તુ સાથે આવેલી એક ફિલ્મ માટે ચોક્ક્સ પ્રેક્ષકોને કહેવું જ પડે, હે, સુજ્ઞ પ્રેક્ષક આવી ફિલમ ’તને નહીં સમજાય’. દુર રહેજે બાપલીયા.
આવતા શુક્રવારે ત્રણ ફિલ્મ રીલીઝ થશે
આવતા શુક્રવારે તારીખ 17 જાન્યુઆરીએ એક સાથે ત્રણ ત્રણ ફિલ્મો રીલીઝ થવા જઇ રહી છે. સદનસીબે ત્રણ માંથી એકપણ ફિલ્મનું ટાઇટલ અંગ્રેજીમાં નથી જે એક આનંદની વાત છે.
પહેલી ફિલ્મ છે હીતેનકુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સન્ની પંચોલી, વ્યોમા નાંદી, રીવા રાચ્છ અને વિસ્તાપ ગોટલા અભિનીત કાજલ ઓઝા વૈદ્ય લિખીત, ધર્મેશ પટેલ દિગ્દર્શિત અને વિજય ચૌહાણ નિર્મીત તારો થયો. Old Age Love Story ના બેઝ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.
કાજલ ઓઝા વૈદ્ય જેવા મંજાયયેલા અને લોકપ્રિય લેખીકાનો વિષય અને વાર્તા હોય, હીતેનકુમાર જેવા સક્ષમ અભિનેતા હોય પછી તેમાં સહેજ પણ વિચારવાનું ન હોય.
બીજી ફિલ્મ છે માલિકની વાર્તા
અનંગ દેસાઈ, રાજીવ મહેતા, એમ.મોનલ ગજ્જર, ચેતન દૈયા, સુનિલ વિશ્રાણી,મૌલિક ચૌહાણ અભિનીત આ ફિલ્મ ના કાર્યકારી નિર્માતા છે રાજેશ ચૌહાણ, દિગ્દર્શક છે ડો. કે.આર.દેવમણી
અને નિર્માતા છે રાજેન્દ્ર મહેતા.
અને ત્રીજી ફિલ્મ છે
મોના થીબા કનોડીયાના કમબેક સાથે છુટ્ટા છેડા
મુળ રાજકોટ ના અને હાલ અમદાવાદ ખાતે પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવતા અખીલ કોટક દિગ્દર્શિત અને હીતુ કનોડીયા – મોના થીબા કનોડીયા અભિનીત ફિલ્મ છુટ્ટાછેડા.
આ ફિલ્મ ની ખાસિયત એ છે કે હીતુ કનોડીયાના પત્ની અને જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડીયા વર્ષો પછી ગુજરાતી ફિલ્મ માં કમબેક કરી રહ્યા છે.
પોતાના અભિનય ને કારણે પોતાનું આગવું નામ બનાવનાર મોના, સફળ નેતા, અભિનેતા અને પતિ એવા હીતુ કનોડીયા સાથે લગ્ન પછી પ્રથમ વખત આવી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે બન્નેની કેમેસ્ટ્રી ચોક્ક્સ જામશે.
અમી પટેલ પ્રસ્તુત આ ફિલ્મ ના નિર્માતા છે,
મનીષ પટેલ અને મયંક અંબાલીયા.