સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી લોકહિતના અનેક કાર્યો કર્યા હતા
ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ઉચ્છંગરાય નવલશંકર ઢેબરની ૧૨૧મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રિકોણબાગ સ્થિત તેમની પ્રતિમા સમક્ષ વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને શહેરના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ઢેબરભાઈની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક મસ્તક નમાવી નમન કર્યા હતા. ઉચ્છંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭) ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની રહ્યા હતા. દેશને આઝાદી મળ્યા બાદ ૧૯૪૮થી ૧૯૫૪ દરમિયાન તેમણે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી લોકહિતના અનેક કાર્યો કર્યા હતા. તેમના આ મૂલ્યવાન યોગદાનને આજે તેમની ૧૨૧મી જન્મજયંતિ પ્રસંગે શહેરીજનો અને મહાનુભાવો દ્વારા સ્મરણ કરવામાં આવ્યું હતું. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




